આપણી ટીવી સિરિયલોમાં સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, ચચેરી બહેન, સાવકી માં, શયતાન સાળો અને વિધવા ફોઈ જેવાં ડઝનબંધ પાત્રો છે ! એમાંય પાછાં એ બધાં શાનદાર બંગલાઓમાં રહે છે !
છતાં સિરિયલોમાંથી અમુક લોકો ‘ગાયબ’ જ છે ! જુઓ…
***
આ મોટાં મોટાં પરિવારોમાં દસ દસ જણાં ચકાચક ભવ્ય બંગલામાં સાથે રહે છે, પણ આવડા મોટા બંગલામાં કચરા પોતાં કોણ કરે છે ?
સાથે જમવા બેઠાં હોય ત્યારે તો ડાઈનિંગ ટેબલ ઉપર વિવિધ વાનગીઓનાં થઈને ૨૦-૨૫ વાસણો હોય છે ! તો એમનાં વાસણ કોણ ઘસે છે ?
***
એ તો ઠીક, આ બધા પરિવારો કરોડપતિ અને અબજોપતિ હોવા છતાં ઘરમાં કોઈ ‘સરવન્ટ’ જ ના હોય ? રસોઈયા પણ નહીં ? અને નોકર-ચાકરો પણ નહીં ?
હા, ‘ઇમલી’ જેવી સિરિયલમાં હિરોઈન પોતે જ કામવાળી હોય તો જ એ ‘અપવાદ’ ગણાય…
***
અચ્છા, આ લોકો રાત્રે ઉંઘવા જાય કે સવાર સવારનાં ઉઠ્યાં હોય ત્યારે એમના ચહેરા ઉપર આટલા મસ્ત મેકપ કોણ કરી જાય છે ? શું એ બધી બ્યુટિશીયનો બાથરૂમમાં સંતાઈને બેસી રહેતી હશે ?
***
તમે જોજો, સિરિયલોમાં કોઈ છાપાં જ નથી આવતાં ! એ તો ઠીક, કોઈના ઘરમા ટીવી કેમ નથી ? તમે માર્ક કરજો, પેલી ‘તારક મહેતા…’ સિરિયલનાં આટ આટલાં કુટુંબોનાં કોઈ ઘરમાં તમે ટીવી જોયું ?
આપણા ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’વાળા જેઠાલાલ એમની દુકાનમાં આટલાં બધાં ટીવી વેચવા બેઠા છે, છતાંય !
***
અચ્છા, આ ભવ્ય બંગલામાં રહેનારા અને કરોડોનો બિઝનેસ કરનારા શેઠ શેઠાણીઓ ડ્રાયવર કેમ નથી રાખતા ?
યાર, પાછલી સીટ ઉપર બેસીને કોઈ ખતરનાક સૌતન ફોનમાં વાત કરતાં કોઈ ‘સાઝિશ’ રચતી હોય… અને ડ્રાયવર સાંભળી જાય… તો સ્ટોરીમાં કેવી મજા પડે ?
***
અને, આ ચોમાસું ચાલે છે એટલે યાદ આવ્યું… આ બંગલાઓની છતમાંથી પાણી ટપકતું હોય, ભેજને લીધે દિવાલમાં ડાઘા પડી ગયા હોય… એ તો છોડો, યાર, બાલ્કનીમાંથી પાણી બેડરૂમમાં ઘૂસી ગયું હોય ત્યારે પોતાં મુકવાં પડ્યાં હોય એટલું તો બતાડો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment