સિત્તેરના દાયકામાં નાનાં ટાઉનમાં પણ ફિલ્મો જોવાનો કેવો ક્રેઝ હતો એની તો આજની નવી જનરેશનને કલ્પના પણ ક્યાંથી હોય? એમાંય વળી નિશાળમાં ભણતાં નવમા-દસમા ધોરણનાં છોકરાં ફિલ્મો જોવા માટે કેવાં કેવાં પરાક્રમો કરતા એનો આ અજબ-ગજબનો કિસ્સો છે…
વાત છે અમારા બનાસકાંઠાના ડીસા ગામની. અગાઉ જેનો ઉલ્લેખ કરેલો એ એસસીડબલ્યુ હાઈસ્કૂલમાં ત્રણ બારકસોની ત્રિપુટી હતી. એક વિનોદ, બીજો અશોક અને ત્રીજો તુલસી.
તુલસીના બાપાની લાકડાંની લાટી હતી. (લાટી એ લાકડાંના કાચા માલનું ગોડાઉન) આ ત્રણે જણા સાંજે જમ્યા પછી એમનાં મા-બાપને એવું કહીને નીકળતા કે ‘અમે તુલસીના બાપાની લાટીમાં બેસીને વાંચવા જઈએ છીએ.'
પછી વાંચવા-બાંચવાનું તો સમજ્યા ! જોકે ત્રણે જણા જેમતેમ કરીને પરીક્ષામાં પાસ તો થઈ જતા હતા. પરંતુ લાટીમાં ત્રિપુટી ભેગી થાય એટલે કંઈક પરાક્રમો કરવાનું મન થાય, થાય ને થાય જ ! એમનું એક પરાક્રમ હતું ‘પિકચર જોવ જવાનું !
ડીસામાં તે વખતે એક ‘જ્યોર્જ’ ટોકિઝ તો હતી જ, પણ એમાં મોટા ભાગે પિકચરો જુનાં થઈ જાય ત્યારે જ આવતાં. નવાં પિકચરો પડતાં હતાં પાલનપુરમાં ! અને મારા સાહેબો, પાલનપુર હતું ડીસાથી ૩૫ કિલોમીટર દૂર ! ચાલીને જાવ તો પાંચ-છ કલાક લાગે અને બસમા જાવ તો પિકચરની ટિકીટ કરતાં બસની ટિકીટ મોંઘી પડે !
તો કરવું શું ? તો આ ત્રિપુટીના બ્રેઇન માસ્ટર ગણાતા વિનોદ પાસે મજબૂત પ્લાન હતો !
પ્લાન એવો હતો કે ધાનેરાથી પાલનપુર જતી એસટી બસ ડીસાના ડેપોમાં રાત્રે આઠેક વાગે આવે… એ બસ જ્યારે અંદર આવીને ઊભી રહે અને ડ્રાયવર-કંડકટર ઉતરીને ચા-બીડી-પેશાબ માટે ડેપોમાં જાય ત્યારે બસની પાછળ જઈને જ્યાં છાપર પર લગેજ મુકવા માટેની સીડી હોય, એની ઉપર ચડીને, બસની પાછળના ભાગમાં જે કાચ હોય એમાંથી જોઈ લેવાનું કે આજે બસમાં કોઈ ઓળખીતું તો નથી ને ?
સાથે સાથે એ પણ જોઈ લેવાનું કે છેલ્લી સીટો ખાલી છે ને ? પછી જ્યારે બસમાં પેસેન્જરો ચડે ત્યારે ફટાફટ પાછળની જે છ જણાને બેસવાની લાંબી સીટ હોય ત્યાં ઘૂસી જવાનું ! પછી આગળની ત્રણ જણાની સીટ પાછળ નીચે માથું ખોસીને સંતાઈ જવાનું !
કંડકટર આવે ત્યારે એ તો જેટલાં માથાં ‘દેખાય’ એમની જ ટિકીટ ફાડે ને ? વળી જ્યારે બસ ચાલુ થાય ત્યારે તો અંદર એકાદ ઝાંખી લાઈટ જ ચાલુ હોય. આવા સમયે છેલ્લી સીટમાં માથાં નીચે ખોસીને છેક પાલનપુર સુધી બેસી રહેવાનું.
પાલનપુર ડેપોમાં જેવી બસ ઊભી રહે અને જેવો કંડકટર નીચે ઉતરે કે તરત સીટ પાછળથી આ ત્રિપુટી સરકીને બહાર નીકળી જાય !
હવે અહીંથી દોટ મુકવી પડે. શા માટે ? કેમ કે બસ ડેપોથી પાલનપુરનું ‘સિટી લાઈટ’ થિયેટર ખાસ્સું દૂર ! ત્યાં પહોંચીને છેલ્લા શોની થર્ડ ક્લાસની ટિકીટો માટે ક્યારેક લાઈનમાં પણ ઊભા રહેવું પડે.
પરંતુ ૫૦-૬૦ પૈસામાં જ્યાં દેવઆનંદ, દિલીપકુમાર, વહીદા રહેમાન અને વૈજયંતિમાલાઓ જોવા મળતી હોય… અને રેડીયોમાં દોઢસો વાર સાંભળી ચુકેલાં હિટ ગાયનો મોટા ‘દૈત’ જેવા પરદા પર જોવા મળતા હોય તો તો બધું ‘વસૂલ’ હતું ને ?
અચ્છા, ફિલ્મ પત્યા પછી પાછા શી રીતે આવવાનું ? તો એનો પ્લાન અલગ હતો. રાત્રે બાર સાડા બાર પછી એસટી બસ થોડી મળે ? એટલે ‘સિટીલાઈટ’ થિયેટરથી દોટ મુકવાની પાલનપુર રેલ્વે સ્ટેશન સુધી. અહીં રાત્રે ૧ વાગે અમદાવાદથી ભુજ જતી ટ્રેન ડીસા જવા માટે મળે.
એમાં પણ ‘વિધાઉટ ટિકીટ’ શી રીતે જવાનું ? તો મોડસ-ઓપરેન્ડી એવી હતી કે પ્લેટફોર્મ પર જવાને બદલે જ્યાં રેલ્વેના પાટા ખુલ્લા હોય એ તરફથી એન્ટ્રી લેવાની અને ટ્રેન આવીને ઊભી રહે ત્યારે છેક છેલ્લા ડબ્બામાં (કોઈ ઓળખીતું તો નથી ને એની ખાતરી કર્યા પછી) ચડી જવાનું !
આ ટ્રેન ડીસા રેલ્વે સ્ટેશને લગભગ દોઢ વાગે પહોંચે. પરંતુ તે પ્લેટફોર્મ પર પહોંચતાં પહેલાં ધીમી પડે ત્યારે જ ડબ્બામાંથી કૂદીને દોટ મુકવાની… બીજા પેસેન્જરો હજી ટ્રેનમાંથી ઉતરે, પ્લેટફોર્મની બહાર નીકળે… ત્યાંથ ડીસા ટાઉન સુધી જતી બસમાં બેસે… ત્યાં સુધીમાં તો આ ત્રિપુટી પાછી પેલા તુલસી બાપાની લાટીએ પહોંચી ગઈ હોય ! ‘વાંચવા’ માટે !
આખી વાતમાં મજા એ હતી કે, માત્ર ૫૦x૩ એટલે કે દોઢ રૂપિયાના ખર્ચમાં બીજા દિવસે નિશાળમાં જઈને વટ મારવા મળે કે ‘કાલે ફલાણું પિકચર જોઈ નાંખ્યું ! ’ ઉપરથી એની સ્ટોરી પણ સંભળાવવાની !
આવી રીતે તો કંઈ ડઝનેક ફિલ્મો જોઈ નાંખી હતી. પણ આ ત્રિપુટીને નડી ગઈ પેલી ડેની, સંજય અને ઝિનત અમાનવાળી ફિલ્મ ‘ધૂંદ’ !
જેમ એમાં ન તો બી.આર. ચોપરાનો કોઈ વાંક હતો કે ન તો સિટીલાઈટ સિનેમાના થર્ડ ક્લાસમાં ગોઠવેલાં પાટિયાંનો. મૂળ વાંક હતો અશોક દલવાડીનો, જે પોતાના ઘરેથી આખો સ્ટેનલેસ સ્ટીલનો ડબ્બો ભરીને લાડવા લઈ આવેલો !
આમ તો અશોકની મમ્મીએ લાડવા એટલા માટે બનાવી આપેલા કે ‘રાતના જાગીને બિચારાં છોકરાં વાંચે છે, એમને મોડેથી ભૂખ લાગે તો ખાવા થાય..’ પરંતુ એ લાડવા ભરેલો ડબ્બો અડધો તો ઇન્ટરવલમાં જ ખાલી થઈ ગયેલો ! બાકીના લાડવા પાલનપુર સ્ટેશને, છૂપી રીતે છેલ્લા ડબ્બામાં ચડી ગયા પછી, જેવી જગ્યા મળી કે તરત જ સફાચટ થઈ ગયા !
બસ પછી શું ? ત્રણેયને ચડી મસ્ત મજાની ઊંઘ ! એક તો ડબ્બો લગભગ ખાલી, એમાંય રાતના એક વાગ્યના સુમારે બારીમાંથી મસ્ત ઠંડો ઠંડો પવન આવે ! ત્રણેય જણા તો અહીં ઘસઘસાટ ઊંઘી ગયા !
ક્યારે ડીસાનુ સ્ટેશન આવ્યુ ક્યારે ડીસા સ્ટેશનેથી ટ્રેન ફરી ઉપડી… કંઈ જ ખબર પડી નહીં. આ તો ટ્રેન આગળ જતાં બનાસ નદીના લોખંડી પુલ પરથી પસાર થવા લાગી ત્યારે એનો જે ‘ખડાંગ… ધડાંગ… ખડાંગ… ધડાંગ…’ અવાજ કાને પડ્યો ત્યારે ત્રણે જાગ્યા !
‘અલ્યા, હવે શું ?’ ત્રણે જણાએ પૂછેલા આ સવાલનો જવાબ ત્રણેય પાસે નહોતો. હા, પેલા વિનોદ પાસે એક જવાબ હતો : ‘હવે તો ભીલડી જંકશન, બીજું શું ?’
જી હા, ડીસાથી પચ્ચીસેક કિલોમીટર દૂર આવેલા અને શી ખબર, કયા ‘ભીલ’ની પ્રિયતમાને નામે જે ગામનું નામ ‘ભીલડી’ પડ્યું હતું, ત્યાં જ હવે આ ટ્રેન ઊભી રહેવાની હતી.
અહીં પણ સટેશનની બહાર વિધાઉટ ટિકીટ જ નીકળવાનુ હતું ને ? એમાં તો ત્રિપુટી સફળ થઈ. પરંતુ હવે છેક ડીસા પાછા શી રીતે જવું ?
‘રાત કે મુસાફિર’ જેવા બીજા પેસેન્જરોને પૂછતાં જાણવા મળ્યું કે હવે ડીસા તરફ જવા માટે સિંગલ પટ્ટીનો ડામર રોડ જ એકમાત્ર ‘ઘરવાપસી’નો માર્ગ છે !
ખેર, ત્રણે જણાએ ડામર રોડ પર પહોંચીને પોતાની પદયાત્રાનો આરંભ કર્યો. પણ ચાલી ચાલીને બિચારાઓ કેટલું ચાલી શકે? ભૌગોલિક રીતે બે ગામો વચ્ચેનું અંતર ૩૦ કિલોમીટર હોય અને ચાલીને જાવ તો લગભગ સાડા ચારથી પાંચ કલાક !
છતાં આ છોકરાઓ, ચડ્ડી-બુશકોટ અને ચંપલ પહેરેલી હાલતમાં ચાલતા રહ્યા. એક બાજુ પેટમાં પડેલા મસ્ત મજેદાર લાડવાનું ઘેન ઉતરતું નથી, અને બીજી બાજુ ટાંટિયા ગરબા રમવા લાગ્યા છે.
આમ ને આમ એકાદ કલાક ચાલ્યા પછી તુલસીના ટાંટિયા ઢીલા પડી ગયા ! એ ફસકીને રોડ ઉપર બેસી પડ્યો ! એને જોઈને વિનોદ અને અશોકે પણ દાવ ડીકલેર કરી દીધો.
એવામાં દૂરથી આવી રહેલી એકલદોકલ ટ્રકની લાઈટો શેરડો એમની ઉપર પડ્યો. ટ્રક એમની નજીક આવીને જતી રહી. અંદરથી ઉતરેલો ડ્રાયવર એમના ચહેરા ઉપર બેટરી મારતાં પૂછે છે ‘અલ્યા છોકરાંઓ ? આટલી રાતે અહીં આવા રોડ પર શું કરો છો ?’
‘અમે ડીસા જઈએ છીએ.’ અશોકે કહ્યું.
‘આવી રીતે ? ચાલતાં ?’
જવાબમાં વિનોદે વારતા ઘડી કાઢી. ‘અમે તો અમારા એક ભાઈબંધના દાદાના બારમામાં આયેલા, પણ લાડવા વધારે પડતા ખવઈ ગ્યા, એટલે બસ-સ્ટોપ પર જ ઊંઘ આઈ ગૈલી. એમાંને એમાં ડીસાની બસ ચૂકી ગૈલા… ખિચામોં પૈશા નો’તા એટલે હેંડતા હેંડતા જતા’તા.’
‘હારુ અ’વે, હેંડો, બેહો ટ્રકમાં…’ ડ્રાઈવરની દયા આવી એટલે એમને ટ્રકમાં પાછળના ભાગે ચડાવ્યા. ટ્રકમાં નળિયાં ભરેલાં હતાં. એ હિસાબે જુઓ તો એમનું પરાક્રમ ‘છાપરે ચડીને ’ પોકારી ચૂક્યુ હતું !
ખેર, ડીસાની બહાર હાઈવે પર ઉતર્યા પછી આ ટોળકી જેમ તેમ કરીને જ્યારે તુલસીના બાપાની લાટીએ પહોંચી ત્યારે સાડા ચાર વાગી ગયા હતા.
બીજા દિવસે એમને આંખો જુઓ તો લાલચોળ ! ત્રણે જણાએ પોત-પોતાના મા-બાપ આગળ વટ મારેલો કે ‘કાલે રાતના તો અમે બઉ મોડે લગી વોંચેલું !’
હા, પેલો ડબ્બો ભરીને જે લાડવા મળેલા, તે ડબ્બો ‘હવે ખાલી થઈ ગયો છે’ એવું જાહેર કરવામાં એમણે આજકાલની સરકારી રાહે થતું હોય છે તેમ, ‘વિલંબથી’ તેમજ ‘અધકચરી’ માહિતી આપવાની નીતિ અપનાવી હતી.
***
(કથાબીજ : વિનોદ જોશી - ડીસા)
વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
E-mail : mannu41955@gmail.com
હું ભૂજ ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરતો ત્યારે એક વખત અમારા સુપરવાઈઝર (એમનો હોદ્દો 'મોનીટર'નો હોય) તરીકે ડીસાના વતની ત્યાંથી જ બદલાઈને આવેલા. એમને કચ્છ પ્રત્યે સખત પૂર્વગ્રહયુક્ત સૂગ હતી. મૂળે સ્વભાવે રુક્ષ એટલે करेलीपे नीम चढ़ा જેવો તાલ થયેલો. હું ઘણીવાર એમનો ઉખડેલો મૂડ જોઈને મજાકમાં કહેતો : " સાહેબ, તમે ડીસાના ખરા, પણ કચ્છમાં આવીને 'દિશાહીન' થઈ ગયા છો. આ સ્ટાફ માં લગભગ બધા ભાઈઓ 'મેંશાણા', 'સાભરકાંઠા' અને 'બદમાશકાંઠા' ના છે, પણ એ લોકો 'કચ્છડો બારે માસ' માં આનંદથી રહે છે. તમે પણ 'કચરો બારે માસ' એ તમારો ખયાલ ભૂલી જાઓ તો અમે પણ રાજી થઈશું. કચ્છનું તો એવું છે : આવતાં તો રડે જ, પણ પાછાં જતાં વધારે રડે. "
ReplyDelete