કરોડપતિઓને ભોળા સવાલો !

સરકારના આંકડા કહે છે કે છેલ્લા એક વરસમાં ગુજરતામાં કરોડપતિ પરિવારોની સંખ્યા અધધ ૧૧૦ ટકા જેટલી વધી ગઈ છે !

અમે તો મિડલ ક્લાસિયા છીએ એટલે અમને તો એમને પૂછવા માટે સાવ ભોળા સવાલ જ સુઝે છે !

*** 

અમારે એ કરોડપતિ લોકોને પૂછવું છે કે…
તમારામાંથી કેટલા એવા છે જે ‘ડ્રીમ ઇલેવન’ને લીધે કરોડપતિ બની ગયા છો ? (કેમકે હવે તો અમારે માટે એ તક પણ ગઈ ને ?)

*** 

બીજું એ પૂછવું છે કે બોસ, તમે લોકો સિઝનના ઘઉં એકસામટા ભરી રાખો છો ? કે આખું વરસ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવતા રહો છો ?

- સોરી, તમે લોકો તો અગાઉથી આખું ખેતર જ બુક કરી લેતા હશો, નહીં ?

*** 

વળી, એ પણ પૂછવું છે કે હાલમાં જે આઈફોન-૧૭ પ્રો-મેક્સ આવ્યો, તે તો તમે સામટા અડધો ડઝન મંગાવ્યા હશે, નહીં ?
તો ખાસ પૂછવું હતું, કે પેલા જુના આઈફોન કેટલામાં કાઢવાના છે ?

*** 

એ જ રીતે હમણાં જીએસટીના સ્લેબ ઘટ્યા એમાં કંઈ ડઝન ટાઈપના મોડલોની કારોના ભાવ ઘટી ગયા… તો હવે એવી ‘સસ્તી’ કારો તો તમે કાઢી જ નાંખવાના ને ?

- તો બોસ, એમાં કંઈ એડજસ્ટ થાય એવું ખરું ? (પ્રોમિસ… કે અમે તમારું ‘નામ’ નહીં લઈએ !)

*** 

અચ્છા, આ ‘અમુલ’ની લગભગ બધી પ્રોડક્ટોના ભાવ ઘટી ગયા છે, છતાં હજી દૂધની કોથળીના ભાવ નથી ઘટ્યા.. તો તમે શું કરવાના ?

‘અમે તો કરોડપતિ છીએ’ એમ માનીને સામટી ૨૦-૨૦ કોથળીઓ ખરીદશો ?

- કે પછી સસ્તામાં આખું ‘કેન’ બંધાવશો ?

*** 

ધારો કે પેટ્રોલના ભાવમાં રાતોરાત પાંચ રૂપિયા વધી જાય… તો તમે શું કરો ?

- શું એમ વિચારો, કે સાલું આ પ્રાયવેટ હેલિકોપ્ટર મોંઘુ પડે છે !

- કે પછી એમ વિચારો કે ‘એના કરતાં હેલિકોપ્ટરમાં સીએનજી કીટ જ નંખાવી દઈએ ને ?’

*** 

બાકી સાચું કહેજો, તમારા પરિવારની મહિલાઓ મોંઘી કાર લઈને શાક લેવા જાય ત્યારે પણ મફતમાં ધાણા અને ફૂદીનો માગતા જ હશે ને ? (ગુજરાતી છો એટલે પૂછ્યું…)

***

- મન્નુ શેખચલ્લી

Comments