આમ આદમીને શુભેચ્છાઓ !

મોટા માણસોને તમે નવા વરસની શુભેચ્છાઓ (અને મીટાઈઓ) મોકલો કે ના મોકલો, એમનાં વરસો સારાં જ જાય છે ! તકલીફ તો મારા-તમારા જેવા કોમનમેનને જ હોય છે. એટલે જ આમ આદમી માટેની આ ખાસ શુભેચ્છાઓ…

*** 

આવનારા વરસમાં ટ્રમ્પને શાંતિ માટે નોબેલ પ્રાઈઝ મળે કે ના મળે…

તમારી જિંદગીમં શાંતિ રહે !

*** 

રાહુલ ગાંધીનું મોદીજી સાંભળે કે ના સાંભળે….

ઘરમાં તમારી ઘરવાળીનું તમે શાંતિથી સાંભળી લો એવી શુભેચ્છા !

*** 

રૂપિયો ડોલરની સામે ભલે ગમે એટલો ગબડે… 

તમારી બેન્કનું ‘બેલેન્સ’ અડીખમ રહે !

*** 

વિરાટ કોહલી રિટાયર થઈને ભલે લંડન જતો રહે… 

તમે અહીં જ, આ દેશમાં ‘ધંધે’ લાગેલા રહો !

*** 

દેશમાં ભલે દરેક ચીજના ભાવ આસમાને પહોંચે… 

પણ તમારા દોસ્તો, જુનિયરો, સ્ટાફ મેમ્બરો, સંતાનો અને ખાસ તો પત્ની તમને ‘ભાવ આપવાનું’ બંધ ના કરે !

*** 

ભલે હમાસ-ઇઝરાયેલ વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ જાય, ભલે યુક્રેન રશિયાનું યુદ્ધ હજી બંધ ના થાય કે ભલે પાકિસ્તાનના બલોચીસ્તાનમાં ધડાકા ભડાકા થતા રહે…

તમારા ઘરનાં તમારાં ‘ગૃહમંત્રી’ સાથેના સંબંધો સતત શાંતિપૂર્ણ રહે !

*** 

ભલે શહેરના રોડમાં ખાડા પડતા રહે, ભલે નવા બનેલા પૂલો તૂટી પડતા રહે, ભલે લોકોના વાહનો ડિવાઈડરને અથડાઈને છેક ઝાડ પર લટકતા થઈ જાય…

તમારાં વાહનમાં ક્યારેય ‘પંચર’ ના પડે ! એવી શુભેચ્છા !

*** 

બાકી, ભલે ભારત અમેરિકા સામે ‘ટેરિફ વૉર’ જીતી જાય, ભલે ભારતનું અર્થતંત્ર ચોથા નંબરથી ત્રીજા નંબરનું બની જાય, ભલે ભારતનો વિશ્વમાં ડંકો વાગી જાય…

તમે કમ સે કમ જ્યાં છો, ત્યાં ‘ટકી રહો’… એટલી જ શુભેચ્છા !

***

- મન્નુ શેખચલ્લી

Comments