ટેરિફ વિરોધી 'દેશભક્તિ' !

જો ટ્રમ્પકાકાએ ફરી ગુલાંટ નહીં મારી હોય તો આજથી ભારતના માલ ઉપર ૫૦ ટકા જેટલી ટેરિફ લાગુ પડી જશે.
જોકે આ ટેરિફનો વિરોધ કરનારા દેશભક્તોનાં ચોક્કસ પ્રકારનાં લક્ષણો છે !

*** 

સૌથી પહેલી વાત તો એ કે આ ટેરિફ વિરોધીઓમાથી ૯૯ ટકા લોકોએ એક રૂપિયાની પણ નિકાસ અમેરિકા ખાતે કરવાની હોતી નથી !

- તો પછી ‘હૈશો હૈશો’ કરવામાં વાંધો જ ક્યાં છે ?

*** 

બીજું, ‘અમેરિકાની ઐસી કી તૈસી’ જેવા મેસેજો કરનારાઓમાંથી કોઈને પણ જો અમેરિકા જવાનો ચાન્સ મળતો હોય તો રાતોરાત બધું ડિલીટ કરીને નવું સીમકાર્ડ વસાવી લે એવા છે !

*** 

જોવાની વાત એ છે કે જે રીતે આ લોકો ચાઈનિઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર ચાઇનિઝ બ્રાન્ડના મોબાઈલ ઉપર કરતા હતા એ જ રીતે આજકાલ અમેરિકન માલિકીના ‘ફેસબુક’ ‘વોટ્સએપ’ અને ‘ટ્વિટર’ ઉપર જ દેકારો મચાવી રહ્યા છે !

*** 

આ ભક્તોએ ચાઈનિઝ માલનો વિરોધ કરેલો, પણ મોદીજીએ ચીન સાથે સંબંધો સુધારી લીધા ! ભક્તોએ માલદીવ્સનો ‘બહિષ્કાર’ કરેલો (મહાબળેશ્વર પણ જવાની હેસિયત ના હોવા છતાં) પરંતુ મોદીજીએ માલદીવ સાથે સંબંધો સુધારી લીધા !

તો હવે? કશું નહીં… હૈશો હૈશો કરવામાં જાય છે શું ?

*** 

વળી, કોઈ એવું તો પૂછતું જ નથી કે જો રશિયા પાસેથી ૨૦ ટકા ડિસ્કાઉન્ટમાં ઓઈલ ખરીદીએ છીએ તો આપણને પેટ્રોલ-ડિઝલમાં પાંચ ટકા પણ રાહત કેમ મળતી નથી ?

*** 

એ જ રીતે, જે લોકો કોકાકોલા અને પેપ્સીનો બહિષ્કાર કરવાની બૂમો પાડે છે એ લોકો પણ નથી પૂછતા કે એના બદલે શું પીવાનું ? છાશ ?

*** 

હકીકતમાં સૌથી વધુ તકલીફ ભારતીય ટપાલ ખાતાએ અમેરિકના મોટાં પાર્સલો લેવાના બંધ કર્યા એમાં આપણને જ મોંઘુ પડવાનું છે !

- કેમકે હવે આપણે ખાખરા, પાપડ, અથાણાં, છૂંદો અને ચણિયા ચોળી ત્યાં મોકલીશું શી રીતે ? એમેઝોન વડે ?
પણ છોડો, ‘હૈશો હૈશો’ ચાલુ રાખો… મજા તો એમાં જ આવે છે ને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments