શેરબજારની ભાષા.. ક્યાં ક્યાં !

શેરબજારની એક ખાસ પ્રકારની ભાષા છે. એમાંય છાપાંના હેડિંગોમાં ખાસ પ્રકારના ‘રૂઢિપ્રયોગો’ છે અને ચોક્કસ પ્રકારના ‘વિશેષણો’ છે ! પણ એની ખરી મજા ત્યારે આવે જ્યારે એ જ ભાષામાં બીજી સ્થિતિનું વર્ણન થતું હોય…

*** 

પતિ-પત્ની વચ્ચે :

શ્રીમતીજીના સ્વભાવમાં ભડકો !!
શ્રીમાનજીની નરમ ચાલ…
સંતાનોમાં અવઢવ, પાડોશીઓનાં કૂતુહલમાં ઉછાળો, સગાંવ્હાલાંઓમાં થોભો અને રાહ જુઓનું વલણ…

*** 

બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે :

ગર્લફ્રેન્ડનું એનઆરઆઈ મૂરતિયા સાથે ‘મર્જર’ !
ડઝનબંધ બોયફ્રેન્ડોના મૂડીરોકાણમાં રાતોરાત હજારોનું ધોવાણ…
સોશિયલ મિડીયામાં સામસામી કોમેન્ટોની અફરા-તફરી !

*** 

બોલીવૂડનું ગોસિપ બજાર :

હીરોઈનની મોર્ફ થયેલી અર્ધ-નગ્ન તસવીરો વાયરલ થતાં નેશનલ મિડીયામાં ઘોડાપૂર…
નેગેટિવ રિ-એકશનથી ગોસિપ બજાર લાલઘુમ…
છતાં હિરોઈનનો પોર્ટફોલિયો સ્ટ્રોંગ થવાથી તેના ભાવ રાતોરાત ઉંચકાયા ! બોલીવૂડના બજારમાં ચારેબાજુ હિરોઈન માટે લાવો-લાવો…

*** 

બિહારના પોલિટીક્સના માર્કેટમાં :

કોંગ્રેસ છોડીને બીજે જનારના કોઈ લેવાલ નથી… ભાજપના ટોચના મેનેજમેન્ટમાં ડખો… ટિકીટોમાં અપર સરકીટ લાગી ગઈ… બિહારમાં સામી ચૂંટણીએ કાર્યકરોમાં તેજીનો વક્કર… છતાં અપક્ષ ઉમેદવારોની ડિમાન્ડમાં ગાબડું… મિડ-કેપ નેતાઓમાં શોર્ટ સેલિંગનો ચાલ… સ્મોલ-કેપ ગુન્ડાઓનું ઇનસાઈડર ટ્રેડિંગ… મોટી પાર્ટીઓનું ફ્યુચર ઓપ્શનમાં ભારે રોકાણ… મતદારો માટે લોભામણાં પ્રોસ્પેક્ટસ બહાર પાડવાની તડામાર તૈયારીઓ… છતાં મજબૂત ‘લોકશાહી’ માટે પ્રવાહી સ્થિતિ…

***

- મન્નુ શેખચલ્લી

Comments