અમુક વખતે લોકો એવા સ્ટુપિડ સવાલો કરે છે કે મનમાં બે ચોપડાવી દેવાનું મન થઈ જાય ! છેવટે મનમાં સાવ ચક્રમ જેવો જવાબ તો આવી જ જાય છે ! જુઓ…
***
કોઈ આન્ટી પૂછશે ‘અરે વાહ ! વાળ કપાવ્યા ?’
- ના આન્ટી ! રાતના ઉંદરડો આવ્યો હતો. એને ઉછીના આપ્યા છે !
***
સવાર સવારના કોઈ અંકલ જરૂર પૂછવાના ‘ઓહો, મોર્નિંગ વોક કરવા નીકળ્યા છો ?’
- ના અંકલ ! આ તો ટ્રેન ચૂકી ગયેલો એટલે છેક મુંબઈથી ચાલતો ચાલતો આવી રહ્યો છું !
***
મંદિરમાં કોઈ મળી જશે એ તો સાવ બાઘા જેવો સવાલ પૂછશે ‘દર્શન કરવા આવ્યા હતા ?’
- ના વડીલ ! મારાં ચંપલ ઘસાઈ ગયાં છે, એટલે બદલાવવા માટે આવ્યો હતો !
***
ઘરે આવીને અમુક લોકો હસતાં હસતાં પૂછતા હોય છે : ‘કેમ માંદા પડી ગયા ?’
- ના, આ તો રોજ શીખંડ પુરી અને પાતરાં ખાઈને કંટાળી ગયેલો ને, એટલે થયું કે હવે થોડા દિવસ દવા ખાઈએ !
***
‘ઓહો, નવું સ્કુટર લીધું ?’
- શી… શ ! કોઈને કહેતા નહીં ! ડાયરેક્ટ શો-રૂમમાંથી ચોરીને લાવ્યો છું ! જુઓને, હજી તો નંબર પ્લેટ પણ નથી નંખાવી !
***
‘ઓહોહો… તું તો મોટો થઈ ગયો ને કંઈ ?’
- હાસ્તો ! હવે પગે લાગો ! તો વીસ રૂપિયા આપીશ !
***
‘લે, તું પાસ થઈ ગયો ?’
- ના કાકા ! મારે તો પાસ થવું જ નથી ! નવરાત્રિનો પાસ પણ નહીં અને વિમાનનો બોર્ડિંગ પાસ પણ નહીં !
***
‘અહીં લાઈન છે ?’
- હોતું હશે ? આ તો અમે બધા ડાન્સ કરવા માટે ઊભા છીએ ! હમણાં મ્યુઝિક ચાલુ થાય કે તરત બધાએ આગળવાળાને ધક્કા મારવાના છે, રિતિક રોશનની જેમ !
***
અને કોઈ ઘરડાં માશી દરેક લગ્ન વખતે પૂછ્યા કરતાં હોય કે ‘બેટા, હવે તારો વારો ક્યારે છે ?’
- તો જ્યારે કોઈનું મરણ થાય ત્યારે બેસણામાં એમને પૂછવાનું ‘માશી, હવે તમારો વારો ક્યારે છેએએ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment