એનો અર્થ એમ થયો કે...

સંસદમાં આપણા માનનીય ગૃહમંત્રીજી એક અજબ ટાઈપનો ખરડો લાવ્યા છે કે જો વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે કોઈપણ મંત્રીની ધરપકડ થાય અને ૩૦ દિવસ સુધી જેલમાં રહે તો એમનું મંત્રીપદ જાય !

જોકે એના અર્થ ઘણા થઈ શકે છે… 

*** 

એનો અર્થ એમ થાય કે આ મુખ્યમંત્રી કે મંત્રીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે મિનિમમ ૩૦ દિવસમાં જામીન લઈ જ લેવાના છે!

***
 
એનો અર્થ એમ પણ થાય કે જે તે જજ સાહેબની કોર્ટમાં આ કેસ જાય તેમનું પણ ‘ધ્યાન’ રાખવાનું છે કે…

*** 

અને જો એ જજસાહેબ ‘ધ્યાન’ રાખવા માટે તૈયાર ના હોય તો કોઈપણ રીતે ‘તૈયારી’ રાખવાની છે કે એ જજસાહેબ જ બદલાઈ જાય !

*** 

આમ તો એનો અર્થ એ પણ થાય કે આ કાનૂન કોઈ ગેંગસ્ટરને લાગુ પડશે નહીં ! ગેંગસ્ટરો તો હાલની જેમ જ જેલમાં બેઠાં બેઠાં પોતાની ગેંગ ચલાવવા માટેની તમામ સુવિધાઓ મેળવવાનું ચાલુ રાખશે !

*** 

બીજી રીતે જોઈએ તો આનો અર્થ એમ પણ થાય કે જો કોઈ મુખ્યમંત્રીને જેલમાં ૩૦ દિવસથી વધારે રહેવાનું થાય તો તેઓશ્રી પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવી શકે છે ! અને પેલા ગેંગસ્ટરની જેમ જ, જેલમાંથી સરકાર ચલાવી શકે છે !

*** 

આનો અર્થ એમ પણ થયો કે કોઈપણ વ્યક્તિ જેલમાં બેસીને ચૂંટણી લડી શકે છે, ચૂંટાઈને ધારાસભ્ય કે સાંસદ પણ બની શકે છે… પરંતુ જેલમાં બેઠાં બેઠાં ૩૦ દિવસથી વધારે સમય માટે મંત્રી બની શકશે નહીં ! બોલો, જરા કોમ્પ્લીકેટેડ ના કહેવાય ?

*** 

વિપક્ષો ભલે એમ વિચારતા હોય કે આમાં તો મોદીજી અમારા નેતાઓને ઘરભેગા કરી દેશે…. પરંતુ એનો અર્થ એમ પણ થાય ને … કે જો ‘ઈકો-સિસ્ટમ’ વડે તમે સુપ્રીમકોર્ટમાં ‘મેનેજ’ કરી શકો તો ખુદ મોદીજીને પણ ઘરે બેસાડી શકાય છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments