સહેલા લાગતા 'અઘરા' શબ્દો !

આપણે આપણી ગુજરાતી ભાષામાં અમુક શબ્દો આંખો મીંચીની સ્વીકારી જ લીધા છે ! મિત્રો, જરા ધ્યાનથી એ શબ્દો વિશે વિચારશો તો લાગશે કે આખું કોળું શાકમાં જઈ રહ્યું છે ! દાખલા તરીકે…

*** 

વૃક્ષારોપણ’
શું આપણા નેતાઓ ખરેખર વૃક્ષો રોપે છે ? યુ મિન, એ લોકો લીમડો, પીપળો કે આખેઆખાં આસોપાલવના ‘ઝાડ’ રોપે છે ? ના ! એ લોકો તો માત્ર એના ‘રોપા’ રોપે છે !

તો એને ‘વૃક્ષારોપણ’ કહેવાય કે ‘રોપા-રોપણ’ ?

*** 

‘શીલારોપણ’
હવે તમે જ કહો, પથરાને ‘રોપવાનો’ શું મતલબ ? શું ત્યાં પથરા ‘ઉગવાના’ છે ? અને જો ઉગવાના જ ના હોય તો મહાનુભાવો ‘રોપે’ છે શા માટે ?

*** 

અભિવાદન’
આપણે સિતારવાદન સાંભળ્યું છે. વાંસળીવાદન સાંભળ્યું છે, ટ્રાફિક પોલીસનું ‘સીટીવાદન’ પણ સાંભળ્યું છે, પણ યાર, આ ‘અભિ’ શું છે ? એ કઈ જાતનું વાજિંત્ર છે ?

અને, એનાથી પણ અગત્યની વાત… જે વ્યક્તિનું અભિ ‘વાદન’ કરવામાં આવે છે તે વ્યક્તિના શરીરના કયા ભાગને ‘વગાડવામાં’ આવે છે ? (અને એ વાગે છે ત્યારે જ સંગીત નીકળે છે તે ‘તંતૂવાદ્ય’નો પ્રકાર છે ? કે ‘વાયુવાદ્ય’નો ?

(હવે શરીરના કયા કયા ભાગમાંથી ‘વાયુવાદ્ય’ વાગી શકે છે તે ના પૂછશો !)

*** 

અભિનંદન’
આવું જ અભિનંદનનું છે…. મારુતિનંદન એટલે મારુતિના પુત્ર, દેવકીનંદન એટલે દેવકીના પુત્ર, તો અભિ-નંદન એ કોનો પુત્ર છે ? અને તે જેને ‘આપવામાં’ આવે છે તે એ ‘બાબલા’નં શું કરે છે ?

*** 

લોકાર્પણ’
આ તો સૌથી મોટો છેતરામણો શબ્દ છે ! માત્ર શબ્દ નહીં આખેઆખું કૌભાંડ છે ! કેમકે પુલનું લોકાર્પણ કરવા છતાં એ કદી લોકોની માલિકીનો તો થતો જ નથી ! બલ્કે એ પછી પણ એનો રોડ-ટેક્સ, ટોલ-ટેક્સ, રીપેરીંગ ટેક્સ… અને અમુકને તોડી પાડવાનો ખર્ચો પણ છેવટે તો પ્રજા જ ચૂકવે છે !

અરે, કવિઓને પૂછો ને ? શું એમના કાવ્યસંગ્રહોનું લોકાર્પણ થઈ જાય પછી દુકાનેથી ‘મફત’માં મળે છે ? ના ! કવિઓ પોતે મફતમાં આપવા માટે પાછળ પડે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments