જેન -ઝિના અસલી પ્રોબ્લેમો !

આ ‘સૈયારા’ નામની ફિલ્મ આવ્યા પછી બધા ‘જેન-ઝિ’ (એટલે ૧૫થી ૨૨ વરસની ઉંમરવાળા)ની પાછળ પડી ગયા છે ! આમાં ‘જેન-ઝિ’નો કોઈ વાંક જ નથી ! બલ્કે અમને થોડા બેઝિક પ્રોબ્લેમ્સ છે...

*** 

(૧) આમાં સૌથી પહેલો તો ‘ડિજીટલ પ્રોબ્લેમ’ છે ! 

૨૮ વરસના મોટાભાઈએ તેના ૧૭ વરસના નાના ભાઈને મેસેજ કર્યો ‘બકા, શું મસ્ત મોસમ જામી છે ! શું જોરદાર વરસાદ પડે છે ! જરા બહાર નીકળીને જો તો ખરો ?’

૧૭ વરસનો બાબલો સામે મેસેજ કરે છે ‘બ્રો, વિડીયો કરીને મોકલ ને, હું અત્યારે રીક્ષામાં છું !’

*** 

(૨) બીજો પ્રોબ્લેમ‘ડિપ્રેશન’નો છે...

કાલે જ મારા પડોશમાં રહેતી એક ૧૫ વરસની છોકરીને મેં પૂછ્યું ‘બેટા, કેમ તું સાવ ઢીલી ઢીલી લાગે છે ?’

એ બોલી‘અંકલ એક પ્રોબ્લેમ છે.’

મેં કહ્યું‘અરે ? શું પ્રોબ્લેમ છે, તને ?’

તો કહે છે‘અંકલ, મારી બધી જ ફ્રેન્ડ્ઝને બે બે વાર ડિપ્રેશન આવી ગયું છે પણ મને હજી એકપણ વાર નથી આવ્યું... એનું મને ટેન્શન છે. કે મને કંઈ થઈ તો નથી ગયું ને ?’

*** 

(૩) ત્રીજો પ્રોબ્લેમ ‘મેથ્સ’નો છે...

બે છોકરીઓ કેળાં લેવા ગઈ. જઈને પૂછે છે ‘આ કેળા કેટલા રૂપિયાના કિલો છે ?’

કેળાંવાળો કહે છે‘આમાં કિલો ના હોય, નંગ ઉપર હોય.’

‘તો એનો ભાવ બોલો.’

‘જુઓ આ ચાર કેળાં લો તો ૩૦ રૂપિયા અને બે લેવાં હોય તો ૨૦ રૂપિયાનાં.’

બંને છોકરીઓએ અંદરો અંદર ડિસ્કસ કરીને નક્કી કર્યું કે ૨૦ રૂપિયાના જ લેવાય. શું કામ વધારે પૈસા આપવાના ?

એ તો ઠીક, ૨૦ રૂપિયામાં બે કેળાં લીધા પછી એમને લાગ્યું કે ‘આટલા સસ્તામાં મળે છે તો બીજાં બે લઈ લઈએ ને ?’

બીજાં બે કેળા લીધા પછી એક છોકરી બીજીને કહે છે ‘જોયું ? ટેન રૂપિઝનું સેવિંગ થયું ને ?’

*** 

(૪) ચોથો પ્રોબ્લેમ ‘કપડાં’નો છે…

સાવ ટુંકા કપડાં પહરેલી એક છોકરી રોડ ઉપર એક કાકાને તતડાવી રહી હતી. ‘કાકા, મારે શું પહેરવું અને શું ના પહેરવું એ કહેવાવાળા તમે કોણ ?’

આ સાંભળીને આજુબાજુથી છ સાત જણા આવ્યા અને કાકાને ધોઈ નાંખ્યો !

માર ખાઈ લીધા પછી કાકા બે હાથ જોડીને કહે છે ‘ભૈશાબ, હું આ કેબનો ડ્રાયવર છું… મેં આ છોકરીને એટલુ જ કહ્યું કે મેડમ, સીટ બેલ્ટ પહેરી લો...’

***

- મન્નુ શેખચલ્લી

Comments