એક જમાનામાં અમદાવાદમાં ‘ખાડાના દાળવડા’ ફેમસ હતા. આજે તો આખા ગુજરાતનાં શહેરોમાં ‘રોડના ખાડા’ ફેમસ છે ! તમે જોજો, આમ જ ચાલ્યું તો જતે દહાડે ખાડાના ગરબા ગવાતા હશે !
***
ઢીકલાંગ… ઢીકલાંગ…
વાગે ખાડાના માર
કમરના મણકા તૂટે બાર !
કે ખાડાએ તોડ્યાં
હા..ડ..કાં રે,
હા..ડ..કાં રે !
હાડકાં વારંવાર !
***
(મંત્રીજીને આમંત્રણ)
શેરી ઘુમાવીને
ખાડા બતાવું, ઘેર આવોને !
તમને છબછબિયાં ખાડે કરાવું
મંત્રીજી, ઘેર આવોને !
***
વાદલડી વરસી રે
સડકમાં ખાડા પડ્યા
ગરબામાં મ્હાલવું શું ?
સ્કુટર મારે ઠેકડા રે !
***
મારા રોડ કેરા ફોટા રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વ્હેલા સેન્ડ કરજે
મંત્રીજી એના બંગલે બેઠા !
***
હું તો ગઈ’તી… રોડે !
તન… મારું ટીચુયું ખાડામાં
સ્કુટીનું મારું, પૈડું ફસાયું
કારો પડી ભૂવામાં…
ભૂવામાં… !
કમર ઉછળનાર ખાડો !
પીઠ પછાડનાર ખાડો !
મણકા હલાવનાર ખાડો !
ચીસો પડાવનાર ખાડો !
સર્કલ ચકડોળ બન્યું
ઇન્સ્ટન્ટ તળાવ બન્યું
જનતાના પૈસા પાણીમાં…
સ્કુટીનું મારું પૈડું ફસાયું
કારો પડી ભૂવામાં… ભૂવામાં !
***
(જીએસટી ઘટ્યા છતાં…)
સ્કુટી લેશું, બાઈક લેશું,
લઈશું મોટી કાર
પણ…
એક ખાડો વટાવું ત્યાં તો
ખાડા મળે ચાર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment