‘આ જુઓ !’ અમે છાપું બતાડતાં રણઝણસિંહને કહ્યું. ‘જીએસટીના દર ઘટી જશે ! એટલે કંઈ કેટલીયે ચીજોના ભાવ ઘટી જશે !’
‘મન્નુડા… ઈ તો સમય જ કહેશે !’
‘હા, એ ખરું, પણ ભાવ ઘટવાથી લોકોની ખરીદી વધશે. જેના કારણે અર્થતંત્રને વેગ મળશે.’ મેં સરકારી થિયરી રજૂ કરી દીધી.
‘અચ્છા ?’ રણઝણસિંહ હસવા લાગ્યા. ‘મન્નુડા, જો મધ્યમવર્ગની ખરીદશક્તિ ખરેખર દોઢ ગણી વધારી દેવી હોય તો મારી કને એક માસ્ટર સ્ટ્રોક આઇડિયા છે !’
‘બોલો ને ?’
‘આ સેલ્ફ ફાયનાન્સ નિશાળો અને કોલેજોની ફી રાતોરાત અડધી કરી નાંખવી જોઈએ !’
‘રાતોરાત ? એ કેવી રીતે શક્ય છે ?’
‘ટ્રમ્પની જેમ !’ રણઝણસિંહ સિરિયસ હતા. ‘દિવાળી પછીના નવા સત્રમાં જે સ્કુલો કોલેજો ફી અડધી નો કરે એમના ટ્રસ્ટીઓને જેલભેગા જ કરી દેવાના !’
‘તો તો હાહાકાર મચી જાય !’
‘કોણ કરશે હાહાકાર ? પરજા ? કે શિક્ષણનો ધંધો લઈને બેઠેલા શેઠીયાઓ ?’
હું ચૂપ થઈ ગયો. પણ રણઝણસિંહે હવે એમની ગાડી ટોપ ગિયરમાં નાંખી.
‘મન્નુભાઈ ! સાવ કિન્ડરગાર્ટનમાં ૬૦ હજારથી ૯૦ હજારની ફી ચાલે છે ! પ્રાથમિક શાળાઓની ફી ૩૦,૦૦૦ થી ૧.૫૦ લાખ સુધી પહોંચી ગઈ છે ! અને કોલેજની ફીની તો વાત જ નો કરીશ… ન્યાં તો ૮૦,૦૦૦થી લઈને પાંચ-પાંચ લાખનો ભાવ હાલે છે !’
‘વાત તો સાચી પણ -’
‘બિચારાં મા-બાપની કમર આમાં જ તૂટી જાય છે ! બાઈક, કાર કે ઘરના હપ્તા તો આઠ દસ વરસમાં પતી જાય પરંતુ સંતાનને ભણાવવાના હપ્તા પંદર વરસ લગી હાલે છે. છતાંય ‘રીટર્ન’ની કોઈ ગેરંટી ખરી ?’
‘તમે તો બિઝનેસની ભાષામાં વાત કરો છો.’
‘હાસ્તો ? શિક્ષણનો એક જ ધંધો એવો છે જ્યાં ન તો કાચો માલ ખરીદવો પડે, ન તો મશીનરી વસાવવી પડે, ન તો વેચાણ માટે કમિશન કે નેટવર્ક ગોઠવવાં પડે… અરે, ટેક્સ પણ ભરવો નથી પડતો ! ઉપરથી શિક્ષકોને ચોપડે પગાર લખ્યો હોય એના કરતાં સાવ ઓછો પગાર આપવાનો !’
‘તો તમે કહેવા શું માંગો છો ?’
‘એ જ, કે જો સ્કૂલ કોલેજોની ફી અડધી થઈ જાય તો દરેક મધ્યમ વર્ગના ઘરે વરસની ૩૦,૦૦૦થી ત્રણ લાખની બચત થાય ! હવે વિચાર કર… ભારતનાં આ કરોડો કુટુંબો એ બચત વડે ખરીદી કરે તો એક જ વરસમાં કમ સે કમ ૩૫ લાખ કરોડ રૂપિયા બજારમાં ઠલવાય !’
અમે માથું ખંજવાળતા હતા ત્યાં એમણે નવો મમરો મુક્યો :
'મન્નુડા, આના કારણે હિન્દુવાદી નેતાઓ પણ ખુશ થશે, કેમકે માબાપ હવે બેના બદલે ત્રણ-ચાર બાળકો પેદા કરવાનું વિચારશે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment