કૂતરાંઓ માટે 'ભોજનાલયો' ?!

સુપ્રીમકોર્ટના જજ સાહેબોએ રખડતાં કૂતરાંઓ વિશે વધુ એક ‘ભોજન ગાઈડલાઈન’ બહાર પાડી છે ! નામદાર કોર્ટ કહે છે કે જાહેરમાં જે લોકો કૂતરાંને ખવડાવશે એને દંડ થશે !

એટલું જ નહીં, કૂતરાંઓને ‘ખવડાવવા’ માટે અલગ ‘ઝોન’ બનાવવાના રહેશે !

*** 

એટલે આપણે હવે શું કરવાનું ? કૂતરાને રોટલી ‘નાંખવાની’ નહીં ? પણ એને રોટલી બતાડીને, લલચાવીને છેક પેલા ‘ભોજન-ઝોન’ સુધી લઈ આવવાં પડશે ? અઘરું છે…

*** 

આમ કરવામાં જો ભૂખ્યું કૂતરું ધીરજ ગુમાવી બેસે, અને બચકું ભરી લે, તો શું કરવાનું ? જીવદયાવાળાને ફોન કરવાનો કે મ્યુનિસિપાલીટીને ? અઘરું છે…

*** 

એમાંય, આ કૂતરાંઓની પોતપોતાની ‘સરહદો’ હોય છે. તો જ્યારે આપણું કૂતરું બીજાં કૂતરાંની ત્રણ ત્રણ સરહદો પાર કરીને આપણી પાછળ પાછળ આવતું હોય ત્યારે બીજાં કૂતરાં આપણા કૂતરાં પર હૂમલો કરે, ત્યારે ‘સ્વ-બચાવ’ માટે શું કરવાનું ? અઘરું છે… 

*** 

પેલા ફીડીંગ ઝોન યાને કે ‘ભોજનચોક’માં ચાર સોસાયટીનાં કૂતરાં ભેગાં થઈને અંદરો અંદર ભોજન માટે ઝુંટાઝુંટ કરવા માંડે… અને પછી ત્યાં જો ‘રોટી રમખાણો’ ફાટી નીકળે ત્યારે આપણે શું કરવાનું ? અઘરું છે ભૈશાબ…

*** 

એમાંય, જો કૂતરાં કૂતરાંને બચકાં ભરે ત્યારે તો સમજ્યા, પણ કૂતરાં માનવીને બચકું ભરવા આવે ત્યારે જ ‘માનવતા’ જાળવી રાખવાની છે ને ? અઘરું છે…

*** 

અને હા, આ કૂતરાંઓના ‘ભોજનચોક’ ક્યાં બનશે ? જો કોઈ સોસાયટી, એપાર્ટમેન્ટ કે ચાલીની સામે બનશે તો ત્યાંના ‘માનવીઓ’ની મંજુરી લેવામાં આવશે ખરી ? કે પછી ‘માનવતા’ જ જાળવી રાખવાની છે ? અઘરું છે બાપા…

*** 

અમે તો એમ કહીએ છીએ કે જ્યાં સરકાર ઠેરઠેર દબાણ કરી રહેલી લારીઓ, પાથરણાંવાળાં અને ફેરિયાઓ માટે ‘ઝોન’ ફાળવી શક્યા નથી ત્યાં આ કૂતરાંઓ સરકારને શી રીતે ગાંઠશે ? અઘરું… બહુ જ અઘરું…

***

- મન્નુ શેખચલ્લી

Comments