જીએસટીના નવા ફેક ન્યૂઝ !

ફરી એક વાર સ્વાગત છે આપ સૌનું, આપની માનીતી ફેક-ન્યુઝ ચેનલમાં ! આખા દેશમાં આ એકમાત્ર ચેનલ એવી છે જેના ફેક-ન્યુઝ બિલકુલ ભરોસાપાત્ર હોય છે… 

*** 

જોરદાર ખબર આવી રહી છે દેશનાં સટ્ટા બજારો અને જુગારના અડ્ડાઓમાંથી…

સનસનાટી… ! સનસનાટી… ! સનસનાટી…! હેલિકોપ્ટર તથા પ્રાયવેટ જેટ વિમાનની ખરીદી ઉપરનો જીએસટી ૨૮ ટકાથી વધીને સીધો ૪૦ ટકા થઈ જવાના સમાચારથી દેશભરના જુગારીઓમાં હડકંપ મચી ગયો છે !

કેમકે એના માટે હવે માંડ ૧૫ દિવસ જ બચ્યા છે. હેલિકોપ્ટર કે પ્રાયવેટ જેટ વિમાન ખરીદવામાં !

એક જુગારીએ હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એક બાજુ સરકારે ડ્રીમ-ઈલેવન જેવાં કરોડપતિ બનાવનારાં એપ બંધ કરી દીધાં છે, તો બીજી બાજુ કેસિનો ગેમ્બલિંગ અને ઘોડાની રેસ ઉપર પણ ૪૦ ટકા જીએસટી લગાડી દીધો છે. આના કારણે અમારાં હેલિકોપ્ટર ખરીદવાનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે !

હવે અમારી પાસે એક જ વિકલ્પ બચ્યો છે. જ્યારે ૨૨ સપ્ટેમ્બરથી મીણબત્તીના ભાવ ઘટશે ત્યારે અમે હાથમાં સળગતી મીણબત્તીઓ લઈને વિરોધ સરઘસ કાઢીશું !

*** 

એક ‘ખૂફિયા’ ખબર આવી રહી છે. મેરઠના એક મલ્ટિપ્લેકસમાંથી…

જાણવા મળ્યું છે કે આ મલ્ટિપ્લેક્સમાં આમ તો કાગડા ઊડે છે, છતાં અચાનક પોપકોર્નના વેચાણમાં ૩૦૦૦ ટકાનો વધારો થઈ ગયો છે !

જ્યાં અગાઉ દિવસનાં માંડ દસ પોપકોર્ન વેચાતા હતાં ત્યાં આજે ૩૦૦ પોપકોર્ન વેચાઈ રહ્યાં છે !

મલ્ટિપ્લેક્સમાં સ્ટોલ ધરાવતા માલિકે જણાવ્યુ હતું કે ૨૨ સપ્ટેમ્બર પછી જીએસટીમાં ધરખમ ઘટાડો થવાનો હોવાથી આમ થઈ રહ્યું છે ! લોકો ફિલ્મ જોવા માટે નહીં પણ જથ્થાબંધના ભાવે પોપકોર્ન ખરીદવા આવી રહ્યા છે !
અજબ ઘટના છે ?

જોકે અમારા ફેક રીપોર્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પોપકોર્નના સેલ ઉપરની ‘ઇનપુટ’ ક્રેડિટ લઈ લેવા માટે ‘ઓન પેપર’ વેચાણ બતાવાઈ રહ્યું છે ! કેમકે ૨૨ સપ્ટેમ્બર પછી ૧૨ ટકાને બદલે પાંચ ટકાની જ ક્રેડિટ મળશે…

*** 

રાજકોટમાં પાનના ગલ્લાઓ ઉપર લાગી રહી છે લાઈનો…! બ્રેકિંગ ન્યુઝ…

રાજકોટમાં રહેતા માવા ખાનારા શોખીનોને જ્યારેથી ખબર પડી છે કે પહેલા નોરતાંથી જ માવાના ભાવ વધી જવાના છે, કે તરત એમણે ‘સ્ટોક’ કરી લેવા માટે ગલ્લાઓ ઉપર ધસારો કર્યો છે !

આજે આ દૃશ્યો કોરોના સમયની યાદ અપાવી રહ્યાં છે, જુઓ !

***

- મન્નુ શેખચલ્લી

Comments