લો બોલો, આ ૨૦મી ઓગસ્ટે ‘વિશ્વ આળસુ દિવસ’ હતો ! કોલંબિયા નામના દેશમાં પણ ૧૯૮૪થી આળસુઓનો ‘તહેવાર’ મનાવવામાં આવે છે !
હવે અમારા આળસુ દિમાગમાં પણ એની જોક્સ બની રહી છે…
***
આ ‘વિશ્વ આળસુ દિવસ’ રવિવારે કેમ નથી હોતો ?
- ખરેખર તો રવિવારે જ હોવો જોઈએ પણ બિચારા આળસુઓ આળસમાં રહ્યા અને બધા રવિવારો બીજા-બીજા ‘દિવસો’ માટે બુક થઈ ગયા !
***
આળસુઓ આ દિવસ શી રીતે મનાવે છે ?
- સિમ્પલ છે ભૈશાબ, પથારીમાં પડ્યા પડ્યા !
***
આળસુ દિવસે કોઈ સ્પર્ધા હોય છે ખરી ?
- હા, માખીઓ મારવાની !
***
આ આળસુ લોકોની કોઈ ક્લબ છે ? અને હોય તો ખબર શી રીતે પડે ?
- ત્યાં કાગડા ઉડતા હશે !
***
આળસુ લોકોનું જીવનમાં સપનું શું હોય છે ?
- એ જ કે મને સપનામાં પણ મસ્ત મજાની ઊંઘ આવતી હોય !
***
આળસુ લોકો આમ તો તમામ કામો ‘પછી કરીશું’ એમ કરીને ટાળતા હોય છે. છતાં એવું કયું કામ છે જે તેઓ ટાળી શકતા નથી ?
- બગાસું ખાવાનું ! એ તો ના-છૂટકે ખાવું જ પડે છે.
***
આળસુ લોકોની પ્રિય વાનગી કઈ છે ?
- એ જ બગાસુ ખાવું ! કેમકે એમાં કશું સમારવાનું, વઘારવાનું કે ઇવન થાળીમાંથી ઉપાડવાનું પણ હોતું નથી !
***
આજની આ સખત ભાગદોડભરી ફાસ્ટ લાઈફમાં આળસુ લોકો દુનિયાને શું સંદેશો આપવા માગે છે ?
- અમે બે ચાર આળસુઓને પૂછી જોયું… એમણે કહ્યું ‘છોડોને ભૈશાબ, તમારે એ બધું જાણી લેવાની શું ઉતાવળ છે ?’
***
આપણને આળસુ લોકોનો ચેપ લાગે ત્યારે શું થાય છે !
- જાત જાતનું થાય છે…પણ યાર, એ બધું કહેવાનો કંટાળો આવે છે ! છોડો ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment