સમાચાર ઉપર સળી !

સમાચાર :
પુરા ૨૯ વરસ પછી ભાજપી નેતા આત્મારામ પટેલનું ધોતિયું ખેંચાવા બાબતનો કેસ જ પાછો ખેંચાઈ ગયો.

સળી :
વાંધો નહીં ! એ બહાને ભાજપની આંતરિક ટાંટિયાખેંચને યાદ કરીને એમની ‘ખિંચાઈ’ કરવાનો મોકો તો મળ્યો ?

*** 

સમાચાર :
પ્રજાના ૨૦,૦૦૦ કરોડ રૂપિયા બચાવી શકે તેવું ઓનલાઈન મની ગેમ્સ બિલ ચર્ચા વિના જ પાસ થઈ ગયું.

સળી :
બહું સારું ! પણ એના કરતાં આઠ-દસ ગણા રૂપિયાની જીએસટીમાં જે ચોરી થઈ જાય છે એની તો સંસદમાં કદી ચર્ચા જ ના થઈ !

*** 

સમાચાર :
હવે જીએસટીમાંથી ૧૨ ટકા અને ૨૮ ટકાના બે મોટા સ્લેબ દૂર થઈ જશે.

સળી :
હાશ ! ચાલો, એ બહાને જીએસટીનાં ખોટાં બિલીંગ કૌભાંડની રકમમાં થોડો ઘટાડો તો થશે ?

*** 

સમાચાર :
આખરે સંસદનું ચોમાસું સત્ર પુરું થયું.

સળી :
હેં ? પુરું ? અલ્યા ભઈ, પેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ બિલ મામલે બિચારા ધનખડ સાહેબની ગાદી ગઈ ! અને એ બિલ તો સંસદમાં આવ્યું જ નહીં ! ખાયા-પીયા કુછ નહીં, ગિલાસ તોડા, બાર આના ?

*** 

સમાચાર :
એક શ્વાનપ્રેમીએ જાહેરમાં થપ્પડ માર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ‘ઝેડ’ સિક્યોરીટી મળી ગઈ.

સળી :
આમાં તો રેખાજીએ દિલ્હીનાં રખડતાં કૂતરાંનો આભાર માનવો જોઈએ !

*** 

સમાચાર :
એઆઈને વાસ્તવિક સમજવાની ભૂલ વડે મનોવિકૃતિનું પ્રમાણ વધી રહ્યું છે.

સળી :
એઆઈને છોડોને ? અહીં ફેસબુક અને ઇન્સ્ટામાં છોકરાઓ પોતે છોકરી હોય એવા એકાઉન્ટ બનાવે છે ! એમાં કેટકેટલા જુવાનિયા બરબાદ થઈ ગયા છે એની વાત કરોને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments