એક મિનિટ વડીલો ! અહીં આપણે લખોટીઓ અને ભમરડાને યાદ નથી કરવાના ! વાત થઈ રહી છે છેલ્લા વીસ વરસની… જ્યાં આજના ૪૦-૪૫ વરસના લોકો પણ ઘણી ચીજો ગુમાવી ચૂક્યા છે ! વાંચો લિસ્ટ…
***
એસટીડી-પીસીઓ બૂથ :
છેક ૨૦૧૦ સુધી તે ટકી રહ્યાં હતાં ! અમુક શહેરોમાં તો ૨૦૧૨ સુધી ! પણ ૨૦૦૮ પછી જે રીતે સ્માર્ટ ફોન ફરી વળ્યો…
***
રોલવાળા કેમેરા :
જેમાં કલર નેગેટિવનો રોલ ભરાવવાથી માત્ર ૩૬ ફોટા પડતા હતા અને એની પોસ્ટકાર્ડ સાઈઝ પ્રિન્ટના અઢી રૂપિયા થતા હતા, એટલે બહુ ‘કંજૂસાઈ’ કરીને ફોટા પાડવા પડતા હતા ! પણ ૨૦૦૮માં સ્માર્ટ ફોન આવ્યા…
***
નોકિયાના બ્લેક એન્ડ વ્હાઈટ ફોન :
જેમાં આપણે સાપોલિયાંની ગેમ રમતા હતા અને અમુક ચેમ્પિયનો અંગ્રેજી અક્ષરો વડે મોર, ચકલી, વાઘ અને ભારતનો તિરંગો ‘હલતો’ હોય એવી ઈફેક્ટ પેદા કરી શકતા હતા ! પણ ૨૦૦૮માં પેલા સ્માર્ટ ફોન આવ્યા અને…
***
ડીવીડી અને સીડી :
જાડી ચોપડી જેવી વિડીયો કેસેટોને બદલે ચપ્પટ રકાબી જેવી ડીવીડી… જેનાં રિફ્લેક્શનમાં સાત રંગ દેખાતા હતા ! મ્યુઝિક સીડીને જાતે ‘બર્ન’ કરવી પડતી હતી ! અને એટલી સસ્તી હતી કે એનાં ‘તોરણ’ બનતાં હતાં ! પણ ૨૦૦૮માં…
***
વોકમેન :
આ ટચૂકડા કેસેટ પ્લેયરને લીધે ઓડિયો કેસેટોની જિંદગીમાં થોડાં વરસ ઉમેરાયાં હતાં, પણ…
***
પેજર :
નવાઈની વાત એ હતી કે જે પૈસાદાર લોકો પાસે સારી ક્વોલિટીના મોબાઈલ (નોકિયા નહીં ‘એરિક્સન’) હતા એ લોકો પણ રૂવાબ છાંટવા માટે કમરમાં પેજરની ડબ્બી ખોસીને ફરતા હતા ! સારું થયું કે ૨૦૦૮માં…
***
સાયબર કાફે :
આ એવાં કાફે હતા જ્યાં કોફી તો મળતી જ નહોતી ! ૨૦ રૂપિયામાં એક કલાક.. જેમાં આજના કંઈ કેટલાય પપ્પાઓ પોતાના ‘ફેસબુક’ અને ‘ઓર્કુટ’ એકાઉન્ટો ખોલ્યાં હતાં, એ પણ ‘પોતાના’ જ નામથી ! પણ ૨૦૦૮માં જે સ્માર્ટ ફોન આવ્યા…
***
તમને થતું હશે કે સાલો, આ ૨૦૦૮માં આવેલો સ્માર્ટ ફોન… પણ હલો, તમે આ બધું ‘ગુજરાત સમાચાર’ નામના છાપામાં જ વાંચી રહ્યા છો, જે હજી અડીખમ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment