નેપાળની જેન-ઝિએ તો આખી દુનિયામાં ડંકો વગાડી દીધો ! હવે ભારતની જેન-ઝિ શું કરશે ? અમને જે ભવિષ્ય દેખાઈ રહ્યું છે તે તો…
***
સૌથી પહેલાં તો ભારતનાં જેન-ઝિ બચ્ચાંઓ સવાલ કરશે કે ‘હલો ! હજી ક્યાં કોઈ એપ ઉપર બેન આવ્યું છે ?’
***
એમાંના મોટાભાગના જેન-ઝિ બચ્ચાં પૂછતાં હશે ‘યો બ્રો ! આ રિવોલ્યુશન કેવી રીતે કરવાનું ? યુ-ટ્યુબ ઉપર એના કોઈ વિડીયો ખરા ?’
***
અમુક ભોળી જેન-ઝિ કન્યાઓ ફેસબુકમાં પોસ્ટ મુકતી હશે ‘હાય ! શું કોઈની પાસે ક્રાન્તિની રેસિપી છે ? હોય તો પ્લીઝ શેર કરોને ?’
***
મુંબઇ દિલ્હી બેંગ્લોરની હાઈ-ફાઈ ફેશન ટ્રેન્ડી જેન-ઝિ ગર્લ્સ એમના આઈ-ફોનમાં પૂછતી હશે ‘હાય સિરી ! વૉટ શુડ આઈ વેર ઇન ક્રાન્તિ ?’
***
મોટીવેશનના વિડીયો જોઈ જોઈને ‘ડ્રીમ-બિગ’ ટાઈપનાં છોકરાંઓ, જે માત્ર ‘જિનિયસ’ દેખાવા માટે નંબર વિનાના ચશ્મા પહેરતા હશે એ ઇન્સ્ટામાં લખતા હશે :
‘ઓલરેડી ડુંઈગ ડીપ-રિસર્ચ ઓન નેપાલ રેજીમ ચેન્જ… કેમકે હું જ્યારે આઈએએસની એક્ઝામ આપતો હોઈશ ત્યારે આ સવાલ પૂછાવાનો જ છે !’
***
જો ભૂલેચૂકે ફેસબુકમાં ક્રાન્તિની ‘આગ’ ફેલાવા લાગશે તો નેવું ટકા જેન-ઝિ બચ્ચાં પૂછતાં હશે ‘ઇઝ ઇટ કંપલ્સરી ટુ ગો ઓન ધ રોડ ? ત્યાં ટ્રાફિક કેટલો બધો હોય છે ?’
***
અને ‘લેટ્સ હિટ ધ રોડ’ ઝુંબેશ ચલાવનારાં બચ્ચાં ઓનલાઈન પૂછતાં હશે ‘બ્રો… પોલીસ આપણને રીલ્સ ત બનાવવા દેશે ને ?’
***
પછી જ્યારે ‘ક્રાન્તિ ઇન્ડિયા’ મુવમેન્ટ તમામ સોશિયલ મિડીયામાં સળંગ સાત દિવસ સુધી ‘ટોપ ટ્રેન્ડિંગ’માં રહેશે… ત્યારે જેન-ઝિ બચ્ચાંઓ ખરેખર ગાંડાની જેમ નાચતાં નાચતાં રોડ ઉપર ઉતરી આવશે !
***
પણ આખરે ઉભરો ત્યારે શમી જશે જ્યારે કોઈ બોલીવૂડનો પ્રોડ્યુસર અક્ષયકુમાર અને કંગના રાણાવતને લઈને ‘ક્રાન્તિ ઇન્ડિયા’ નામની ફિલ્મ એનાઉન્સ કરી નાંખશે… પત્યું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment