હમ સાત-આઠ-દસ-બારા હૈં !

પહેલાં તો ‘હમ સાથ સાથ હૈ’ની રેસિપી સમજી લો…

સૌથી પહેલાં બે લીટર જેટલી ગુલાબજાંબુની ચાસણી લો. એમાં ૫૦૦ ગ્રામ રસગુલ્લાં મસળીને મિક્સ કરો. પછી એમાં ૧ કિલો જલેબીના નાના નાના ટુકડા કરીને નાંખો. ત્યારબાદ એની ઉપર ૧ લીટર જેટલું મધ લઈને એની ધાર કરો. આ મિશ્રણમાં હવે ૧ કિલો જેટલો ગોળ ઉમેરીને તેની પેસ્ટ જેવી બનાવો…

આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી એમાંથી ઘંટીના થળ જેવો આકાર બનાવો. હવે એની ઉપર ૨ કિલો પેંડા, ૨ કિલો લાડુ, ૨ કિલો મોતીચૂરના લાડુ, ૨ કિલો સ્વીટ મીઠાઈ, ૨ કિલો મોહનથાળ તથા ૨ કિલો બરફીને મિક્સ કરીને ઘટીનું બીજું પડ બનાવો…

હવે તેની ઉપર સ્વીટ તૂટી-ફ્રૂટી એન દાડમના દાણા છૂટથી ભભરાવો. એની ઉપર એટલી જ છૂટથી ગળ્યો સોસ તથા બરફગોળામાં વપરાતું ગળ્યું ગુલાબનું શરબત લઈને તેના રેલારેલા ઉતારો !

બસ, છેલ્લે તેની ઉપર દળેલી ખાંડનો ભરપૂર છંટકાવ કરીને સજાવટ માટે ચેરી, ઓરિયો ક્રીમ-બિસ્કીટ તથા રંગબિરંગી પેસ્ટ્રીઓ સુંદર રીતે ગોઠવીને આકર્ષક ડિઝાઈન બનાવો !

હવે ખાવાની રીત.. તો એમાં એવું છે કે છરી વડે મિનિમમ ચાર ઇંચની પહોળાઈ અને ફૂલ ઊંચાઈવાળું એક ગચિયું હાથમાં લઈને, બને એટલું મોં પહોળું કરીને અંદર પધરાવી દો !

- તમને થશે કે ભૈશાબ, આટલું બધું ગળપણ ? હોતું હશે ? તો મારા સાહેબો, ‘હમ સાથ સાથ હૈં’માં આનાથી સ્હેજ પણ ઓછું ગળપણ લાગે તો મને કહેજો !

*** 

અમને તો શંકા છે કે બિચારા તમામ એકટરો શૂટિંગમાં આઠ આઠ કલાક સુધી પોતાનાં હોઠ અને ગાલને ગળી ચાસણી જેવાં સ્માઈલો માટે ખેંચીને રાખ્યા હોય પછી જેવું શૂટિંગ પતે કે તરત રોજ ગાલ ઉપર માલિશ કરાવતા  હશે !

*** 

અમને તો એ પણ શંકા છે કે બિચારો સલમાનખાન પણ આટલી બધી સ્વીટનેસ પચાવી નહીં શક્યો હોય એટલે જ એ ફિલ્મના શૂટિંગ વચ્ચે બ્રેક પાડીને જંગલમાં હરણાંનો શિકાર કરવા જતો રહ્યો હશે !

*** 

અચ્છા, ફિલ્મની સ્ટોરી શું છે ? સવાલ અઘરો છે, પણ જવાબ ઇન્ટ્રેસ્ટીંગ છે !

સૌથી પહેલાં તો એક ટાઈટલ સોંગ આવે છે. (હમ સાથ સાથ હૈં…) 

પછી આલોકનાથ અને રીમા લાગુની પચ્ચીસમી લગ્નતિથિમાં ડઝનથી વધારે સગાંવ્હાલાં વારાફરતી આવે છે. પછી બધા મળીને ગાયન ગાય છે. (યે તો સચ હૈ કે ભગવાન હૈ) 

આ ગાયન પતે પછી મોહનિશ બહલ અને તબ્બુની સગાઈની વાત ચાલે છે એટલે પછી વરઘોડો નીકળે ત્યારે એક ગાયન આવે છે (છોટે છોટે ભૈયા કા…) 

અચ્છા, લગ્ન પતી ગયા પછી તબ્બુ ઘરે આવે છે, બધાં નવા ભાભીને પગે લાગી લે પછી નવા મહેમાનને ઘરનાં સભ્યોની ‘ઓળખાણ’ માટે સ્ટેજ ઉપરથી દસ ગાયનોનું એક રિ-મિક્સ ગાયન આવે છે. (સુનોજી દુલ્હન એક બાત સુનો) 

આ ગાયન સળંગ બાર મિનિટ ચાલે છે.. યસ, પુરી બાર મિનિટ !
થાકી ગયા ? અરે રુકો જરા ? સબર કરો ?

ત્યાર બાદ બધા ભેગા થઈને એમના જુના ફેમિલી વિડીયો જોવા બેસે છે. એમાં પણ ચાર-પાંચ રિ-મિક્સ ગાયનો આવે છે. (ચાર મિનિટ સુધી) 

પછી ઘરવાળાં પૂછે છે ‘તમે હનીમૂન માટે ક્યાં જશો ?’

ત્યારે નવી દુલ્હન કહે છે ‘રામનગર ચલેં ?’ એટલે નવા કપલના ‘હનીમૂન’ માટે બધાં એક જ બસમાં નીકળી પડ છે ! અને વધુ એક ગાયન ગાય છે ! (એબીસીડીઈએફજી…)

ત્યાં પહોંચ્યા પછી આસપાસમાં આવેલા જુના કિલ્લામાં ફરવા જાય છે. ત્યાં વધુ એક ગાયન આવે છે (મ્હારે હિવડા મેં નાચે મોર…)

છતાં હજી આખું ફેમિલી થાક્યું નથી ! એટલે ત્રણે હીરોઈનો ભેગી થઈને વધુ એક ગાયન ફટકારે છે… (મૈયા યશોદા તેરા કન્હૈયા.)

તમને થશે કે ભૈશાબ, આવી કંઈ ‘સ્ટોરી’ હોતી હશે ? પણ શું થાય ? લેખની શરૂઆતમાં જ ફિલ્મની ‘રેસિપી’ દ્વારા તમને ‘ચેતવણી’ તો આપી જ દીધી હતી !

*** 
આમ ફિલ્મનાં ગાયનોની લંબાઈ ગણીએ તો લગભગ ૪૫ મિનિટ એમાં જ ઘૂસી જાય છે. વળી એ ગાયનની ‘સિચ્યુએશનો’ (જે સેકેરીનથી પણ ગળી હોય) ઊભી કરવામાં બીજી ૪૫ મિનિટ ઘૂસી જાય છે ! ટુંકમાં સવા બે કલાકની ફિલ્મમાં હવે માત્ર બીજી ૪૫ મિનિટો જ બચી છે !

*** 

એ ૪૫ મિનિટની જે ‘વારતા’ છે. એ તો ભૈશાબ, એટલી વાહિયાત અને ફાલતુ છે કે આપણને એમ થાય કે આનાં કરતાં.. 

તબ્બુની ‘ગોદભરાઈ’નું એક ગાયન… 

પછી તેને બાળક જન્મે ત્યારે ‘જન્માષ્ટમી’ ટાઈપનું બીજું ગાયન… 

અને સૈફ અલી તથા કરિશ્માનાં લગ્ન વખતે વધુ એક ગાયન…

અને છેલ્લે સલમાન અને સોનાલી બેન્દ્રેનાં લગ્ન વખતે એક ધમાકેદાર મસ્ત ગાયન.. 

એમ ટોટલ બીજાં ચાર ગાયનો ઠપકારી દીધાં હોત તો, સારું હતું ! જેથી પેલી રૂની પૂણીના પાતળા તાંતણા જેવી નબળી વારતાથી તો છૂટકારો મળ્યો હોત ?

*** 

આમ તો ફિલ્મમાં ઘણાં ઝોલ છે પણ સૌથી મોટો ઝોલ એ છે કે ફિલ્મનાં ટાઈટલો પડે છે ત્યારે ત્રણ હીરો અને ત્રણ હીરોઈનો મસ્ત હાથપગ ફેલાવીને ગાયન ગાય છે. પરંતુ છેક પંદરેક મિનિટ પછી ખબર પડે છે કે મોહનિશ બહલ જે આમ બંને હાથ પહોળા કરી કરીને તબ્બુ જોડે નાચતો હતો. એનો જમણો હાથ તો ‘પેરેલાઈઝ’ થયેલો છે !

યાર, આજકાલની ફિલ્મોમાં પિકચર પતે પછી મરી ગયેલાં પાત્રો પણ ક્રેડિટ ટાઈટલ્સ વખતે (‘ક્રેડિટ’ લેવા માટે) જીવતાં થઈને નાચતાં હોય છે, એ આપણે ચલાવી લાઈએ છીએ, પણ આમાં તો સાવ ‘રિવર્સ’ થઈ ગયું !

*** 

મને તો એ નથી સમજાતું કે આલોકનાથનું આ ફેમિલી ‘બિઝનેસ’ શાનો કરે છે ?

આખી મુવી જોયા પછી મને ખાત્રી થઈ ગઈ છે કે એમનું પોતાનું એક ‘મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા’ છે ! 

કેમકે, જુઓને, તબ્બુના સ્વાગત વખતે આખું સ્ટેજ ઘરના કમ્પાઉન્ડમાં જ ઊભું કર્યું છે ! ઘરના તમામ સભ્યોને કોઈને કોઈ વાજિંત્ર વગાડતાં આવડે છે ! એટલું જ નહીં, આલોકનાથનો જમાઈ પણ બે ગાયનોમાં સેક્સોફોન અને એકોર્ડિયન વગાડે છે ! એ તો ઠીક, એમના કર્મચારી શક્તિકપૂરને પણ જ્યાં ને ત્યાં ‘ડફલી’ વગાડવી પડે છે !

*** 

તમે માર્ક કરજો, શરૂઆતનાં સળંગ ત્રણ ગાયનોમાં બધાંના કપડાં બદલાઈ જાય છે પણ બિચારા સૈફ અલી ખાનને એક જ (બ્રાઉન કલરનો) કોટ પહેરાવી રાખ્યો છે ! ‘યે તો સરાસર નાઇન્સાફી હૈ, મિ લોર્ડ !’

*** 

શરૂઆતમાં ક્યાંક ડાયલોગમાં સાંભળવા મળે છે કે કરિશ્મા કપૂર ભણી ગણીને ડોક્ટર બની છે, પણ બોસ, આખી ફિલ્મમાં એક મિનિટ માટે પણ એના ગળામાં સ્ટેથોસ્કોપ જોવા મળતું નથી ! અરે, જ્યારે તબ્બુ સગર્ભા થાય છે અને તેની ડિલીવરી થાય છે ત્યારે પણ કરિશ્માબેને નાડી સુધ્ધાં તપાસી નથી ! બોલો.

***

* સલમાન ખાન અને સોનાલી બેન્દ્રે સાથે સાથે હોય એવી આ એકમાત્ર ફિલ્મ છે.

* મોહનિશ બહેલના રોલ માટે રીશી કપૂર અને અનિલ કપૂરને પણ ઓફર અપાઈ હતી.

* અજીત વાચ્છાની નામના કલાકાર આ ફિલ્મ સહિત સળંગ ત્રણ-ત્રણ વાર સલમાન ખાનના ‘મામા’ બન્યા છે ! એ ત્રણે ફિલ્મો સુરજ બડજાત્યાની જ હતી !

* નવેમ્બર ૧૯૯૯માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં પબ્લિસીટી પાર્ટનર ‘કોકાકોલા’ હતું જેમણે પ્રચાર પાછળ સવા કરોડ ખર્ચી નાંખ્યા હતા. છતાં ફિલ્મના એક પણ દૃશ્યમાં ‘કોકાકોલા’ની બાટલી સુધ્ધાં દેખાતી નથી !

* સંગીતકાર રામલક્ષ્મણ બે નહીં, એક જ વ્યક્તિ છે, એમણે કુલ ૨૭ ધૂનો બનાવી હતી જેમાંથી ૭ પસંદ થઈ.

* ‘હમ સાથ સાથ હૈં’ને તામિલ ભાષામાં ડબિંગ કરીને રીલીઝ કરવામાં આવી હતી. નામ હતું ‘પ્રેમાનુરાગમ્‌'.

***

-મન્નુ શેખચલ્લી 

Comments

  1. અનંત પટેલ26 September 2025 at 07:10

    જોરદાર અવલોકન. અભિનંદન

    ReplyDelete

Post a Comment