આ નવરાત્રિમાં છોકરાઓ યાને કે યુવાનો તરફથી એક ગંભીર ફરિયાદ ઊઠી છે ! કહે છે કે બધા ગરબાઓ છોકરીઓ યાને કે નારીઓને જ ધ્યાનમાં રાખીને કેમ બનાવાય છે ?
વાત તો સાચી બકા, પણ જો એવા ગરબા બનાવવા જઈએ તો કેવા કેવા ગરબા બને ? જરા તો વિચારો ?...
***
(ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય)
ધોતિયું પહેરું પહેરું
ને સરી જાય !
ના ગાંઠ બંધાય
ના પાટલી વળાય !
મારા ખિસ્સામાં કંઈ કંઈ થાય !
***
(પાવલી લઈને હું તો..)
ડીપી લઈને હું તો
ફેસબુકમાં ગ્યો તો
ફેસબુક, મને ગર્લફ્રેન્ડ દે
નહીં તો મારી ડીપી પાછી દે !
***
(હું તો ગઈ તી મેળે…)
હું તો ગ્યો તો ભરતી મેળે
ડીગ્રી મળી સસ્તામાં
ઇન્ટરવ્યુ કોલ ના આવ્યો કદીયે
ધક્કો થયો રસ્તામાં ! … રસ્તામાં !
***
(બેબીને બોર્નવીટા પીવડાવો)
ના કિટલીની ઉધારી
તમે ચા પીધી
સ્ટારબક્સની ના તો
તમે કોફી પીધી
રિસાણો છે બકો મારો
બોલતો નથી…
ખિસ્સામાંથી પાકિટ
ખોલતો નથી…
બાબાને બિયર પીવડાવો
બાબો મૂડમાં નથી !
***
(તારી ચણિયાચોળીએ જોબનિયાં ઘેલાં કીધાં)
વાગે ડીજેનાં ઢોલ
ફરફર ગલ્લાઓ ગોળ
ગાલના ગલોફાં સુઝણિયાં
તારા માવાની પિચકારીએ
ખૂણાઓ રાતા કીધાં !
***
(મારી વેણીમાં ચાર ચાર ફૂલ)
મારી દાઢીમાં ચાર ચાર જૂ !
ઉપરથી વાળમાં ‘ડેન્ડ્રફ’ છે ફૂલ !
***
(હું મહિયારણ હાલી રે)
પડીકી ‘કેસર’ની મોંમાં ઘાલી રે
હું ઘેલસઘરો હાલ્યો રે
રાજકોટમાં મુને નવરા વ્હાલા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment