અઘરું છે... બહુ અઘરું... !

જીવનમાં પરીક્ષાના પ્રશ્નોના આપવા એ જ એકમાત્ર અઘરું કામ નથી ! એનાથી અઘરું કામ પત્નીના સવાલોના જવાબો આપવાનું છે ! એ જ રીતે એના અલગ અલગ ‘ડિફીકલ્ટી લેવલ’ હોય છે. જુઓ… 

*** 

અઘરું છે…
મહિને ૨૦૦૦થી લઈને ૧૦,૦૦૦ રૂપિયાનું પેટ્રોલ કે ડિઝલ પુરાવીને બાઈક કે કાર ચલાવવાનું અઘરું જ છે.

વધુ અઘરું છે…
એ વાહન ચલાવતી વખતે રોડ ઉપરના રીક્ષાવાળા જે પગ વડે સાઈડ બતાડે છે અને મહિલાઓ, જે બંને પગ ઢસડીને સ્કૂટી ચલાવે છે, તે કઈ બાજુ ક્યારે વળશે, તે જાણવું વધારે અઘરું છે !

સૌથી અઘરું છે…
જ્યારે તમારી જરાય ભૂલ ના હોય છતાં કોઈ મહિલાના વાહનને તમારું વાહન સ્હેજ અડી જાય… પછી ત્યાંથી ‘નિર્દોષ’ છૂટવાનું સૌથી અઘરું છે !

*** 

અઘરું છે…
ગર્લફ્રેન્ડને પટાવવા માટે મોંઘી રેસ્ટોરન્ટમાં લઈ જવાનું !
વધું અઘરું છે…

વધુ અઘરું છે...
ગર્લફ્રેન્ડ જ્યારે મેનુમાંથી મોંઘામાં મોંઘી વાનગીઓના ઓર્ડર આપે ત્યારે ગુસ્સો કાબુમાં રાખવાનું !

સૌથી વધુ અઘરું છે…
જ્યારે ગર્લફ્રેન્ડ એ વાનગીઓ સ્હેજ ચાખીને ‘ઇટ્સ સો બેડ…’ કહીને બાજુમાં મુકી દે… ત્યારે એ વાનગીઓ ‘ખાધા વિના’ મોટું બિલ ચુકવવાનું ખરેખર સૌથી અઘરું છે !

***
 
અઘરું છે…
પત્ની વજન ઘટાડવાનો નિર્ધાર કરે ત્યારે કંઈપણ સલાહ આપવાનું અઘરું છે…

વધુ અઘરું છે..
જ્યારે પત્ની ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયામાં જાતજાતની ‘લો-કેલેરી ફૂડ’ની આઈટમો મંગાવી નાંખે ત્યારે ‘આના કરતાં ખાખરા ખા ને ?’ એવી સલાહ આપવાનું વધારે અઘરું છે !

સૌથી વધુ અઘરું છે..
જ્યારે પેલા ‘લો-કેલેરી-ફૂડ’ના ડબ્બાઓ વડે પત્નીએ જે ‘ઓનલાઈન રેસિપી’ જોઈને કંઈ વિચિત્ર સ્વાદવાળી વાનગીઓ બનાવી હોય તે ખાવી પણ પડે ! અને તેના વખાણ પણ કરવાં પડે ! સૌથી અઘરું, ભૈશાબ…

***

- મન્નુ શેખચલ્લી

Comments