આજકાલ જે ઝડપે લવમેરેજ વધી રહ્યાં છે એટલી જ ઝડપે લગ્ન પછી ડિવોર્સ પણ વધી રહ્યા છે ! જોવાની વાત એ છે કે ડિવોર્સો લવમેરેજમાં જ વધી ગયા છે ! એનું કારણ શું ? જુઓ નમૂના…
***
નિકીતા નિહારના લવમાં એટલા માટે પડી હતી કે ‘આયે હાયે… કેટલો રોમેન્ટિક છે નહીં !’
હવે ડિવોર્સ પણ એટલા જ કારણસર થઈ ગયા કે ‘હરામખોર, જે મળે એ છોકરી જોડે રોમાન્સ કરતો ફરે છે !’
***
આહનાએ આદિત્યને શા માટે પસંદ કર્યો હતો ? કે ‘વાઉ ! એ કેટલો બધો પૈસાદાર છે !’
હવે આહનાએ કોર્ટમાં ડિવોર્સની અરજી નાંખી છે કે, ‘આ માણસ આખો દહાડો પૈસા કમાવામાં જ બિઝી હોય છે ! મારા માટે તો એને ટાઈમ જ નથી !’
***
કેતવને કૈરવી શા માટે આટલી બધી ગમતી હતી? કે ‘શી ઇઝ સો કેરિંગ… મારી કેટલી બધી કાળજી લે છે ? બિલકુલ મારી વ્હાલી મમ્મી જેવી છે !’
હવે કેતવ કૈરવીથી છૂટવા માગે છે ! કેમકે ‘યાર, બધી વાતમાં એ મને સાવ નાનો કીકલો જ સમજે છે ! આ નહીં કરવાનું… પેલું નહીં ખાવાનું… વહેલા ઘરે આવી જવાનું… જલ્દી નાહી લેવાનું…! યાર આ મારી વાઈફ છે કે મારી મમ્મી ?’
***
નૈષધ નિશા ઉપર એટલા માટે જ ફીદા થયો હતો કે ‘યાઆઆર ! શું બિન્દાસ છોકરી છે ! કેટલા બોલ્ડ વિચારો છે ! કેટલી જબરી છે !’
હવે એ જ નૈષધને નિશા નથી ગમતી કેમકે ‘જ્યારે ને ત્યારે મારી ઉપર દાદાગિરી કરે છે ! ઉપરથી કહે છે, હું ક્યાં જાઉં છું, શું કરું છું… એવું બધું નહીં પૂછવાનું ! ઇટ્સ માય લાઈફ !’
***
આરવ ઇશિતાના પ્રેમમાં શા માટે પડ્યો હતો ? ‘બોસ, એના ઇન્સ્ટામાં દોઢ મિલિયન ફોલોઅર્સ છે ! એની એક એક પોસ્ટ ઉપર હજારોનાં દિલ કુરબાન છે !’
હવે આરવ ઇશિતાથી તંગ આવી ગયો છે કે ‘એ સાલી, જ્યારે જુઓ ત્યારે મોબાઈલ સામે જ ચોંટેલી હોય છે !’
***
અને સૌમિલ, જે શર્વરીને ‘બ્યુટિ ક્વીન’ માનીને પરણ્યો હતો…
એને છૂટાછેડા જોઈએ છે કેમકે શર્વરી દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા બ્યુટિ પાર્લર પાછળ ઉડાડી મારે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment