લિકર પોલીસીમાં નવાં સુચનો !

આ રજાઓમાં કેટલા ગુજરાતીઓ આબુમાં ‘જન્માષ્ટમી’ ઉજવવા ગયા હતા ? સૌ જાણે છે કે બધા આબુ ‘શા માટે’ જાય છે !
અમને લાગે છે કે ગુજરાતનું ‘નશા-ધન’ બીજા રાજ્યોમાં જતું અટકાવવા માટે આપણે આખી ‘લિકર-પોલીસી’ બદલી નાંખવી જોઈએ ! જુઓ...

*** 

જીએસટી સાથે લિન્ક કરો...
જે રીતે આધારકાર્ડને બેન્ક ખાતા જોડે લિન્ક કર્યું એ રીતે જીએસટીને લિકર સાથે લિન્ક કરો !

જે વેપારી ૫૦૦૦ રૂપિયાથી વધારે જીએસટી ભરે છે તેને ૫૦૦૦ રૂપિયા દીઠે ૫૦૦ એમએલ લિકરની‘પરમિટ’આપો ! પછી જુઓ, ગુજરાતનું જીએસટી કલેક્શન કેવા રેકોર્ડ તોડે છે !

*** 

મન્ચિંગ સાથે લિન્ક કરો...
આમ પણ તમે બે બાટલી મંગાવો છો ત્યારે તળેલાં કાજુ, શીંગ ભૂજિયા, દાળ મૂઠ, તીખી સેવ વગેરે મળીને એકાદ કિલોનું મન્ચિંગ થઈ જ જાય છે ને ?

તો સિસ્ટમને જરીક ફેરવી નાંખો... જે ગ્રાહક સામટું બે કિલો મન્ચિંગ ખરીદે તેને ૨૦૦ એમએલની‘ઓફિશીયલ પરમિટ’આપી દો !

પછી જુઓ, ગુજરાતનો ચવાણાં ઉદ્યોગ કેવી હરણફાળ ભરે છે ! અરે, મગફળીના‘ટેકા’ના ભાવની જરૂર જ નહીં પડે !

*** 

ટુરિઝમ સાથે લિન્ક કરો...
આપણે ગિરના જંગલમાં જઈએ ત્યારે શું માત્ર સિંહ અને પાડો જ જોવાના ? સાપુતારા જઈએ ત્યારે શું માત્ર ધોધ અને ઝાડવાં જ જોવાનાં ? શિયાળામાં કચ્છમા જે રણોત્સવ થાય છે ત્યાં માત્ર ધાબળા ઓઢીને ઊંટો જ જોયા કરવાનાં ?

આ તમામ સ્થળે ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ માટે દરેક પ્રવાસીને... (બોલો, કેટલું ઝડપથી સમજી ગયા ?)

*** 

મેડિકલ સેવાઓ સાથે પણ...
જ્યારે આટલો બધો દારૂ પીવાશે ત્યારે કીડનીનાં દર્દો પણ વધી જ જાવનાં ને ? તો સ્કીમ એવી કાઢો કે જો તમારો ‘લાઈફ-સ્કોર’ ૩૦૦ બાટલીથી ઉપર જાય તો... તમારી કીડનીનાં ઓપરેશનનો અડધો ખર્ચ સરકાર ઉઠાવશે ! બોલો.

*** 
પોલીસ ડિપાર્ટમેન્ટને પણ...
ગુજરાતની પોલીસ ક્યાં ક્યાંથી અને કેવા કેવા પેંતરા વડે થતા બુટલેગિંગને પકડી પાડે છે ? તો જે પોલીસ ટીમ જેટલો દારૂ પકડે એ મુજબ –

સોરી સોરી. અહીં તો દારૂ ‘નહીં પકડવાની સ્કીમ’ દ્વારા પ્રોત્સાહન ચાલુ જ છે ! સોરી હોં...

***

- મન્નુ શેખચલ્લી

Comments