રોકડિયો રંગ લાગ્યો રે લોલ !

એક અંદાજ મુજબ આ વરસે માત્ર અમદાવાદ અને ગાંધીનગરના ગરબામાં ૨૫૦૦થી ૩૦૦૦ કરોડ રૂપિયાનું ‘ટર્ન ઓવર’ થશે !

આમાં જો મુંબઈ, વડોદરા, સૂરત, રાજકોટ વગેરેના આંકડા ઉમેરો સ્હેજે ૧૦,૦૦૦ કરોડને ટચ થઈ જશે !

ટુંકમાં હવે ગરબાનો ‘કેસરીયો રંગ’ બદલાઈને ‘રોકડીયો રંગ’ થઈ ગયો છે ! મજાની વાત એ છે કે કેસરીયા રંગવાળા રાજકીય લોકો આમાં ‘વિકાસની ક્રેડિટ’ લઈ રહ્યા છે… 

*** 

રોકડીયો રંગ તને
લાગ્યો લ્યા ગરબા
રોકડીયો રંગ તને
લાગ્યો રે લોલ…

કોના કોના માથે 
ઘુમ્યો લ્યા ગરબા
કોના કોના માથે
ઘુમ્યો રે લોલ ?

*** 

ઓરકેસ્ટ્રાના માથે
ઘુમ્યો લ્યા ગરબા
ફિલ્મી ધૂનોનો રંગ
લાગ્યો રે લોલ…

*** 

ડિજીટલ સાઉન્ડ સાથે
ઘુમ્યો લ્યા ગરબા
રિ-મિક્સનો રંગ તને
લાગ્યો રે લોલ…

*** 

ગરબા ક્લાસિસ માથે
ઘુમ્યો લ્યા ગરબા
લટકા મટકાનો રંગ
લાગ્યો રે લોલ…

*** 

‘જેન-ઝિ’ના માથે
ઘુમ્યો લ્યા ગરબા
રોમાન્સનો રંગ તને
લાગ્યો રે લોલ…

*** 

સ્પોન્સર્સના માથે
ઘુમ્યો લ્યા ગરબા
મોંઘેરા પાસનો રંગ
લાગ્યો રે લોલ !

*** 

ઓર્ગેનાઈઝરના માથે
ઘુમ્યો લ્યા ગરબા
લૂંટવાનો રંગ તને
લાગ્યો રે લોલ…

*** 

ઘુમ્યો ઘુમ્યો તો
ભલે ઘુમ્યો પણ
ભક્તિનો રંગ
ક્યાં ભાગ્યો રે લોલ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments