આખી દુનિયા આજકાલ ટ્રમ્પની પાછળ પડી ગઈ છે કે એ તો ‘મિસ્ટર યુ-ટર્ન’ છે ! પણ મિત્રો, આપણા મોદી સાહેબના યુ-ટર્ન પણ કંઈ ઓછા નથી ! જુઓ...
***
૨૦૨૦માં સાહેબે ૪૭ જેટલા ચાઈનિઝ એપ ઉપર પ્રતિબંધ ઠોકી દીધો હતો. એટલે આપણે પણ આપણા મેડ ઈન ચાઈના ફોનમાં ‘બહિષ્કાર.. બહિષ્કાર..’નો ઘોંઘાટ કરી મુક્યો હતો.
પણ હવે ૨૦૨૫માં તો સાહેબે યુ-ટર્ન મારી દીધો ! હવે આપણે શું કરવાનું ? ફરી ‘ટિક-ટોક’ ચાલુ કરવા મળશે કે નહીં ? પાંચ-પાંચ હજારમાં નવા ચાઈનિઝ ફોન મળતા થાય તો લેવાના કે નહીં ?
***
૨૦૧૯માં મોદી સાહેબ અમેરિકા ગયા હતા ત્યારે ‘હાઉડી મોદી’માં એમને ટ્રમ્પકાકા જોડે જોઈને આપણી છાતી ફૂલાવતા હતા…
૨૦૨૦માં મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પકાકા પધાર્યા ત્યારે આપણે આખા સ્ટેડિયમમાં નાચ્યા હતા…
અને હવે ? એ બે જણાના ‘ઇગો’ લડ્યા એમાં આપણા જેવાં ઝાડવાંએ શું કરવાનું ? મેસેજો કરવાથી શું ટેરિફ ઘટી જશે ?
અને ભૈશાબ, પેપ્સી-કોલા નહીં પીવાની, તો ‘થમ્સ-અપ’ ક્યાં મળે છે ? (પછી ખબર પડી કે ‘થમ્સ-અપ, લિમ્કા, ફેન્ટા’ બનાવતી કંપનીને કોકાકોલાએ જ ખરીદી લીધી હતી. વરસો પહેલાં.)
***
એવું જ માલદીવમાં થયું ! અમારા જેવા કરોડો દેશીઓ, જેમની કદી માલદીવ જવાની હેસિયત જ નહોતી, એમણે ‘બહિષ્કાર’ કરી નાંખ્યો ! (દ્રાક્ષ ખાટી છે… એવું કોણ બોલ્યું ?)
બે વરસ પછી ખબર પડી કે સાહેબે તો માલદીવને ૨૦-૨૫ કરોડ રૂપિયાની મદદ કરીને મનાવી લીધું છે ! તો હવે આપણે શું કરવાનું ? ખાટી દ્રાક્ષ ખાવાની ?
***
અરે, ‘ઓપરેશન સિંદૂર’ વખતે ખબર પડી કે તૂર્કીએ પાકિસ્તાનને ડ્રોન આપ્યાં હતાં ! ત્યારે આપણે અહીં મહેસાણા, કલોલ, કે માણાવદરમાં બેઠાં બેઠાં તૂર્કીનો ‘બહિષ્કાર’ કરી નાંખેલો ! (માલદીવની જેમ જ.)
પછી ખબર પડી કે સુરતની મેટ્રોમાં અને દેશનાં એરપોર્ટોમાં ઓલરેડી તૂર્કીની કંપનીઓને કોન્ટ્રાક્ટોના મોટા લાડવા અપાયેલા હતા ! બોલો.
***
હજી ઊભા રહો… આ એશિયા-કપમાં શું કરવાનું છે ?
પાકિસ્તાન સામેની મેચ જોવાની છે કે નથી જોવાની ? અને ભલે ડ્રીમ-ઈલેવન બંધ થઈ ગયું પણ બીજી રીતે ભારતની જીત માટે સટ્ટો રમીએ તો… એ ‘દેશભક્તિ' ગણાય કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment