યુઝલેસ માહિતીના ફૂગાવા !

સોશિયલ મિડિયા આવ્યા પછી ફોનમાં કેટલી બધી નકામી માહિતીઓ ઠલવાતી હોય છે ? પરંતુ જોવાની વાત એ છે કે આપણને ભાન જ નથી થતું કે આવું બધું ‘જાણીને’ આપણે શું કાંદા કાઢવાના છે ? દાખલા તરીકે…

*** 

હિમાલયના એવરેસ્ટ પહાડની ટોચ ઉપર શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ક્યારેક માઈનસ ૬૦ ડિગ્રી સુધી જઈ શકે છે !
હા બાપા હા ! પણ શું એ જાણ્યા પછી તમે આ શિયાળામાં એક સ્વેટર વધારે ખરીદીને રાખવાના છો ?

*** 

અમેરિકા અને ચીનમાં એવા રોબોટ તૈયાર થઈ રહ્યાં છે જે ઘરમાં કચરા પોતાં, કપડાં ધોવાં, વાસણ માંજવા, રસોઈ કરવી તથા આખા ઘરની માળિયાં સહિત સાફસૂફીનાં કામો પણ કરી શકશે !

આ જાણીને ભારતની મહિલાઓ શું એમ વિચારતી હશે કે આમાં ‘હસબન્ડ રિ-પ્લેસમેન્ટ’ની કોઈ સ્કીમ આવશે કે નહીં ? જેમકે પતિ આપીને રોબોટ લઈએ તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે?’

*** 

આ વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક હંગેરીના કોઈ લાઝ્લો ક્રાઝ્‌નાહોર્કિને એનાયત થયું છે.

હશે, ચાલો કોંગ્રેચ્યુલેશન ! પણ મારા સાહેબો, ભારતના રવિન્દ્રનાથ ટાગોરને જે ‘ગીતાંજલિ’ પુસ્તક માટે વરસો પહેલાં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું તેનું એકાદ પાનું તમે આજ સુધી વાંચવાનું તો છોડો, ‘જોયું’ છે પણ ખરું ?

(આવું બધું યુઝલેસ નોલેજ માત્ર યુપીએસસીની એક્ઝામો માટે જ હોય છે.)

*** 

એક સ્ત્રી દિવસમાં સરેરાશ ૨૦,૦૦૦ શબ્દો બોલે છે જ્યારે એક પુરુષ દિવસમાં સરેરાશ માત્ર ૭૦૦ શબ્દો જ બોલે છે !

આ માહિતી તમારી પત્ની આગળ ટોણો મારવા માટે ભલે સારી લાગતી હોય, પણ એકવાર માત્ર ૨૦ શબ્દોનું વાક્ય પત્ની આગળ બોલી જોજો… પછી ગણ્યા કરજો કે પત્ની જવાબમાં કેટલા શબ્દો બોલે છે !

*** 

લાલ મરચાંનો રંગ લાલ હોવા પાછળનું કારણ એ છે કે લાલ મરચાંમાં ‘ક્પ્સેન્થિન’ નામનું પિગમેન્ટ હોય છે !

હવે તમે જ કહો, એ પિગમેન્ટનું જો કોઈ બીજું નામ હોત તો શું કોઈને ઓછાં ‘મરચાં લાગવાનાં’ હતાં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments