નવરાત્રીની અફર આગાહીઓ !

જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલે આગાહી કરી દીધી છે કે નવરાત્રિમાં વરસાદ પડવાનો છે ! આ આગાહી સાચી પડે કે ના પડે, અમારી અમુક આગાહીઓ તો ડેફીનેટલી સાચી પડશે... લખી લો !

*** 

આગાહી (૧)
પહેલાં બે ત્રણ નોરતા બાદ કરતાં લગભગ બધી સોસાયટીઓમાં ૧૨ વાગ્યા પછી પણ માઈક ચાલુ જ હશે !

*** 

આગાહી (૨)
સોસાયટીમાં ગરબા ચાલતા હશે ત્યારે માંડ ૫૦ જણા ત્યાં દેખાતા હશે જેમાંથી માંડ ૨૫ જણા ગરબા રમતા હશે... પણ જેવો નાસ્તો આવશે કે તરત જ સામટા ૨૫૦ જણા હાજર થઈ જશે !

*** 

આગાહી (૩)
‘બોસ પાસ છે?’‘પાસનું કંઈ થાય એવું છે ?’‘એકસ્ટ્રા પાસ પડ્યા છે ?’... આ ટાઈપના હજારો-લાખો ફોન અને મેસેજો આખા ગુજરાતમાં ફરી વળ્યા હશે !

*** 

આગાહી (૪)
કોમર્શિયલ પાર્ટી પ્લોટોમાં ભલે સામટાં ૫૦૦ ખેલૈયા રમતા હોય... તમને એક ‘તાળી’સાંભળવા મળશે નહીં ! (અલ્યા તમે‘ગરબા’રમો છો કે ‘ફેરફૂદરડી ?)

*** 

આગાહી (૫)
પાર્ટી પ્લોટના હોય, સોસાયટીના હોય કે એપાર્ટમેન્ટના ગરબા હોય... ક્યાંય એક પણ ગરબો ‘આખેઆખો’ સાંભળવા મળશે નહીં !

*** 

આગાહી (૬)
આખેઆખી આરતી આવડતી હોય, આખેઆખો થાળ, કે ઈવન આખેઆખી વિશ્વંભરી મોઢે હોય એવી પ્રજાતિ આવનારાં વીસ વરસમાં ‘લુપ્ત’ થઈ જવાની છે !

*** 

આગાહી (૭)
શેરી ગરબાઓ હવે માત્ર વિડીયોમા જ જોવા મળશે ! (એ પણ ૬૦ સેકન્ડના‘રીલ’માં)

*** 

આગાહી (૮)
દર વખતની જેમ નોમની રાત પડે ત્યારથી જ દશેરાના ફાફડા જલેબી વેચાવા માંડશે !

*** 

આગાહી (૯)
… અને દરેક શહેરમાં એકાદ ઠેકાણે તો મારામારીની ‘બબાલ’ થવાની જ છે ! બોલો અંબે માત કી જય...

***

- મન્નુ શેખચલ્લી

Comments