આજે જે વડીલો એક જમાનામાં ફિલ્મોના ‘કીડા’ જેવા હતા એમને યાદ હશે કે તે વખતે ‘સ્ક્રીન’ નામનું એક છાપાં જેવી સાઈઝનું ફિલ્મ-સાપ્તાહિક આવતું હતું. એમાં ‘શાન’ ફિલ્મનું પહેલું એનાઉન્સમેન્ટ થયું ત્યારે સામસામાં બે પાનાં ભરીને મોટી જાહેરખબર છપાયેલી.
એ જોઈને અમે ડઘાઈ ગયેલા ! કેમકે એમાં મોટાં મોટાં મલ્ટિસ્ટોરી બિલ્ડીંગો હતાં અને એક એક બિલ્ડીંગ પર અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, રિશી કપૂર, નીતુસિંહ, સંજીવ કુમાર, અમજદ ખાન… આવા કલાકારો એનાં ધાબા ઉપર ઊભા હોય એવું બતાડેલું !
એ જોઈને સૌથી પહેલો વિચાર તો એ આવેલો કે 'હેં ? રમેશ સિપ્પીએ હવે બિલ્ડરનો ધંધો ચાલુ કર્યો ?'
***
જોકે ‘શાન’ રિલીઝ થઈ ત્યારે એમાંથી અડધા કરતાં વધારે કલાકારો યાને કે રિશી કપૂર, નીતુસિંહ, ધર્મેન્દ્ર, હેમા માલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન ગાયબ હતા !
ત્યારે જ અમારે સમજી જવાની જરૂર હતી કે પેલું એનાઉન્સમેન્ટ તો જૂઠી ‘શાન’ પૂરતું જ હતું !
***
અચ્છા, અમદાવાદના લોકોને યાદ હશે કે ‘શાન’ જ્યારે રીલીઝ થયું ત્યારે અમદાવાદની સડકો પર ફેરિયાઓ ‘આસપાસ’ નામના મેગેઝિનની કોપીઓ વેચવા માટે બૂમો પાડતા હતા : ‘શોલેની કમાણી… શાનમા ડૂબાણી… વાંચો…વાંચો !’
કહેવાય છે કે આ વખતે ‘શાન’ની ટિકીટો કરતાં દસ ગણી સંખ્યામાં ‘આસપાસ’ની કોપીઓ વેચાઈ ગયેલી !
***
અચ્છા, ‘શાન’ જોતાંની સાથે જ લોકોને કેમ પસંદ નહોતી પડી ? એનું મૂળ કારણ હતું કે ‘શોલે’માં કઈ કઈ હોલીવૂડની ફિલ્મોમાંથી ચોરી કરેલી તેની લોકોને ખાસ ખબર નહોતી. (સલીમ-જાવેદની માસ્ટરી હતી, આમાં) પરંતુ ‘શાન’નાં તો નંબરિયા પડ્યાં કે તરત જ લોકો બોલી ઊઠ્યા : ‘બે… આ તો જેમ્સ બોન્ડના પિકચર જેવું છે !’
પછી શાકાલ (વિલન)નો અડ્ડો બતાડ્યો કે તરત બધાને થયું ‘બે… આ બી જેમ્સ બોન્ડના વિલનની કાર્બન કોપી છે !’
છેલ્લે વિલનનો અડ્ડો ધડામ્ ધડામ્ કરતો ફૂટવા લાગે અને હીરો હિરોઈનની ટોળકી એમાંથી બચીને બહાર નીકળી જાય એ પણ… (અરે, જેમ્સ બોન્ડ છોડો, છેક ૧૯૬૮માં ‘આંખે’માં આવું આવી ગયેલું.)
હજી બાકી હતું તે ‘મેગ્નિફીસન્ટ સેવન’માં ઘોડાનું ધણ વછૂટે એની વચ્ચે હીરો સંતાઈને નીકળી જાય… અને પછી લાકડાના પુલની નીચેથી ઉપર ચડીને ગન (કે દારૂગોળો) ખેંચી લાવે… એની પણ ડીટ્ટો કોપી શત્રુઘ્ન સિંહા પાસે કરાવી નાંખી ! બોલો.
***
છતાં, અન્યાય ન થાય એટલા માટે ‘શાન’ના પ્લસ પોઈન્ટનાં વખાણ પણ કરવાં જોઈએ ને ? પરંતુ એમાં ક્રેડિટ રમેશ સિપ્પીને બદલે તે સમયની મુંબઈ મહાનગરપાલિકાને મળે છે !
