આપણને સમાચારો વાંચવાની એવી ટેવ પડી ગઈ છે ક્યારેક એમાં ‘સળી’ થઈ જાય તો છેક રહી રહીને ટ્યૂબલાઈટ થાય કે… આ શું હતું ? જુઓ નમૂના…
***
ગાંધીનગરના સચિવાલયમાં એકસામટા ૩૧ કર્મચારીઓ કામ કરતા પકડાયા.
***
એક વૈજ્ઞાનિક સંશોધનમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ઊંઘતી વખતે ઘણીવાર માણસની આંખો બંધ થઈ જતી હોય છે.
***
ઉદ્યોગમંત્રીએ જણાવ્યું છે કે નફો કરતી દસ સરકારી કંપનીઓને ટુંક સમયમાં ખોટમાં લઈ જવામાં આવશે.
***
કૃષિમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે દેશમાં અનાજની અછત ઊભી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
***
જાણીતા અર્થશાસ્ત્રીએ ખૂબ જ તલસ્પર્શી અભ્યાસ બાદ તારણ કાઢ્યું છે કે ચીજવસ્તુઓના ભાવ વધવાનું મૂળ કારણ મોંઘવારી જ હોય છે.
***
મુંબઈમાં થયેલા લોકલ ટ્રેનના અકસ્માતમાં મહિલાઓ માટેનો ડબ્બો ઉથલી પડતાં ૩૨ વ્યક્તિઓની ઈજા થઈ હતી જેમાંથી ૩૨ મહિલા હોવાનું મનાય છે.
***
પોતાનું નામ ન આપવાની શરતે બુકી ઇસ્માઈલ તૌફીકે જણાવ્યું હતું કે મિડીયામાં મારું નામ ખોટી રીતે બદનામ થઈ રહ્યું છે.
***
કરીનાકપૂર કહે છે કે મારી ફેવરીટ વાનગી મને ભાવતી નથી.
***
સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન બહાર પાડતાં કડક સૂચના આપી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતો કોઈપણ કેસનો ઓછામાં ઓછા ૧૫ વરસમાં તો નિકાલ થઈ જ જવો જોઈએ.
***
ગઈકાલે છપાયેલી જાહેર નોટિસમાં શ્રી જયશંકરલાલનું નામ સરતચૂકથી જયશંકરલાલ છપાયું છે તે સુધારીને શ્રી જયશંકરલાલ વાંચવા વિનંતી છે.
***
૯૪ વરસના સુપ્રસિદ્ધ ચિંતનકારે કહ્યું હતું જો મને અહીં ફરીથી જન્મ લેવાની તક મળે તો હું ૯૪ વરસની ઉંમરે જ મરી જવાનું પસંદ કરીશ.
***
અને હા, દેશમાં અલ્પસંખ્યકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment