ભલે ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ આજે આઈકોનિક મુવી ગણાતી હોય, પરંતુ જો ત્રાંસી નજરે જોવા બેસો તો એમાં ઘણા ઝોલ છે !
સૌથી પહેલાં તો ટાઈટલ્સ વખતે અમરીશ પુરી ‘વોઈસ ઓવર’માં કહે છે ‘યે હે લંદન, દુનિયા કા સબ સે બડા શહર…’ (ઓ હલો અંકલ ! ટોકિયો, શાંઘાઈ, ન્યુ યોર્ક એ બધાં જખ મારે છે ? પણ ચાલો, એમનું ભૂગોળ કાચું હશે એમ માનીને માફ કરીએ) પરંતુ તમે માર્ક કરજો, એ અંકલ જેવા દુકાને પહોંચીને દીવો કરે છે કે તરત જ એમનાં કાકી (સોરી આપણાં કાકી, ફરીદા જલાલ) તરત જ લેન્ડલાઈનથી ફોન કરે છે ‘ હલો, પહોંચી ગયા ?’
હવે આના બે અર્થ છે. એક તો કાકીને છેલ્લા બાવીસ વરસથી ડાઉટ હશે કે કાકા રોજ ચાલતા ચાલતા કેમ દુકાને જાય છે ? રસ્તામાં ક્યાંક ‘બીજી દુકાન’માં લંગસિયું તો નહીં નાખતા હોય ને ? જોવાની વાત એ છે કે જ્યારે કાજોલ દોઢ મહિના માટે યુરોપ જાય છે ત્યારે કાકી એકપણ ફોન કરતાં કે કરાવતાં નથી !
કેમ ? ઇન્ટરનેશનલ કોલ મોંઘો પડે છે એટલે ?
***
અચ્છા, પેલી સિમરન (કાજોલ) ‘મેરે ખ્વાબો મેં જો આયે’ ગાયન ગાતી વખતે માત્ર ટુવાલ વીંટીને ઘરમાં શેની આટલા બધા ઠેકડા મારતી હશે ? એકવાર તો એક પલંગ પરથી ડાયરેક્ટ બીજા પલંગ પર ‘લોંગ જમ્પ’ મારે છે !
આની પાછળ એક જ લોજિક હોઈ શકે કે લંડનમાં ગમે ત્યારે વરસાદ તૂટી પડતો હોવાથી એના તમામ કપડાં, જે સૂકાવા નાંખ્યા હતા તે પલળી ગયાં હશે !
જોકે ગાયન આગળ વધે છે ત્યારે ખબર પડે છે કે આ મારી બેટી, વરસાદ પડે ત્યારે, ટુંકું સ્કર્ટ પહેરીને ઘર પછવાડે વરંડામાં જાણીજોઈને પલળવા જતી હોય છે ! (આટલું વાંચીને રસિકજનો જરૂર યુ-ટ્યુબમાં તાત્કાલિક ધોરણે એ ગાયન જોવા પ્રેરાશે.)
***
એમ તો કાજોલ અને શાહરૂખ એમના ફ્રેન્ડ્ઝ સાથે યુરોપની ટુરમાં જાય છે ત્યારે ત્યાંની એક ક્લબની ફેન્સી પાર્ટીમાં જાય છે એ ક્લબ તમે ધ્યાનથી જોઈ ?
પહેલી વાત તો એ કે ત્યાં પિયાનો વગાડવાને બહાને શાહરૂખ જે રીતે એની ઉપર વાંદરાની જેમ નાચે છે અને બૂટ વડે પિયાનોને ‘ખૂંદી’ નાંખે છે એ જોઈને તો ક્લબનો માલિક તેને લાત મારીને બહાર જ ફેંકી દેને ?
પણ ના, આગળ ગાયને આવે ‘રૂક જા ઓ દિલ દિવાને…’ ત્યારે સ્ટેજ ઉપર પચાસ રૂપિયાની દહાડી મજુરણ જેવી દેશી કન્યાઓ મગનલાલ ડ્રેસવાલાને ત્યાંથી સો-સો રૂપિયાના ભાડે મંગાવેલા એકસરખાં લાલ ફ્રોક અને કાળાં જુતાં પહેરીને નાચવા લાગે છે !
બાકી હતું તે ચાર દેશીવેઈટરો ટ્રમ્પેટ લઈને આખી ક્લબમાં ટાંટિયાં ઉછાળતા નાચે છે ! એ જોઈને તો ખાતરી થઈ જાય કે બોસ, જરૂર આ ક્લબનો માલિક ઇન્ડિયન જ હશે !
***
અને, તમને શું લાગે છે, કાજોલ અને શાહરૂખ ‘એકબીજાના’ પ્રેમમાં પડે છે ? ના બોસ ! ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આ તો આખું શાહરુખનું ‘કાવતરું’ હતું ! શી રીતે ?
એક તો લંડનથી ટ્રેનમાં જ્યારે બંને લગેજરૂમમાં ચડ્યાં ત્યારે શાહરુખ કમ્પાર્ટમેન્ટનો દરવાજો જાણે ખૂલતો જ નથી એવું નાટક કરે છે ! કેમકે થોડી જ વાર પછી એ દરવાજો ખોલીને કાજલની ફ્રેન્ડ અંદર આવે છે !
બીજું, શાહરૂખ જાણીજોઈને યુરોપિયન પરચૂરણમાં સમજ ના પડતી હોવાનો ઢોંગ કરીને કાજોલની ટ્રેન છોડાવી દે છે ! પછી બેટમજીએ જાણે અગાઉથી પ્લાન કરી રાખ્યું હોય તેમ એક ધોળિયાના બંગલામાં રાત રોકવાનો પ્લાન બનાવે છે.
અહીં પણ એવો જ બેડરૂમ લે છે જેમાં એક જ બેડ છે ! કાજોલ રીસાઈને જ્યારે ઘોડાના તબેલામાં જતી રહે છે ત્યારે શાહરૂખે અગાઉથી તેનાં છાપરાંના લાકડાં ખોલાવી નાંખ્યા હશે, જેથી અંદર બરફ પડવા લાગે !
પછી એ જ ઠંડીનો લાભ લઈને શાહરૂખ કાજોલને શી ખબર ‘કોનિયાક’ દારૂની બાટલીમાં શું મિક્સ કરીને પીવડાવી દે છે કે કાજોલ ટલ્લી થઈને ગાયન ગાવા લાગે છે ! (જરા સા ઝૂમ લું મેં..) એટલું જ નહીં, ટલ્લી થયેલી કાજોલનાં કપડાં બદલાવીને તેને પોતાનું ‘શર્ટ’ પહેરાવે છે ! (બડે કમીને હો !)
છેવટે જ્યારે કાજોલને ખાતરી થાય છે કે શાહરૂખે રાતના તેની સાથે ‘ગાયન ગાવા સિવાય’ બીજું કશું કર્યું જ નથી ત્યારે તે શાહરૂખને બાઝી પડે છે. તે વખતે શાહરૂખ શું સફાઈ મારે છે?
'મૈં એક હિન્દુસ્તાની લડકા હું ઔર યે જાનતા હું કિ હિન્દુસ્તાની લડકી કી ઇજ્જત કૈસે કી જાતી હૈ !’ (તૂ સમજા ?... નંઈ, તૂ નહીં સમજા !)
***
એમ તો શાહરૂખનો ડેડી અનુપમ ખેર પણ કંઈ ઓછો નથી ! બિચારો શાહરુખ અહીં પંજાબમાં દુલ્હાનો દોસ્ત બનીને પોતાના સાસરિયાંઓનાં દિલ જીતવાની કોશિશ કરી રહ્યો છે ત્યાં આ વડીલ લંડનથી અહીં, એક તો વિધાઉટ નોટિસ આવી પડે છે, અને પછી કરે છે શું ?
અહીં જે એક ચાલીસેક વરસવાળી એક કુંવારી રહી ગયેલી છે તેની ઉપર લાઈન મારવા લાગે છે ! અલ્યા ભઈ, અહીં તારા દિકરાનું લગ્ન ગોઠવવાને બદલે પોતાનું જ ‘સેટિંગ’ પાડવા બેઠા છો ? પેલા અમરીશપુરીને ખબર પડશે તો ?
