છાપામાં જ્યારે આપણે અમુક સ્ટાન્ડર્ડ નિવેદનો પહેલાં બે ચાર શ્બદો વાંચીએ કે તરત જ બાકીના શબ્દો એની મેળે ‘ઉકલી’ જતા હોય છે !
જોકે મજાની વાત એ છે કે નિવેદનો આપનારામાં મગજમાં તો કંઈ બીજું જ ચાલી રહ્યું હોય છે ! જુઓ…
***
નિવેદન: ‘મારા ઉપર લાગેલા આરોપો જો સાબિત થાય તો મને ફાંસીએ ચડાવી દેજો.’
(પણ મનમાં) : ‘જ્યાં આ દેશમાં ખતરનાક આતંકવાદીઓને પણ ફાંસી ચડાવતા સરકારને ફાંફાં પડી જાય છે ત્યાં મારા જેવા પહોંચેલા કૌભાંડીને શું થવાનું હતું ?’
***
નિવેદન : ‘પુલો શા માટે તૂટી પડે છે તેના કારણો શોધવા માટે એક તાત્કાલિક એક તપાસ સમિતિ નીમવામાં આવશે.’
(પણ મનમાં) : ‘બસ, એક ઢીલો, એક પોચો, એક નબળો અને એક ચમચો… એવા ચાર મેમ્બરો મળી જાય એટલી વાર !’
***
નિવેદન : ‘ચૂંટણીમાં કોંગ્રેસની આવી હાર પાછળના કારણો શોધવામાં આવશે.’
(પણ મન) : ‘જે કારણો અમને ઓલરેડી ખબર છે તે સિવાયનાં નવાં કારણો શોધવા પડશે ને ?’
***
નિવેદન : ‘અમારી આવનારી નવી ફિલ્મ બિલકુલ ‘હટ-કે’ છે !’
(પણ મનમાં) : ‘… જે અગાઉની બે ડઝન ફિલ્મોને બિલકુલ મળતી આવે છે…’
***
નિવેદન : ‘આ સુંદર ગુજરાતી ફિલ્મ દરેક પ્રેક્ષકે જોવા જેવી છે.’
(પણ મનમાં) : ‘જો ફેસબુકમાં દરેક ગુજરાતી ફિલ્મ માટે આવું લખવું પડે છે. જો આવું ના લખું તો મને મફતિયા પ્રિમિયરોના પાસ મળતા જ બંધ થઈ જાય ને ?’
***
નિવેદન : ‘ભારતનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે. દુનિયામાં ચોથા નંબરનું અને સૌથી વધુ ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. ટુંક સમયમાં પાંચ ટ્રિલિયન…’
(પણ મનમાં) : ‘ગરીબી અને બેરોજગારીના આંકડાઓ પંદરેક દિવસ પછી ક્યાંક ખૂણામાં રિલીઝ કરવામાં આવશે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment