દિલ તો 'ફાજલ' હૈ !

નિશા રાહુલને પ્રેમ કરે છે પણ રાહુલ તો સાંભળતો જ નથી, રાહુલ પૂજાને પ્રેમ કરે જ છે, પણ કહી શકતો નથી. પૂજાને અજય બિચારો બાળપણથી લવ કરે છે પણ આટલા વરસથી એણે કીધું જ નથી ! અને પૂજાને સમજ નથી પડતી કે એ રાહુલને લવ કરે છે કે અજય એને ગમે છે ?

સ્ટોરીમાં આટલું બધું કન્ફ્યુઝન ઊભું કર્યા છતાં ડિરેક્ટર યશ ચોપરા બધા પાત્રો પાસે કહેવડાવ્યા કરે છે કે ‘જોડીયાં ઉપર સે બનકર આતી હૈ… કિસી ન કિસી કો સિર્ફ તુમ્હારે લિયે બનાયા ગયા હૈ !’

ઓ વડીલ, જો તમને છેક ૧૯૯૭માં એવી પાક્કી ખબર હતી તો આપણા દેશના રાહુલબાબાને ચોખ્ખું કહી દેવું હતું ને, કે ડિયર, તમારા માટે કોઈને બનાવ્યું નથી ! ઉલ્ટું, તમારે જ આખા દેશને ‘બનાવવાનો’ છે !

*** 

એમાંય, બિચારી કરિશ્મા તો કેટલી બધી કોશિશ કરે છે ? શાહરુખની સામે ચપોચપ કપડાં પહેરીને નાચે છે, બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ડૂબકીઓ મારે છે.. અરે, શાહરુખના કપડાંનું શોપિંગ પણ જાણે એની પત્ની બની ગઈ હોય એમ જાતે જ કરે છે !

કદાચ, આમાં જ શાહરુખ ‘ચેતી’ ગયો હશે ! ચાલો માની લઈએ, પણ એણે બિચારી કરિશ્માના કુમળા દિમાગમાં ‘જેન્ડર કન્ફ્યુઝન’ ઘૂસાડવાની શી જરૂર હતી ? શાહરુખ વારંવાર એને કહ્યા કરે છે ‘તુમ લડકી હી નહીં હો !’ (આજે આવું કોઈ કરે તો કોર્ટમાં કેસ થઈ જાય, બોસ.)

*** 

અક્ષયકુમાર પણ આઈટમ છે. એ સવારે સાત વાગે માધુરીના કાનમાં ‘હાઉક’ કરીને એને જગાડે છે ને કહે છે ‘ચલો, રેડી હો જાઓ ! હમ લંદન જા રહે હૈં ! મુઝે વહાં સિર્ફ એક ઘંટે કા કામ હૈ, બાદ મેં હમ ઘુમને જાયેંગે, શોપિંગ કરેંગે ઔર રાત કો વાપસ આ જાયેંગે !’

હવે હિસાબ ગણો, મુંબઈથી લંડનની ફ્લાઈટના નવ કલાક, એ જ રીતે રીટર્ન ફ્લાઈટના બીજા નવ કલાક ! ઉપરથી એરપોર્ટ પર ચેક-ઈન માટે એક-એક કલાક વહેલાં પહોંચવાનું ! તો બચ્યા કેટલા કલાક ?

અને હા, ભાઈસાહેબ માધુરીને ફરવા માટે લઈક્યાં જાય છે ? છેક જર્મનીના એક ફન-પાર્કમાં ! (દિલ તો પાગલ હૈ… ગાયન ગાવ માટે) અચ્છા, પાછા આવીને અક્ષય પોતાના મા-બાપ માટે ગિફ્ટો શું લાવે છે ? ડેડી માટે એક ફાલતુ ટાઈપનો નાઈટ ગાઉન, મમ્મી માટે એક શાલ અને બંને માટે મુંબઈની ફૂટપાથ પર મળતી હોય એવી એક સાત રંગવાળી છત્રી ! (કિંમત ૧૨૫ રૂપિયા)

*** 

જોકે આ લોકો મુંબઈમાં રહે છે કેમ ? એ પણ ડાઉટફૂલ છે ! કેમકે માધુરી રોજ સવાર સવારના એના બંગલાની પાછળના ભાગમાં રેશમી દુપટ્ટો ઉછાળીને ઠેકડા મારવા માટે જાય છે ત્યાં તો માઈલોના માઈલો સુધી લીલીછમ હરિયાળીથી છવાયેલા ડુંગરો છે !

એટલું જ નહીં, શાહરૂખ પોતાના ડાન્સ સ્ટુડિયોમાં ‘વો માયા હૈ… વો મુઝે જરૂર મિલેગી…’ એવું બોલે છે ત્યારે શી ખબર કઈ સાઉન્ડ સિસ્ટમથી છેક આ ડુંગર ઉપર ઠેકડા મારતી માધુરીને સંભળાઈ પણ જાય છે ! (એનું નામ ‘માયા’ નહીં પણ ‘પૂજા’ છે, છતાં.)

*** 

જોકે આ ફિલ્મથી હિન્દી ફિલ્મોનાં ગાયનોમાં એક મોટી ‘ક્રાંતિ’ આવી હતી, જેની કોઈએ નોંધ જ લીધી નથી ! 

ક્રાંતિ એ હતી કે અગાઉના ગાયનોમાં હિરો-હિરોઈનની પાછળ જે કઢંગી સાઈઝની અને લપેડા જેવા મેકપ કરેલી ભદ્દી એકસ્ટ્રા ડાન્સરો જોવા મળતી હતી એના બદલે અહીં મસ્ત હાઈ સોસાઈટીની રૂપાળી, પરફેક્ટ ફીગરોવાળી ડાન્સરો દેખાતી હતી!

આ ક્રાંતિ શી રીતે થઈ ? તો જવાબ છે : શામક દાવર ! એ ફિલ્મના કુરિયોગ્રાફર હતા. એ જમાનામાં મુંબઈમાં શામક દાવરના ડાન્સ ક્લાસિસની એવી જબરદસ્ત બોલબાલા હતી કે હાઈ સોસાયટીની છોકરીઓ લાખ-લાખ રૂપિયા ફી ભરીને તેમાં શીખવા જતી હતી !

આમાં જ શામક દાવરે છોકરીઓને લાલચ આપી હશે કે ‘તમને યશ ચોપરાની ફિલ્મમાં ડાન્સ કરવા મળશે ! એની પચ્ચીસ ટકા એકસ્ટ્રા ફી થશે !’ (એકસ્ટ્રાઓની પણ ‘એકસ્ટ્રા’ ફી)

એ તો ઠીક, યશ ચોપરાએ બીજું પણ એક સેટિંગ પાડી આપેલું. પેલું વરસાદનું ગાયન ‘ચાક ધૂમધૂમ… ચાક ધૂમધૂમ…’ ઘુસાડી દીધું ! જેમાં શામક દાવરને ત્યાં જે મુંબઈના લખપતિઓનાં બાળકો ડાન્સ શીખવા આવતાં હતાં, એમને પણ પરદા ઉપર નચાવી દીધાં !

જોકે એમાં એક લોચો જરૂર થયો હશે. ગાયનનું શૂટિંગ જોવા આવનારાં માબાપો બિચારાં ડઘાઈ ગયાં હશે કે ‘હાય હાય ! અમારાં બાળકોને તે સાવ રસ્તે રખડતાં ભિખારી જેવાં મેલાં અને ફાટેલાં કપડાં પહેરાવી દીધાં ?’

*** 
જોવા જાવ તો ‘ચાક ધૂમધૂમ’ ગાયનની સાચી સિચ્યુએશન તો ખંડાલામાં માધુરી એની ડાન્સ ટીચરના જન્મદિવસે મળવા માટે જાય છે (અરૂણા ઈરાની) ત્યાં જ હતી ! 

ત્યાં જ વરસાદ પડે… અને ત્યાં જ ખુલ્લાં હરિયાળા મેદાનો અને ટેકરીઓ પર ડાન્સ ક્લાસનાં બાળકો સાથે આ ગીત આવે… તો કેવું જામે ? 

પણ એમાં શું થયું હશે ? કે મુંબઈથી ખંડાલા સુધી બાળકોને લાવવા લઈ જવા માટે જે લકઝરી બુક કરી હશે એણે પૈસા વધારે માગ્યા હશે ! (અથવા છોકરાનાં માબાપે જીદ કરી હશે કે ખંડાલાની બેસ્ટ હોટલમાં જ અમારાં બાળકો રહેશે.)

… એટલે યશ ચોપરાએ ખુલ્લી સડકનો સેટ બનાવીને સ્ટુડિયોમાં જ ફુવારા ગોઠવીને પતાવી નાંખ્યું ! (પણ તમે જોજો, પાછળ ચર્ચની મોટી મોટી બારીઓ બતાડી છે એના પરથી શંકા જાય છે કે સાલું, આ કોઈ ‘ઓર્ફનેજ’ (અનાથાશ્રમ)નાં બાળકો તો નથી ને?)

*** 

સ્ટોરીનો એક પોઈન્ટ એવો છે કે જેની ઉપર પણ ઘણાનું ધ્યાન ગયું નહોતું. વાત એમ છે કે માધુરનાં માબાપ એક અકસ્માતમાં મરી ગયાં છે એટલે સાવ નાનપણથી તેને અક્ષયકુમારનાં માબાપે પોતાની ‘દીકરી’ની જેમ ઉછેરી છે ! 

ટુંકમાં અક્ષય અને માધુરી તો ભાઈ-બહેનની જેમ જ ઉછર્યાં છે ને ? પણ મોટો થયા પછી અક્ષય માધુરીને પરણવા માગે છે ! બોલો.

*** 

આખી ફિલ્મમાં સૌથી દયાજનક પાત્ર હોય તો તે ઉત્તમ સિંહ છે ! હવે ઉત્તમ સિંહ કોણ છે ? અરે ભઈ, એ આ ફિલ્મના સંગીતકાર હતા !

કહે છે કે એમણે ૧૦૦થી વધુ ધૂનો બનાવી હતી, જેમાંથી યશ ચોપરાને માત્ર આઠ જ પસંદ પડી ! એટલું જ નહીં, ઉત્તમ સિંહ આ ફિલ્નાં ગાયનો માટે બે વરસ લગી મહેનત કરતા રહ્યા હતા !

ઉત્તમ સિંહની મહેનતનો એમને બહુ ‘વિચિત્ર’ બદલો મળ્યો હતો ! શી રીતે ? તો વાત એમ હતી કે ફિલ્મફેરના આઠ આઠ એવોર્ડ ‘દિલ તો પાગલ હૈ’ને મળ્યા હતા છતાં કોઈ અનબનને કારણે એવોર્ડ ફંકશનમાં ઉત્તમ સિંહ સિવાય કોઈ આવ્યું જ નહોતું !

બિચારા ઉત્તમ સિંહ આઠ આઠ વખત સ્ટેજના પગથિયાં ચડી ચડીને ‘બેસ્ટ ડીરેક્ટર’ ‘બેસ્ટ એક્ટર’ ‘બેસ્ટ એક્ટ્રેસ’ ‘બેસ્ટ કુરિયોગ્રાફી’ વગેરે એવોર્ડો બીજાના વતી લેતા રહ્યા !

ઓડિયન્સ પણ કંટાળી ગયું હતું એટલે છેલ્લે જ્યારે ઉત્તમ સિંહને ‘બેસ્ટ સંગીતકાર’નો એવોર્ડ મળ્યો ત્યારે થાકેલા ઓડિયન્સે સાવ છૂટી છવાઈ તાળીઓ પાડી હતી ! (યે તો સચમુચ મેં ગજ્જબ બેજ્જતી થી !)

***

* ‘દિલ તો પાગલ હૈ’ને કુલ ૧૪ એવોર્ડો મળ્યા હતા, જેમાંથી આઠ ફિલ્મફેર એવોર્ડ હતા.

* કરિશ્મા કપૂરવાળો રોલ એ પહેલાં રવિના ટંડન, જુહી ચાવલા, મનીષા કોઈરાલા, ઉર્મિલા માતોંડકર અને શિલ્પા શેટ્ટીને ઓફર થયો હતો, પણ સૌએ ના પાડી હતી.

* છેવટે કરિશ્માને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ માટે ‘નેશનલ એવોર્ડ મળ્યો હતો.’

* ‘લે ગઈ, લે ગઈ’.. ગાયનમાં શાહિદ કપૂર એક એકસ્ટ્રા ડાન્સર તરીકે પરદા ઉપર દેખાય છે !

* ‘એક દૂજે કે વાસ્તે..’ આ ટાઈટલ સોંગમાં જે અલગ અલગ ઉંમરના પતિ-પત્નીને બતાડ્યાં છે એ તમામ યશરાજ ફિલ્મ્સના ક્રુ મેમ્બરો હતા ! છેલ્લે ખુદ યશ ચોપરા પોતાની પત્ની સાથે દેખાય છે.

* અક્ષયકુમારને પેમેન્ટ બાબતે ઝગડો થયો હોવાથી પૂરાં ૧૧ વરસ સુધી યશરાજ ફિલ્મ્સ સાથે કામ કર્યું નહોતું !

* અને યશ ચોપરાની આ એક જ ફિલ્મ એવી છે જ્યાં બરફના પહાડો તો છે પણ હિરોઈને ‘શિફોન સાડી’ પહેરી નથી !

***

- મન્નુ શેખચલ્લી 

Comments