ગુજરાતભરનાં શહેરોમાં વરસાદ પછી ડામરથી બનેલા રસ્તાઓની જે હાલત થઈ છે એમાં માર્ગોની નવી નવી ‘કેટેગરીઓ’ બની ગઈ છે ! જુઓ…
***
ઘોડેસવારી માર્ગો :
ભલે રાજાઓના જમાના ગયા પણ હવે આ રસ્તાઓ ઉપર વાહન લઈને નીકળો તો તમને રાજા મહારાજાની જેમ ઘોડા ઉપર સવાર થયા હો એવી ફિલીંગ આવશે. દબડક… દબડક…
***
ગધ્ધાસવારી માર્ગો :
અમુક રસ્તાઓના ખાડા એવા ખતરનાક છે કે અચાનક કોઈ ગધેડાએ તમને લાત મારી હોય એ રીતે ઉથલાવી શકે છે !
***
ઊંટસવારી માર્ગો :
આ માર્ગોમાં એટલા ઊંડા ખાડા પડ્યા છે કે તમે જેના પર બેઠા છો તે વાહન ઘડીકમાં ઊંટની જેમ નીચે બેસી જશે ! ને ઘડીકમાં બેસી રહેલું ઊંટ અચાનક ઊભું થઈ જાય તેમ તમને ઊંચે ફંગોળી દશે !
***
ડિસ્કો માર્ગ :
આ મનોરંજન મફતમાં મળે છે ! તમારે બસ તમારી મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખવાની… એ પછી તમે અને તમારું વાહન બંને તાલબદ્ધ રીતે ‘ડિસ્કો’ કરતા હશો ! રમ્બા હો… હો.. હો.. સમ્બા હો… હો… હો…
***
‘રોક’ માર્ગો :
આને રોક મ્યુઝિક સાથે કોઈ લેવાદેવા નથી ! આ તો સડક જ એવી થઈ ગઈ છે કે એમાં રો યાને કે પથરા જ બચ્યા છે ! બાકીનું બધું જ ધોવાઈ ગયું છે !
***
નદી કે પહાડ માર્ગો :
આ માર્ગો વાહનો માટે નહીં, પણ પગે ચાલનારા રાહદારીઓની ‘લાઈવ બોર્ડ-ગેમ’ છે ! અહીં તમારે જાતે નક્કી કરવાનુ છે કે તમારે પહાડે-પહાડે કૂદતા જવું છે કે નદીએ-નદીએ છબછબિયાં કરતાં જવું છે !
***
હરિના માર્ગો :
આ એ માર્ગો છે જ્યાંથી તમે સીધા હરિના ધામે પહોંચી શકો છો ! એટલે જ કહ્યું છે કે ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment