સરકારી આંકડા કહે છે કે ભારતમાં જથ્થાબંધ ચીજ વસ્તુઓના બજારમાં માત્ર ૦.૫૨ ટકા જ ભાવવધારો થયો છે !
અરે સાહેબ, અમે તો કહીએ છીએ કે મોંઘવારી છે ક્યાં ? જ્યાં જુઓ ત્યાં સસ્તાઈ જ છે…
***
હિસાબ ગણીને જોજો
બટેટાની વેફર કરતાં
કાજુ હજી સસ્તાં છે !
ને સેન્ડવીચ કરતાં બ્રેડ સસ્તી
જુઓ, કેવી સસ્તાઈ છે !
***
માપ જરા કાઢી લેજો
ચ્હા કરતાં બિયર સસ્તો
બાટલાનો જો ભાવ ગણો
તો ગેસ કરતાં દારૂ સસ્તો !
પગાર કરતાં મોટી
જ્યાં ઉપરની કમાઈ છે…
જુઓ, કેવી સસ્તાઈ છે !
***
ન્યાય ભલે ને મોંઘો પડે ?
દંડ એનાથી સસ્તો છે
જાંઘિયો જેટલો મોંઘો
પાયજામો એથી સસ્તો છે !
લાઈફ કરતાં ‘લાઈફ ટાઈમ’ની
સ્કીમો સસ્તી આવી છે…
જુઓ, કેવી સસ્તાઈ છે !
***
મલ્ટિપ્લેક્સના પોપકોર્ન કરતાં
હોટલની થાળી સસ્તી છે
૬૦૦ કરોની ફિલ્મ હવે તો
દોઢ જીબીમાં લાવી છે
ટ્યૂશન ક્લાસની ફી કરતાં
નિશાળની ફી ઘટાડી છે…
જુઓ, કેવી સસ્તાઈ છે !
***
સોફ્ટ ડ્રીંકની કિંમત કરતાં
દૂધની કોથળી સસ્તી છે
ને દૂધ કરતાં દેશી દારૂની
નાની પોટલી સસ્તી છે !
એક ડીગ્રીના ભણતર કરતાં
બે રીક્ષાઓ સસ્તી છે !
નોકરીમાં પણ ફ્રેશર કરતાં
સિનિયરની સેલેરી ઓછી છે…
જુઓ, કેવી સસ્તાઈ છે !
***
કરોડોના રોડમાં ખાડા ?
અરે, થિગડાં હજી સસ્તાં છે
મણકાની ટ્રિટમેન્ટ કરતાં
‘ટોલ’ના રેટ સસ્તા છે !
ડબલ એન્જિન સરકાર છે
અચ્છે દિન તો લાવી છે…
જુઓ, કેવી સસ્તાઈ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment