રાવણની દસ માથાળી જોક્સ !

આજે દશેરા છે. જો આજે વરસાદ પડશે. તો રાવણનાં પૂતળાં બાળવામાં તકલીફ થવાની છે ! આજેય, ભલે રાવણ એક વિલન રહ્યો, છતાં જોવા જાવ તો એક ‘ફની’ કેરેક્ટર છે…

*** 

રાવણ એક ક્લબમાં પહોંચી ગયો. ત્યાંના સ્વિમિંગ પૂલમાં તરવાની હરિફાઈ ચાલતી હતી.

રાવણને એમ કે મારે તો દસ દસ હાથ છે ! એટલે હું વટકે સાથ બધાને હરાવી દઈશ ! પણ એ પાણીમાં પડ્યો કે તરત જ ડૂબવા લાગ્યો !

માંડ માંડ એને બચાવીને બહાર કાઢ્યો. લોકોએ પૂછ્યું, ‘બોસ, દસ દસ હાથ હોવા છતાં તમે ડૂબી કેમ રહ્યા હતા ?’
રાવણ કહે ‘ગોળ ગોળ હાથ વીંઝવામાં મારાં દસ માથાં નડતાં હતાં !’

*** 

અચ્છા, તમને ખબર છે, મલિંગા જે રીતે ત્રાંસો હાથ રાખીને બોલિંગ કરે છે એવી બોલિંગ સ્ટાઈલની શોધ કોણે કરી હતી ?
રાવણે ! કેમકે નોર્મલ એકશનથી બોલિંગ કરવા જાય તો એને પોતાનાં માથાં નડતાં હતાં !

*** 

બોલિંગમાં ના ચાલ્યો એટલે રાવણે બેટિંગમાં હાથ અજમાવવાની ટ્રાય કરી. તે એક નાનકડી ક્રિકેટ ક્લબમા ગયો.
અહીં નેટ પ્રેક્ટિસ વખતે તેણે દસ હાથ વડે ધનાધન ફટકાબાજી કરીને કોચને ઇમ્પ્રેસ કરી દીધો.

છતાં કોચે તેને ટીમમાં લેવાની ના પાડી ! રાવણે પૂછ્યું ‘કેમ ?’
કોચ કહે છે : ‘અમારી પાસે કુલ મળીને હેલ્મેટો બે જ છે ! તારા માટે બીજી દસ હેલ્મેટ ખરીદવાનું બજેટ નથી !’

*** 

છતાં એ ટીમની મેચ બીજી ટીમ સાથે હતી ત્યારે રાવણને એકસ્ટ્રા પ્લેયર તરીકે ટીમમાં લીધો !

શા માટે ?

જેથી ડગ-આઉટમા બેસીને તે દસ દસ મોં વડે ‘કમ ઓન… કમ ઓન…’ એવી બૂમો પાડી શકે !

*** 

પરંતુ જ્યારે મેચમાં ડ્રીંક્સ બ્રેક પડ્યો ત્યારે ફીલ્ડરો માટે લેમન-જ્યુસ, ઓરેન્જ જ્યુસ વગેરે કશું બચ્યું જ નહોતું !

કેમ ? કારણ કે ઘાંટા પાડવાથી રાવણનાં દસે દસ ગળાં સૂકાઈ ગયાં હતાં. એટલે તે બધી જ બાટલીઓ ગટગટાવી ગયો હતો !
જય લંકેશ !

***

- મન્નુ શેખચલ્લી

Comments