કઈ રીતે ? તો બોસ, ફિલ્મમાં લંગડો બનેલો મઝહર ખાન માત્ર બે ઇંચવાળાં લાકડાંના પૈડાં એક પાટિયા નીચે ફીટ કરીને, પુરા ૪૦ કિ.મી.ની સ્પીડે ગાયન ગાતો ફરે છે છતાં એને એકપણ ‘ખાડો’ નથી નડતો ! આ બતાવે છે કે ૧૯૮૦માં મુંબઈના રોડ કેટલા સારા હતા !
***
‘શાન’ જોતાં જોતાં લોકો કંટાળી જતા હતા એનું મેઈન કારણ ‘ચૂઈંગ-ગમ’ છે ! ફિલ્મના લેખકો સલીમ-જાવેદે દ્રશ્યો લખતાં લખતાં અને ડીરેક્ટર રમેશ સિપ્પીએ શૂટિંગ કરતાં કરતાં ચૂંઈંગ-ગમો જ ખાધે રાખી હોય એમ લાગે છે ! કેમકે કશું ઝટ પતતું જ નથી !
જુઓને, સુનીલ દત્તને મારી નાંખવા માટે શત્રુઘ્ન સિંહા મેળામાં જાય… ત્યાં ચકડોળ ગોળ ગોળ ફર્યા જ કરે… ફર્યા જ કરે… (અલ્યા સુનીલ દત્ત સવારે ચા પીવા માટે બેઠો હોય ત્યારે ગોળી મારતાં શું થાય છે ? આમ ગોળ ગોળ ફરતા ‘મૂવિંગ’ ટાર્ગેટ ઉપર ગોળી ચલાવવાથી કંઈ પાંચ માર્ક વધારે મળવાના હતા ?)
ચકડોળમાં શત્રુઘ્નભાઈ નિશાન ચૂકી જાય પછી સુનિલ દત્તની વેડિંગ એનિવર્સરીમા જાય છે ત્યાં બધા નાચતા ગાતા ફેર ફૂદરડી ફરતા હોય… તે ફર્યા જ કરે… ફર્યા જ કરે… અને છેવટે ફરી નિશાન ચૂકી જાય ! (આટલામાં તો પંદર મિનિટ ઘૂસી ગઈ… જોયા કરો, તમે !)
પછી સુનિલ દત્તને કોઈ ખબરી હાઈવે પર બોલાવે ! ત્યાં એની કારની આગળ, પાછળ, ડાબે અને જમણે એમ ચારેબાજુ મોટી મોટી ટ્રકો આવીને એને ઘેરી વળે… ટ્રકો ચાલ્યા જ કરે… ચાલ્યા જ કરે… (અહીં ૧૯૮૦ના હાઈવે પણ કેટલા સ્મુધ હતા તે બતાડ્યું છે.)
પછી એક ખટારાનો દરવાજો ખૂલે… એમાંથી સ્લાઈડીંગ રેમ્પ નીકળે.. અને બીજો ખટારો પાછળથી ધક્કો મારીને સુનીલ દત્તની કારને અંદર ચડાવી દે ! (યાર, આ પણ ‘ઇટાલિયન જોબ’માંથી ચોરેલો સીન છે !)
***
પણ હલો. હજી ખતમ નથી થયું ! એ પછી સુનીલ દત્તને શાકાલ પોતાની ગેંગમાં જોડાઈ જવાની ઓફર આપે, દત્ત સાહેબ ના પાડે… અને પૂરા ૭૫૦ મીટરની ઊંચાઈથી તેઓશ્રી દરિયામાં જમ્પ મારે !
અભી ભી ખતમ નહીં હુઆ !! એ પછી સળંગ દસ મિનિટ સુધી કંઈ બે ડઝન ગલુડિયાં જેવા કૂતરાં ‘કાંઉ… કાંઉ…’ કરતાં સુનીલ દત્તની પાછળ પડે છે ! (કહેવાય શું ? કે ‘દૌડા દૌડા કર મારા…’ પણ હજી બાકી છે !)
એ બચુડીયાં ક્યૂટ કૂતરાંને જોઈને અમને તો રમાડવાનું મન થઈ આવતું હતું ! તો પછી સુનીલ દત્ત આટલો ભાગતો કેમ હતો ? અથવા કૂતરાં એની પાછળ કેમ પડ્યાં હતાં ? શું સુનીલ દત્તના ખિસ્સામાં શાકાલે ‘ડોગ બિસ્કીટો’ સંતાડી દીધાં હતાં ? (આ સવાલનો જવાબ અમને હજી મળ્યો નથી.)
છેવટે સુનીલ દત્ત થાકીને દરિયા કિનારે હાંફતો બેસી પડે છે ત્યારે શાકાલ હેલિકોપ્ટરમાં આવે છે અને મશીનગન વડે એને શૂટ કરી નાંખે છે ! ત્યારે આપણને થાય કે ભૈશાબ, સુનીલ દત્ત સવારે ચા પીતાં પીતાં છાપું વાંચતો હોય ત્યારે જ પતાવી દીધું હોત તો શું વાંધો હતો ? (ખોટી ૪૦ મિનિટ બગાડી ને !)
- અને હલો, મેઈન વાત તો રહી જ ગઈ. શાકાલનો એ અડ્ડો ફિલ્મના ડાયલોગ મુજબ મુંબઈથી ૩૦૦ કિલોમીટર દૂર આવેલા એક ટાપુ ઉપર છે. તો ત્યાંથી સુનીલ દત્તનું ડેડ બોડી પાછું લાવવા કોણ ગયેલું ? હવાલદાર સુખારામ ?
***
કહેવાય છે કે ‘શોલે’માં ગબ્બરનો રોલ સંજીવ કુમાર કરવા માગતા હતા. તે વખતે રમેશ સિપ્પીએ પ્રોમિસ આપેલું કે હવે પછીની ફિલ્મમાં તમે વિલન બનજો, પરંતુ સંજીવ કુમારને હાર્ટ એટેક આવી ગયો એમાં કુલભૂષણ ખરબંદા ‘શાકાલ’ બની ગયા.
આમાં આપણે આશ્વાસન એટલુ જ લેવાનું કે ‘શાન’ જોયા પછી નહી, પણ એ ‘પહેલાં’ જ સંજીવ કુમારને હાર્ટ એટેક આવી ગયેલો. ટૂંકમાં, રમેશ સિપ્પી ઉપરથી ‘આળ’ ગયું !
***
અને છેલ્લે… આવડા મોટા વિલનને, મુંબઈથી ૩૦૦ કિલોમીટર દૂરના હાઈ-ફાઈ અડ્ડામાં જઈને એને ખતમ કરવા માટેનો ‘પ્લાન’ શું હતો ?
તો કહે છે કે, બે ચોરટી છોકરીઓ, બે કરુબાજ જુવાનિયા, એક જોકર અને એકમાત્ર શાર્પશૂટર એકમાત્ર ગન લઈને ત્યાં જશે અને ૪૦ એકસ્ટ્રા ડાન્સરો સાથે ‘યમ્મા યમ્મા’ ગાયન ગાશે !
બે… યાર, આ તો કંઈ પ્લાન છે ? અગાઉ એક ડઝન હિન્દી ફિલ્મોમાં આવું આવી ગયું હતું !
કમ સે કમ પેલા ૪૦ ડાન્સરોમાં ૨૦ મહિલા પોલીસ અને ૨૦ હવાલદારો તો રાખવા હતા ?
***
* ધર્મેન્દ્ર, હેમા માલિની અને સંજીવ કુમાર એમ ત્રણે ‘શોલે’ના સ્ટાર ‘શાન’માં લેવાના હતા પરંતુ ધર્મેન્દ્ર અને હેમા માલિનીને રમેશ સિપ્પી સાથે કોઈ વિવાદ થતાં એ ખસી ગયાં.. જ્યારે સંજીવ કુમારને હાર્ટ એટેક આવી જવાથી બહાર રહેવું પડ્યું.
* છેવટે સંજીવ કુમારને બદલે સુનીલ દત્ત, હેમા માલિનીને બદલે બિંદીયા ગોસ્વામી અને ધર્મેન્દ્રને બદલે શશી કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
* પરવીન બાબીને ‘પ્યાર કરનેવાલે…’ ગાયનના શૂટિંગ વખતે જ ડિપ્રેશનનો એટેક આવ્યો હતો. આખરે અમેરિકામાં જઈને ટ્રિટમેન્ટ લીધા પછી એ ગાયનનું શૂટિંગ ફરી આગળ વધ્યું હતું.
* શાકાલનો અડ્ડો બતાડ્યો છે એ ટાપુ છેક બ્રિટીશ ખાડીના દરિયામાં છે. જેનું નામ ‘સ્ટીપ હોમ’ છે.
* ફિલ્મના શૂટીંગ દરમ્યાન શત્રુઘ્ન સિંહાના પિતાજીનું અવસાન થયું હતું.
* અમિતાભ બચ્ચન અને સુનીલ દત્ત એક સાથે માત્ર બે જ ફિલ્મોમાં આવ્યા છે. જેમાંથી ‘રેશ્મા ઔર શેરા’ અમિતાભની પહેલી જ ફિલ્મ હતી.
* અને ‘શાન’ પછી રમેશ સિપ્પીએ આટલા મોટા લેવલની ‘એકશન મુવી’ બનાવી નથી.
***
- મન્નુ શેખચલ્લી
Purak mahiti ghani saras aapi che lalitbhai. Biju mota bhag ni hindi films hollywood movie ni aandhli copy hoy che shu koi ekad evu example male k koi hindi movie na even koi scene pan hollywood movie mate select thaya hou
ReplyDelete