ગાંધીનગર એક એવી જગ્યા છે જ્યાં નેતાઓ ખુરશીની આજુબાજુ ગરબા રમે છે, પ્રજા બિચારી સરકારી ઓફિસોમાં ગરબા રમે છે અને સરકારી ફાઈલો એક ટેબલથી બીજા ટેબલે આખા વરસ લગી ગરબા રમે છે !
એવા ગાંધીનગરનો પણ એક ગરબો હોવો જોઈએ ને ?
***
પેલા ‘ઘ’ પાંચની પાળે
તંબૂ તાણિયા રે લોલ !
***
આ સરકારી નગરી
એમાં પિલાય પ્રજાની ઘાણી
ફાઈલોના છે ડુંગરા
ને કોન્ટ્રક્ટરોને લ્હાણી
એ સહુ તમે ના જશો જોવા
ત્યાં મંત્રી બડો મિજાજી !
પેલા ‘ઘ’ પાંચની પાળે…
***
વિધાનસભાની બારી
એમાં ભાષણની ફૂટે ધાણી
મિનિસ્ટરોની ખુરશી
એની સત્તામાં ખેંચમતાણી
એ સહુ તમે ના જશો જોવા
ત્યાં ‘ચમચા’ બડા મિજાજી !
***
સચિવાલયની એન્ટ્રી
જાણે કિલ્લા જેવી ભાળી
ઊંચા ઊંચા ઝાંપા
ને ચેકિંગની લાઈનો લંબાણી
એ સહુ તમે ના જશો જોવા
ત્યાં સંત્રી બડો મિજાજી !
***
પેલા ગાંધીજીનું પૂતળું
લોકો પહેરાવે સૂતર-આંટી
કૌભાંડી જુઠા નેતાઓ
અહીં આવીને કરતા ભવાઈ
એ સહુ તમે ના જશો જોવા
ત્યાં ‘સત્યવાદી’ બડા મિજાજી !
***
અને ગિફ્ટ સિટીની માંહે
લોકો કરે ‘પરમિટ’ની માગણી
રોકાણકારના બહાને
દારૂબંધીની વાટ લગાડી
એ સહુ તમે ના જશો ‘પીવા’
ત્યાં બેવડા બડા મિજાજી !
***
આ શહેરનું નામ બહુ મોટું
જેમાં ‘નામ’ પૂરતા છે ગાંધી
‘પ્રજાબંધુ’ તો ભૂલાયા
નથી ‘નવજીવન’ની કહાણી
એ સહુ તમે ના જશો જોવા
ત્યાં નોટો પર ગાંધી મિજાજી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment