ખબરોનું કોતરકામ !

આજકાલ એવા એવા સમાચારો આવી રહ્યા છે કે ન્યુઝના પોપડા નીચે ‘ખોતરવાનું’મન થઈ આવે છે... 

*** 

સમાચાર :
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાધાકૃષ્ણનને ૪૫૨ મત મળ્યા.

ખોતરકામ :
ચાલો… આખરે ધનખડ સાહેબને લીધે ‘૪૦૦ પાર’ તો થયા ?

***
 
સમાચાર :
નેપાળમાં નવા વડાપ્રધાન નક્કી કરવા માટે યુવાનોએ વોટ્સએપ દ્વારા પોતપોતાનો મત નાંખ્યો !

ખોતરકામ :
લો ! આ તો સહેલું થતું જાય છે ! હવે તો જે નેતાના સોશિયલ મીડિયામાં ‘ફોલોઅર્સ’ વધારે હોય તેને જ જીતેલા જાહેર કરી દેવાના ! થેન્ક્યુ જેન-ઝિ !

***

સમાચાર :
ટ્રમ્પે મોદીનાં વખાણ કર્યા, જવાબમાં મોદીએ ટ્રમ્પનાં વખાણ કર્યા.

ખોતરકામ :
ઓ હલો ! બંને મહાનુભાવો ! પોતપોતાની ચૂંટણીઓ જીતવા માટે આ નાટક તમે અગાઉ કરી ચૂક્યા છો ! સવાલ એ છે કે ટેરિફનું શું કરવાનું છે ?

***

સમાચાર :
ડોલર સામે રૂપિયો ગગડીને ૮૮.૪૬ના નવા તળિયે !

ખોતરકામ :
યાર, આ અમારી સમજની બહાર છે ! વિશ્વની ચોથા નંબરની ઈકોનોમી બનવા છતાં આપણે વિશ્વની પહેલા નંબરની ઈકોનોમી સામે આ રીતે ટક્કર લેવાની છે ?

***

સમાચાર :
આલ્બેનિયા નામના દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટે મંત્રી તરીકે ‘એઆઈ’ની નિમણુંક કરવામાં આવી !

ખોતરકામ :
ભારતમાં તો મંત્રીઓ સૌથી પહેલાં ‘એઆઈ’ને પૂછશે કે ‘બોસ, ભ્રષ્ટાચાર કરવા છતાં પકડાઈ ના જઈએ એના રસ્તા બતાડો ને?’

***

સમાચાર :
તાપી જિલ્લામાં જ્યાં રોડ જ  નથી ત્યાં પુલ બનાવી દીધો !

ખોતરકામ :
કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ ! રાસ્તે તો ખુદ ચલકર આયેંગે, પુલ બના દો સબ !

***

- મન્નુ શેખચલ્લી

Comments