કહે છે કે બોલીવૂડના એક પ્રોડ્યુસર પોતાની નવી ગેંગસ્ટર મુવીમા સાચુકલા ગેંગસ્ટરને લેવાના છે ! હવે કલ્પના કરો કે પછી શું શું થશે…
***
સૌથી પહેલાં તો એક ફોન આવશે :
‘હલો, હમ બહુત બડા સ્ટાર હું ! હમરે નામ પર દો દર્જન ક્રિમિનલ કેસ લગેલા હૈ ! હમ છે બાર જેલ જા ચૂકે હૈં… પુરા બિહારમાં હમ બહુત ફૈમસ હું !’
‘અચ્છા, તમને મારી ફિલ્મમાં રોલ જોઈએ છે ?’
‘નાહીં ! હમ તોહાર ફિલમવા કા મહુરત કરેગા ! ક્યું કી હમ બિહાર મેં મિનિસ્ટરવા હું !’
ડરનો માર્યો પ્રોડ્યુસર એ મંત્રીજી પાસે જ મહુરત કરાવશે. પછી ખબર પડશે કે ત્યાં લગભગ ૨૦૦ લોકોનાં ખિસ્સાં કપાઈ ગયાં !
***
પ્રોડ્યુસર ઉપર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે : ‘શું તમે મુંબઈના કફ પરેડ વિસ્તારમાં શૂટિંગ માટે પરમિશન માગી છે ?’
‘જી સાહેબ, પરમિશન તો અમને મળી ગઈ છે !’
‘એ તો ખબર છે. પણ શું તમે એમાં અસલી ગેંગસ્ટરો પાસે મારામારી, છૂરાબાજી, ગોળીબારો અને બોમ્બ ફોડવાનાં દ્રશ્યો કરાવવાનાં છો ?’
‘જી સાહેબ, એની પણ પરમિશન લીધી છે !’
‘ખબર છે ! પણ હવે પ્રોબ્લેમ એ છે કે એ વિસ્તારના ૧૫૦૦૦ લોકોએ અરજી કરીને પોતાના માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે !’
***
એક દિવસ પ્રોડ્યુસર પોલીસ સ્ટેશનમાં ફોન કરતો હશે :
‘સાહેબ મને બચાવો !’
‘શું થયું ?’
‘હું ફસાઈ ગયો છું ! મને ધમકીઓ મળી રહી છે. એક કહે છે સાલે, મદન ચિકને કા રોલ છોટા કર વરના તેરી ટાંગ કાટકર છોટી કર ડાલુંગા ! બીજો કહે છે કે શકીલ શાણે કા રોલ કાટ ડાલ, વરના મૈં તેરા ગલા કાટ ડાલુંગા ! અને ત્રીજો કહે છે, કામિની કબૂતરી કા રોલ ખીંચકર લંબા કર વરના મૈં તેરી જબાન ખીંચકર હાથ મેં દે દુંગા !’
***
અને છેવટે જ્યારે ફિલ્મ રીલીઝ થશે ત્યારે ? તમે રસ્તા પર જતા હશો ત્યાં પાંચ ટપોરી આવીને કહેશે :
‘ચલ એ બાંગડુ ! બાજુવાલે થિયેટર મેં બૈઠ જા ! ઔર દેખ કે બખાન કરન કા, સમજા ના ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment