સુપ્રીમકોર્ટે દિલ્હીમાં રખડતાં કૂતરાંને ઠેકાણે પાડવાનો એક ઓર્ડર શું બહાર પાડ્યો, આખા દેશમાં શ્વાનપ્રેમીઓ વિરોધમાં ઉતરી પડ્યા છે !
એ તો ઠીક, છેક લંડનમાં લોકો બેનરો લઈને નીકળ્યાં છે, જ્યાં રખડતાં કૂતરાંની સમસ્યા જ નથી !
એકચ્યુલી, આમનો શ્વાનપ્રેમ સગવડીયો છે ! શી રીતે ? જુઓ…
***
આમાંથી મોટાભાગના શ્વાનપ્રેમીઓ કાં તો ઊંચા એપાર્ટમેન્ટમાં રહે છે અથવા મોટા બંગલામાં રહે છે, જ્યાં રખડતાં કૂતરાં (ઈવન રખડતાં માણસો પણ) ઘૂસી જ શકતાં નથી !
***
એમનામાંથી મોટાભાગના શ્વાનપ્રેમીઓને ઘરમાંથી નીકળીને કારમાં અને કારમાંથી નીકળીને ક્લબમાં, મોલમાં કે ઓફિસોમાં જવાનું હોય છે. જેથી રસ્તે રખડતાં કૂતરાં એમને (ક)નડતાં જ નથી !
***
એ જ રીતે મોટાભાગના શ્વાનપ્રેમીઓ રાત્રે કાચની બારીઓ બંધ કરીને એસી ચાલુ કરીને ઊંઘી જાય છે. જેથી આખી રાતમાં ગમે ત્યારે ભસ્યાં કરતાં કૂતરાંનો અવાજ એમને સંભળાતો જ નથી !
***
હજી સાંભળો. આ શ્વનપ્રેમીઓને આવી કોઈ નાઈટ ડ્યૂટીઓ કરવી પડતી નથી જ્યાં અડધી રાત્રે અથવા વહેલી પરોઢે એવા વિસ્તારોમાંથી બાઈક, સ્કૂટર અથવા સાઈકલ પર બેસીને પસાર થવું પડે, જ્યાંના ડઝનબંધ રખડતાં કૂતરાં કોઈપણ કારણ વિના ઉશ્કેરાઈને પાછળ પડી જાય છે ! અને ક્યારેક તો લોતિયું પણ લઈ લે છે !
***
હકીકત તો એ છે કે આ શ્વાનપ્રેમીઓને એવા મિડલ ક્લાસ કે ગરીબ વિસ્તારોમાં રહેવું જ પડતું નથી જ્યાં શહેરની મ્યુનિસિપાલિટી રખડતાં કૂતરાં તો ઠીક, ઉભરાતી ગટરો અને ફેલાતી ગંદકીને પણ કાબૂમાં રાખતી નથી !
(કેમકે આ વિસ્તારોમાં ‘પર્યાવરણ પ્રેમીઓ’ પણ રહેતા નથી.)
***
અને છેલ્લે, તમે માર્ક કરજો…
કે જે વકીલો આતંકવાદીઓને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કેસો લડે છે, એ જ વકીલો રખડતાં કૂતરાંને બચાવવા માટે કેસ લડી રહ્યા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment