ટ્રમ્પ, ટેરિફ અને પાકિસ્તાન !

ટ્રમ્પ સાહેબ ફરી બગડ્યા છે ! ભારતના માલ ઉપર ૨૫ ટકા ટેરિફ ફટકારી દીધી ! ઉપરથી કહે છે કે રશિયા પાસેથી ઓઇલ ખરીદશો તો વધારાના ૧૫ ટકા !

આટલું બાકી હોય તેમ કહે છે કે અમે પાકિસ્તાનના દરિયામાંથી ઓઈલ કાઢી આપીશું ! આખો ઘટનાક્રમ ‘સિરિયસલી’ જોવા જાવ તો…

*** 

ટ્રમ્પની આવી જાહેરાત છતાં ભારતનાં શેરબજારો તે દિવસે કેમ અડીખમ રહ્યાં ?

- કેમકે પુતિનને ‘છીંક’ નહોતી આવી ને, એટલે !

*** 

ટ્રમ્પે ભારતની નવ કંપનીઓ, જે ઓઈલના ધંધામાં છે, તેના ઉપર પ્રતિબંધ મુક્યો છે ! બોલો.

- ટ્રમ્પને ક્યાં ખબર છે કે અહીં ભારતમાં માત્ર જીએસટીનું કૌભાંડ કરવા માટે અમે રાતોરાત ૩૦ કંપની બનાવી નાંખીએ છીએ ! તમે નવ પર બાન મુક્યો, તો અમે બીજી ૯૦ બનાવી લઈશું !

*** 

ટ્રમ્પ કહે છે કે ભારત તો ‘ડેડ’ ઈકોનોમી છે !

- વાત જોકે ખોટી નથી, કેમકે અહીં કરોડોમાં ‘ભૂતિયાં’ રેશનકાર્ડો છે, ‘ભૂતિયા’ મતદારો છે.. એ તો ઠીક, આખેઆખી ‘ભૂતિયા’ સડકો બની ગઈ છે… જે માત્ર ‘ઓનપેપર’ છે !

*** 

ટ્રમ્પ કહે છે કે અમે પાકિસ્તાનના દરિયામાં ડ્રીલિંગ કરીને ઓઈલ કાઢીશું !

- જરૂર કાઢો સાહેબ ! કેમકે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ તો ૩૦૦ રૂપિયે લિટર છે ! ત્યાં ને ત્યાં જ વેચશો તો ૩૦૦ ટકા નફો છે !

*** 

ટ્રમ્પે એવું પણ કહ્યું કે કાલે ઊઠીને પાકિસ્તાન ભારતને ઓઇલ વેચે… એવું પણ બની શકે !

- જરૂર બની શકે… કેમકે ભારત પાસેથી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનાં પાણી ખરીદવા માટે પાણીના બદલે ઓઈલ આપવું જ પડશે !

(હા, વિપક્ષ જરૂર કકળાટ કરી મુકશે કે ભારત ‘પાણીના ભાવે’ ઓઈલ ખરીદી રહ્યું છે.)

*** 

બાકી, ટ્રમ્પ અચાનક આટલા બગડ્યા શા માટે, ખબર છે ?
સંસદમાં મોદી, શાહ, જયશંકર અને બીજા નેતાઓએ ધરાર ના પાડી કે ટ્રમ્પે શસ્ત્રવિરામ કરાવ્યો નથી, નથી ને નથી જ !

- જો એકવાર ભારત કહી દે કે ‘હા, ટ્રમ્પ સાહેબ તમે જ મહાન શાંતિદૂત છો…’ તો ટેરિફ ૨૫થી ઘટીને  પાંચ પર આવી જશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments