'કભી કભી' મેરે દિલમેં 'પુલાવ' આતા હૈ !

‘કભી કભી’ નામનો ખયાલી પુલાવ આજે પણ જેને પસંદ છે એમણે સંગીતકાર ખૈયામનો આભાર માનવો જોઈએ. અને જેને આજે પણ ‘કભી કભી’ જોતાં દિમાગનું દહીં થઈ જાય છે તેમણે પણ સંગીતકાર ખૈયામને જ જવાબદાર ગણવા જોઈએ!

કારણ શું ? તો મામલો એવો હતો કે પ્રોડ્યુસર ડિરેક્ટર યશ ચોપરા સાહિર લુધિયાનવીની એક નઝમ ઉપર ફીદા થઈ ગયા હતા. સાહિર સાહેબે એ નઝમને કંઈ કેટલીયે વાર ઉર્દૂ મુશાયરાઓમાં પેશ કરી હતી. જેમાંથી એકવાર યશજીના કાને પડી … અને ત્યાં જ ચોંટી ગઈ !

એમણે નક્કી કર્યું કે આ નઝમની આસપાસ જ એક ફિલ્મ બનાવવી  છે. હવે લોચો એ થયો કે એમની અગાઉની ફિલ્મ ‘દીવાર’નું જેણે સંગીત આપેલું એ આર ડી બર્મને આ નઝમની ધૂન બનાવવાની કોશિશ તો કરી… પણ પછી ના પાડી દીધી.

યશજી ગયા એનાથી પણ અગાઉ બનાવેલી ફિલ્મ ‘દાગ’ના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ પાસે. એમણે તો હાર્મોનિયમ પર હાથ મુકતાં પહેલાં જ નનૈયો ભણી દીધો ! એવું જ ‘અંદાઝ’ના સંગીતકાર શંકર-જયકિશનવાળા શંકરજી સાથે થયું!

છેવટે કોઈએ કહ્યું કે તમેં ખૈયામ સાહેબને આ નઝમ બતાવી જુઓ કેમકે ખૈયામ પોતે ઉર્દૂ શાયરીના બહુ ઊંડા અભ્યાસુ છે… અને લો, ખૈયામ સાહેબે હાર્મોનિયમ ઉપર એ નઝમનો કાગળ મુક્યો અને થોડીવારમાં ધૂન બનાવી કાઢી !

બસ, પછી તો શું ? યશજીએ કહ્યું ‘આ ફિલ્મનાં તમામ ગીતો હવે તમે જ કંપોઝ કરશો !’

*** 

તમે કહેશો કે મન્નુભાઈ, આમાં ખૈયામ સાહેબનો વાંક ક્યાંથી આવ્યો ? ગાયનો તો હિટ હતાં ! પણ મારા સાહેબો, જો ખૈયામએ ધૂન જ ના બનાવી હોત તો એની આસપાસ વારતા જ ના બની હોત ને ?

હવે જો મામલાની ભીતરમાં ‘તહેકીકાત’ કરવામાં આવે તો અસલી ‘મુજરીમ’નું નામ રહી રહીને બહાર આવે છે.. જે છે યશજીનાં ધર્મપત્ની, યાને કે પેમિલા ચોપરા ! 

પૂછો ક્યું ? કેમકે મિ લોર્ડ, એ ગીતની ‘આસપાસ’ વાર્તા બનાવવાને બદલે મેડમે કંઈ ભલતી જ વાર્તા બનાવી કાઢી ! હવે પત્નીએ બનાવેલી વાર્તા ‘વાહિયાત’ છે એવું કહેવાની હિંમત કયો પતિ કરી શકવાનો હતો ? બસ, આખો લોચો ત્યાં જ થયો...

*** 

જોકે ફિલ્મમાં સારામાં સારી વાત એ છે કે અમિતાભ બચ્ચન એમાં શરૂઆતની વીસેક મિનિટ સુધી એટલો ‘ચિકનો’ યાને કે સોહામણો અને હેન્ડસમ દેખાય છે કે વાત ના પૂછો !

પણ ફિલ્મની ખરાબમાં ખરાબ વાત એ પણ છે કે ઇન્ટરવલ પછી અમિતાભ એટલો જ કઢંગો, વિચિત્ર અને પોતાનું જ હરતું ફરતું કાર્ટૂન હોય એવો દેખાય છે ! 

શરૂઆતમાં જે એકથી એક સ્ટાઈલિશ અને હજારોની કિંમતવાળા ફર-કોટ પહેરીને ફરતો દેખાય છે એ જ અમિતાભને ઇન્ટરવલ પછી એવાં ચીતરી ચડે તેવાં નાઈટ ગાઉનો પહેરાવ્યાં છે કે જાણે મુંબઈની ફૂટપાથ પર લાગેલા ‘સેલ’માંથી ઉપાડી લાવ્યા હોય !

એમાંય વળી બચ્ચન સાહેબની ‘ઉંમર’ બતાડવા માટે કાન પાસેનાં થોભિયાંમાં દિવાલ ધોળ્યા પછી બચેલો ચૂનો બચ્યો હોય તેમ તેની ‘સફેદી’ લગાડી છે ! એટલું ઓછું હોય તેમ મૂછોની જગ્યાએ કાળી સેલોટેપ ચોંટાડીને ઉપર ચૂનાની પીંછી વડે સફેટ લીટા કર્યા છે !

*** 

ફિલ્મમાં અમિતાભને ‘કવિ’ બતાડ્યો છે. એટલે જ્યારે રાખીનાં લગ્ન ‘મા-બાપના કહેવાથી’ બીજે ઠેકાણે થઈ જાય છે ત્યારે આ કવિશ્રી લગ્નની ભેટ રૂપે પોતાનો ‘કવિતા સંગ્રહ’ આપે છે ! તે વખતે અમને થયું, કે હશે, બિચારો કવિ પોતે જ કડકો હોય તો આપી આપીને બીજી શું ગિફ્ટ આપે ?

પણ પેલા મોંઘા મોંઘા ફર-કોટ, ઓવરકોટ અને સ્ટાઈલીશ સ્વેટરો એ કવિ ક્યાંથી લાવતા હશે ? ત્યારે અમને હતું કે હશે, કવિના કોઈ દોસ્તની ઇમ્પોર્ટેડ રેડીમેડ ગારમેન્ટની દુકાન હશે…

પણ રાખી પરણી જાય છે પછી ખબર પડે છે કે બોસ, આ બચ્ચનો બાપ (ઇફ્તેખાર) તો આખેઆખી ખનિજ ખોદવાની ક્વોરીનો માલિક છે ! સાલું, તો પછી કયા હિસાબે રાખીના મા-બાપે અમિતાભને બદલે શશીકપુરની જોડે ચોકઠું ગોઠવ્યું ? (પામેલાજી, જવાબ આપે… જનતા જાણવા માગે છે.)

*** 

એવું જ મોટું ‘હલાડું’ ઘૂસાડવા માટે બીજાં એક મા-બાપ જવાબદાર છે. 

વાત એમ છે કે નીતુ સિંહ, જ્યારે રિશી કપૂર (જે શસીકપૂર અને રાખીનો દિકરો છે) તેના પ્રેમમાં પડે છે, અને બંનેનાં રંગેચંગે લગ્ન લેવાનું નક્કી થાય છે ત્યારે નીતુ સિંહનાં મા-બાપ, યાને કે પરીક્ષિત સહાની અને સીમી ગરેવાલને યાદ આવે છે કે ‘અરેરે… આપણી દિકરીને તો આપણે દત્તક લીધેલી છે ! એટલે હવે તો એને જણાવી જ દેવું જોઈએ…’

હવે તમે જ વિચારો, આ મા-બાપ તો જાણતાં જ હતાં કે બિચારી વહિદા રહેમાન જ્યારે જવાન હતી ત્યારે પરણ્યા પહેલાં જ પ્રેમમાં પડીને પ્રેગનન્ટ થઈ ગયેલી… અને પછી એનો પ્રેમી વિમાન અકસ્માતમાં મરી ગયેલો… એટલે જ બિચારીએ દીકરીને દત્તક આપી દીધેલી !

હવે એ જ વહીદા અમિતાભને પરણીને ઠરીઠામ થઈને બેઠી છે ! એમને એક દીકરી પણ છે. છતાં પરિક્ષીત અને સીમી વહિદાનું ‘પાક્કું એડ્રેસ’ નીતુ સિંહને આપી દે છે !

પછી જ્યારે નીતુ સિંહ હરખપદૂડી થઈને ‘મુઝે મેરી માં સે મિલના હૈ… ઔર પૂછના હૈ કિ તુમને ઐસા ક્યું કિયા…’ જેવા સવાલો લઈને અમિતાભના બંગલે પહોંચે ત્યારે નકરાં કકળાટનાં પોટલાં જ થવાનાં ને ? 

(જોકે આવી વાહિયાત વાર્તા બાબતે યશ ચોપરાજી પોતાના ઘરમાં કકળાટનાં પોટલાં નહીં ઘૂસાડવા માગતા હોય !)

*** 

અમે જ્યારે ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ પાછળની કહાણી સાંભળેલી ત્યારે અમારી છાતીમાં સાહિર સાહેબ માટે ખૂબ જ આદરભાવ ઉપજી આવેલો. પણ ફિલ્મમાં ‘હેપ્પી એન્ડિંગ’ બાજું લઈ જવા માટે સાહિર સાહેબે પોતાની જ નઝમની ‘પેરોડી’ લખેલી કે ‘મૈં હર એક પલ કા શાયર હું, હર એક પલ મેરી જવાની હૈ…’ ત્યારે અમારી છાતી મિનિમમ બાર ઇંચ જેટલી સંકોચાઈ ગયેલી.

અને એટલે જ, ‘તેરી ચોટી પકડ, લે જાઉંગા મૈં ઘર, ચારે ચલે છૂરિયાં..’ જેવા શબ્દો માટે અમે સાહિર સાહેબને માફ કરી દીધેલા !

*** 
એમ તો બચ્ચન સાહેબને પણ ‘મેરે બાબુજી કા બદલા’ લેવાનું ઝનૂન આ જ ફિલ્મથી ચડ્યું હશે. કેમકે જ્યારે એમણે જોયું કે પોતાના ઘેઘુર અવાજમાં રિસાઈટ થયેલી કવિતા ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ…’ને ગાયનોના આલબમમાં સમાવી લીધી છે, ત્યારે જ એમણે નક્કી કર્યું હશે કે બાબુજી, યાને કે, હરિવંશરાય બચ્ચનની લખેલી બે ચાર ડઝન કવિતાઓ પોતાના અવાજમાં રેકોર્ડ કરીને શ્રોતાઓને માથે મારવી જ છે !

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ…’નાં બે વર્ઝન છે. એક ખુશીનું અને બીજું વિરહનું… રસપ્રદ વાત એ છે કે સાહિર લુધિયાનવીએ આ ઉદાસ વર્ઝન વરસો પહેલાં લખ્યું હતું.

* પરદા ઉપર ‘રાખી ગુલઝાર’ એવી ક્રેડિટ પહેલીવાર આ ફિલ્મમાં અપાઈ હતી.

* રાખીના લગ્નના દૃશ્યમાં અમિતાભના માતા તેજી બચ્ચને અને પિતા હરિવંશરાયની ઝલક કન્યાદાન કરતાં દેખાય છે.

* ‘કભી કભી’ને સંગીત અને પટકથા માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા પણ અભિનય માટે એક પણ નહીં !

* રિશી કપૂર આ ફિલ્મમાં વિકીનો રોલ કરવા માટે તૈયાર નહોતા. એમને ડર હતો કે અમિતાભ બચ્ચન જ છવાઈ જશે પરંતુ શશીકપૂરે રિશીકપૂરને મનાવ્યા હતા.

* શરૂઆતમાં ફિલ્મની વાર્તા અમિતાભ,રાખી, શશીકપુર અને વહીદા રહેમાનની આસપાસ જ હતી પરંતુ યશ ચોપરાની પત્નીએ એક મેગેઝિનમાં એક માતા પોતાની દત્તક આપી દીધેલી દીકરીને મળે છે એવો લેખ વાંચ્યા પછી તેને ‘સબ-પ્લોટ’ તરીકે લેવાનુ નક્કી થયું… જેના લીધે વાર્તાની આખી ‘પથારી’ ફરી ગઈ!

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. યોગાનુયોગે, ત્રીજી જાન્યુઆરી , ૧૯૭૭ ના સવારે 'કભી કભી' ફિલ્મનાં સંગીત વિશે, મુંબઈના મહેબૂબ સ્ટુડિયોનાં કમ્પાઉન્ડમાં (દેવસાહેબની સૂચનાથી અમે થોડીવાર રોકાયા ત્યારે) બે કારમાં આવી પહોંચેલા મન્ના ડે જી, હેમંતકુમાર જી અને ખય્યામજી સાથેની થોડી મિનિટોની મુલાકાત વખતે ચર્ચા થઈ. મુકેશના બેઢંગાં ગાયન વિશે મેં મારી સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી. કોઈ મુકેશને ધક્કો મારીને ભીખ મગાવતું હોય એ હદે આ ગીત એણે ગાયું હોવાનું મને લાગ્યું.
    એ સવારે હું અને મારા વડિલ મસિયાઈ ભાઈ સ્વ. ડૉ. કિરીટભાઈ વૈદ્ય સાથે એમના ખાસ મિત્ર કિશોરભાઈ દેસાઇનાં આમંત્રણથી દેવસાહેબની ફિલ્મ 'મનપસંદ' નું ડબિંગ જોવા ત્યાં ગયેલો. પ્યારેલાલજી એમની કાચની સાઉન્ડ પ્રૂફ કેબિનમાં એનું સંચાલન કરતા હતા. અમે બાંકડા પર બેઠા હતા ત્યારે ખુદ દેવસાહેબે સ્વહસ્તે અમને મહેમાન તરીકે ગણીને ચાના ગ્લાસીસ આપ્યા. અડધો કલાક બેસીને દેવસાહેબે છજ એક મોટી સરપ્રાઈઝ માટે દાદર ઉતરીને ઓટલા પાસે થોડું થોભવાનું સૂચન કર્યું. મેં અહોભાવથી કહ્યું : "સર, તમે આટલી પ્રેમાળ આગતાસ્વાગતા કરી એનાથી વધારે સરપ્રાઈઝ શું હોઈ શકે ?!" એ વિવેકપૂર્વક હસ્યા અને અમને વિદાય આપી.

    ReplyDelete
  2. Dear Rashesh,Are you from Nadiad??

    ReplyDelete

Post a Comment