***
જોવા જાવ તો પ્રોડ્યુસર યશ ચોપરાએ પણ બધું સસ્તામાં પતાવ્યું છે. યુરોપની ટુર માટે જીદ કરતી વખતે કાજોલ જે શહેરોનાં નામો બોલે છે… ‘એમ્સટરડામ, મ્યુનિક, પેરિસ…’ એમાંનું એકપણ શહેર બતાડ્યું જ નથી ! બોલો.
ઉપરથી ‘ડોલી સજા કે રખના…’ તો ધાબા ઉપર જ પતાવ્યું ! એમાંય તમે માર્ક કરજો, કાળા અને ઓરેન્જ કલરના બે તાકામાંથી દસ-દસ એકસ્ટ્રા ડાન્સરોના કૂર્તા પજામા (સસ્તામાં) સીવડાવી લીધા છે.
યાર, આના કરતાં તો આજકાલ રાજકોટ કે વીરમગામમાં જે સંગીત સંધ્યાઓ થાય છે એમાં લોકો વધારે સારાં કપડાં પહેતાં થઈ ગયા છે !
(હવે આ ચેક કરવા માટે પેલા રસિકજનો યુ-ટ્યુબમાં ગાયન નહીં ખોલે ! શું કહો છો.)
***
બાકી, આ ફિલ્મમાંથી બાબા રામદેવ લાખોની કમાણી કરવાનું ચૂકી ગયા છે ! કઈ રીતે ?
એક સીનમાં બંદૂકની ગોળીથી ઘાયલ થયેલા કબૂતરના ઘા ઉપર શાહરૂખ ‘માટી’ લગાડે છે ! તરત જ કબૂતર ઓલરાઈટ થઈને ઊડી જાય છે !
ત્યારે શાહરૂખ કહે છે ‘બાબુજી, યે જાદૂ મૈંને નહીં, હિન્દુસ્તાન કી મિટ્ટીને કિયા હૈ !’ જરા વિચારો, જો બાબા રામદેવ આ મિટ્ટી ડબ્બીઓમાં ભરીભરીને વેચતા હોત તો કેટલું બધું કમાઈ ગયા હોત ?
***
ફિલ્મની બીજી નાની મોટી વાતો..
* ‘દિલવાલે…’ મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં મેટિની શોમાં સળંગ પચ્ચીસ વરસ સુધી ચાલી હતી ! આ ઇન્ડિયન રેકોર્ડ છે.
* રાજ મલ્હોત્રાના રોલ માટે શાહરૂખ નહીં, પણ સૈફ અલીખાનને લેવાનો હતો.
* આ ફિલ્મ પછી શાહરૂખનું સ્ક્રીન નેમ ‘રાજ મલ્હોત્રા’ લગભગ એક ડઝન ફિલ્મોમાં આવ્યું છે.
* મંદિરા બેદી પહેલીવાર આ ફિલ્મ વડે પરદા ઉપર આવી હતી, અને કરણ જોહર ચાર-પાંચ દ્રશ્યોમાં શાહરૂખના ફ્રેન્ડ તરીકે દેખાય છે.
* આ ફિલ્મનું આટલું લાંબુ નામ કિરણ ખેરે સૂચવ્યું હતું. જે શરૂઆતમાં યશ ચોપરાને પસંદ નહોતું.
* એ સમયે તેનું બોક્સ ઓફિસ કલેક્શન ૧૦૨ કરોડ થયું હતું. જે આજના ૬૦૦ કરોડની બરાબર ગણી શકાય.
* અને યશ ચોપરાની દરેક ફિલ્મની જેમ આમાં પણ બરફના પહાડો વચ્ચે શિફોન સાડી પહેરેલી હિરોઈનનું દૃશ્ય છે જ !
***
-મન્નુ શેખચલ્લી
DDLJ.?? શું બાકીના બધા દિલ વગરના હશે જે દર વરસે કરોડો દુલ્હનિયા લઇ જતા હોય છે!!
ReplyDeleteમજા આવી ગઈ !
ReplyDelete