એક નેતાજી સતત ચૂંટણીઓ હારી રહ્યા હતા. છેવટે કંટાળીને માઈન્ડ ફ્રેશ કરવા માટે તે જંગલમાં શિકાર કરવા ગયા.
અહીં કોઈ શિકાર તો મળ્યો નહીં, પણ છેલ્લે છેલ્લે એક ઘુવડ (ઉલ્લુ) એમની જાળમાં ફસાઈ ગયું.
ઘુવડ નેતાને કહેવા લાગ્યું. ‘જુઓ નેતાજી, મને વેચીને તમને શું મળશે ? બે હજાર ? પાંચ હજાર ? એના કરતાં હું તમને એવી ત્રણ અમૂલ્ય સલાહો આપીશ કે જેનાથી તમારી રાજકીય કારકિર્દીમાં ચાંદી જ ચાંદી થઈ જશે !’
નેતાજી કહે ‘ઠીક છે, બોલ ?’
ઘુવડે કહ્યું ‘પહેલી સલાહ એ છે કે જનતાને હંમેશા ભૂતકાળમાં જ રાખવાની ! જેથી તે ભવિષ્યનું વિચારે જ નહીં.’
‘અચ્છા ? શી રીતે ?’
‘અરે, સહેલું છે ! ભારતનો ૫૦૦ વરસ જુનો ભવ્ય વારસો… ભારતને મુઘલોએ બરબાદ કર્યું… અંગ્રેજો લૂંટી ગયા… એ પછી ૭૦ વરસ સુધી…’
‘એ હા ! વાત તો સાચી હોં ? હવે બીજી સલાહ ?’
‘બીજી સલાહ એ કે પ્રજાને સાવ લોજિક વિનાનાં સપનાં બતાડે રાખવાનાં ! જેથી કોઈ પ્રેક્ટિકલ સવાલો પૂછે જ નહીં !’
‘એ વળી કેવી રીતે ?’
‘અરે સિમ્પલ છે ! આ ગરીબી હટી જશે… હવે ચાલીસ લાખ નોકરીઓ પેદા થશે.. ભારત વિશ્વગુરુ બની જશે… અમેરિકા થથરી જશે... એવું બધું !’
‘એ હા !’ નેતાજી ખુશ થઈ ગયા. ‘હવે ત્રીજી સલાહ શું છે ?’
‘એના માટે તમારે મને આ જાળમાંથી મુક્ત કરવું પડશે. હું ઉડતાં ઉડતાં ત્રીજી સલાહ આપીશ.’
નેતાજી બોલ્યા. ‘ઓકે !’ એમણે ઘુવડને જાળમાંથી છોડી મુક્યું. હવે ઘુવડ ઉડતાં ઉડતાં કહે છે :
‘નેતાજી ! છેલ્લી સલાહ એ છે કે જ્યારે પણ તમે કોઈ મામલામાં ફસાઈ જાવ ત્યારે હંમેશાં સામેની વ્યક્તિને ફાયદો થવાનો હોય તેવી મીઠી મીઠી વાતો કરીને છટકી જવાનું ! મારી જેમ…’
ઘુવડ ઊડી ગયું…
નેતાજી માથું ખંજવાળતાં કહે છે ‘સાલું, એક ઉલ્લુ મને ઉલ્લુ બનાવી ગયું !’
***
(આ વારતાનો બોધ એટલો જ કે એ લોકો પોતાની જાતને રાજકીય વિશ્ર્લેષક અથવા પોલિટીકલ એક્સપર્ટ ગણાવે છે તેમનું જ્ઞાન પણ ઉલ્લુઓને જ ‘ઉલ્લુ’ બનાવવા જેટલું હોય છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment