દિલ્હીમાં રખડતાં લગભગ ૭.૮ લાખ કૂતરાંને માત્ર આઠ સપ્તાહમાં દૂર કરવા માટે સુપ્રિમ કોર્ટે જે આદેશ આપ્યો છે, એના કારણે દેશની સેલિબ્રિટીઓમાં તો હાહાકાર વ્યાપી ગયો છે !
અમને લાગે છે કે આ પ્રાણીપ્રેમી સેલિબ્રિટીઓ માટે સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈનો બહાર પાડવા જેવી છે ! કે…
***
જો તમને રખડતાં કૂતરાં માટે એટલો બધો પ્રેમ ઉભરાતો હોય તો દરેક સેલિબ્રીટી (અને દરેક સોશિયલ મિડીયામાં સપોર્ટ કરનારા) પોતાના ઘરમાં મિનિમમ ૨૫ રખડતાં કૂતરાંને પાળી બતાડો ને ?
***
મિનિમમ ૨૫ કૂતરાં એટલા માટે કે ભારતમાં દર ૨૫ માનવીએ એક રખડતું (જોખમી) કૂતરું છે ! (અમદાવાદના સરસપુર વિસ્તારમાં તો દર પાંચ વ્યક્તિએ એક કૂતરું રખડી રહ્યું છે. એમની પણ ક્યારેક દયા ખાઓ.)
***
એટલું જ નહીં, આ શેરીમાંથી લાવેલા કૂતરાંને તમારા ઇન્ટરનેશનલ ક્વોલિટીનાં કૂતરાંની જેમ જ રાખવાનાં રહેશે !
એ કૂતરાં તમારા ઘરના સોફા, બેડરૂમ કે કિચનમાં બિન્દાસ ફરશે, હા !
એને તમારા ખોળામાં પણ બેસાડવાનાં રહેશે અને જો એ તમારું મોં ચાટે તો ચાટવા દેવું પડશે ! (બહુ પ્રાણી પ્રેમ ઊભરાયો છે ને ? તો હવે બતાડો?)
***
છતાં જો શેરીનાં કૂતરાં પ્રત્યે ભેદભાવ, આભડછેટ, તિરસ્કાર કે જાતિભેદની ફરિયાદો મળશે તો મિનિમમ ૧ લાખ રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો !
***
અને હા, એ ૨૫ કૂતરાંઓનાં ‘કુટુંબ નિયોજન’ની જવાબદારી પણ તમારી જ રહેશે ! એમની સંખ્યા ૨૫માંથી ૧૦૦ થઈ જાય તો ભોગ તમારા ! (કેમ કે ‘લવ ફોર ડોગ’ અને ‘લવ ઈન ડોગ’માં બહુ મોટો ફરક છે.)
***
એમ તો સ્કીમમાં એક સારી વાત પણ છે. જેમકે તમારા રાજ્યમાં કોઈને પણ કૂતરું કરડે તો એની હડકવાની રસીનો તમામ ખર્ચ તમે આપશો !
એટલું જ નહીં, એ વ્યક્તિને ખાસ સર્ટિફીકેટ આપવામાં આવશે કે ‘ફલાણાં મેડમે કે સરે, મને હડકવાની રસી મુકાવી આપી છે. માટે એમનાં કૂતરાં ઘણું જીવો !’
***
આ ઉપરાંત એક ‘સરકારી સદ્બુદ્ધિ ફંડ’ ઊભું કરવામાં આવશે જેમાં નર કૂતરાનું ‘ખસીકરણ’ પાછળ કરોડો રૂપિયા ખરચવાને બદલે નારી કૂતરીઓનાં ‘વ્યંધિકરણ’ ઓપરેશન શી રીતે થાય તેની ‘રિસર્ચ’ માટે ખર્ચવામાં આવશે.
(યાર, અબજો રૂપિયા ચંદ્રયાન પાછળ ખર્ચો છો એના કરતાં કૂતરીનાં વ્યંધિકરણની રિસર્ચ કરો ને ? શું એ પોસિબલ જ નથી ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment