આ દિવાળીના તહેવારોમાં એક મેસેજ એવો ફરતો હતો કે ‘તમે આટ-આટલા વરસોથી મને શુભેચ્છાઓ પાઠવો છો, પણ મારી હાલતમાં કંઈ ફેર પડ્યો નથી ! એટલે, આ વખતે રહેવા દેજો… હોં ભૈશાબ ?’
લાગે છે કે આવા અન્ય ‘નો-નોન્સેન્સ’ મેસજોની તાતી જરૂર છે ! જેમકે…
***
‘તમે દર વરસે મારા અને મારા પરિવારના સભ્યો માટે સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સ્વાસ્થ્ય માટે ‘પ્રાર્થના’ તો કરો છો…
પણ લાગે છે કે તમે મંદિરમાં જઈને તો પોતાના માટે જ આ બધું માગો છો !
એટલે, કાં તો ઘેરબેઠાં ખોટી ખોટી પ્રાર્થનાઓ કરવાનું બંધ કરો ! અથવા મંદિર જાવ તો મારા માટે પણ બે-ચાર ‘રિમાઈન્ડર’ મુકવાનું રાખો !’
***
‘કોઈએ સાચું જ કહ્યું છે કે ગરીબોને મદદ કરવી એ જ સાચી દિવાળી છે…
તો જણાવવાનું કે શેરબજારમાં ધોવાણ થવાથી જે લાખો લોકો ગરીબ થઈ ગયા છે. એમાંનો હું પણ એક છું !
(આ નંબર પર મિનિમમ ૫૦૦૦ રૂપિયાનુ જી-પે કરશો તો ઇશ્વર તમને અને તમારા પરિવારને… સમજી ગયા ને?)’
***
‘આ મોબાઈલે તો દાટ વાળ્યો છે… મેં મારા મામાને કહ્યું કે તમને પગે લાગવું છે, તમારા પગનો ફોટો મોકલો…
ફોટાને પગે લાગ્યા પછી મેં ફોનમાં લખ્યું કે દિવાળીની બક્ષિસ તો મોકલો ?
તો મામાએ ૫૦૦ની નોટનો ફોટો મોકલી આપ્યો !’
***
‘કોઈ મળવા આવતું નથી…
કોઈ મળવા જતું નથી…
ઘરમાં નાસ્તાઓ અને મીઠાઈઓ
એમની એમ પડી છે…’
- હા વડીલ હા ! પણ જો આવું જ હોય તો મીઠાઈ અને ફરસાણના ભાવ આટલા બધા શેના વધી જાય છે ? જનતા જાણવા માગે છે…
***
‘તમે કહ્યું કે આ ‘વાઘબારસ નહીં પણ ‘વાક્-બારસ’ છે.
તો અમે ‘એનિમલ રાઈટ્સ’ જતા કર્યા…
તમે કહ્યું કે આ ‘ધનતેરસ’ નહીં પણ ‘ધન્વંતરી’નો દિવસ છે.
તો અમે રૂપિયામાં રસ લેવાને બદલે લીમડાનો રસ પી લીધો…
હવે એમ ના કહેતા કે આ ‘દિપાવલી’ નહીં પણ ‘દી-પાવલી’ છે.
કેમકે આજકાલ છૂટી ‘પાવલી’ ક્યાં શોધવા જવું ? દિમાગમાં તો રહેવા જ નથી દીધી…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment