અમદાવાદમાં આરટીઓ ઓફિસનું નવું ભવ્ય બિલ્ડીંગ બનીને તૈયાર છે ! બહુ સારી વાત છે, પરંતુ રસ્તાઓની હાલત જોતાં હવે વાહનોનાં લાયસન્સ માટે થોડા નવાં ‘ડ્રાઈવીંગ ટેસ્ટ’ ઉમેરવાની જરૂર છે.
***
(ખાસ કરીને ટુ-વ્હીલરો માટે..)
(૧) ડ્રાઈવીંગ ટેસ્ટના ટ્રેક ઉપર કમ સે કમ ૧૦થી ૧૫ ખાડા હોવા જોઈએ !
***
(૨) એ નાના મોટા ખાડાઓમાં પૈડું જરાય ના પડે કે જરાય ન પલળે એ રીતે વાહન કાઢવાનું રહેશે.
***
(૩) ટેસ્ટના ટ્રેક ઉપર ગટરનાં ગમે ત્યારે ઢાંકણા ગાયબ કરી દેવામાં આવશે.
***
(૪) એ જ રીતે ચાલુ ટેસ્ટે ટ્રેકનો અમુક ભાગ ભૂવો પડ્યો હોય એ રીતે અચાનક બેસી જશે !
***
(૫) ડ્રાઈવીંગ ટેસ્ટ માટેના ટ્રેક ઉપર કમ સે કમ ૮ થી ૧૦ ગાયો બેઠેલી હશે ! એમને સ્હેજપણ ન અડે તે રીતે વાહનને સહીસલામત રીતે કાઢવાનું રહેશે.
***
(૬) એ જ રીતે રસ્તાની બંને સાઈડે ૧૫-૨૦ પાથરણાંવાળા, ખૂમચાવાળા અને લારીઓવાળા અડ્ડો જમાવીને બેઠા હશે. એમની આસપાસ ૫૦થી ૧૫૦ જેટલા ગ્રાહકો રકઝક વધારે, અને ખરીદી ઓછી કરતા હોય… એ રીતે હરફર કરતા હશે.
***
(૭) આ બધાની વચ્ચે ક્યાંકથી અચાનક ગાય નીકળી આવશે ! તો દોડતી ગાય, ભાગતા ગ્રાહકો અને હપ્તા ઉઘરાવતા પોલીસો વચ્ચેથી વાહન કાઢવાનું રહેશે.
***
(૮) ટેસ્ટ ડ્રાઈવીંગના છેલ્લા તબક્કામાં અચાનક રોંગ સાઈડથી રીક્ષાઓ અને બાઈકો પણ ધસી આવશે !
***
(૯) અને સૌથી અઘરા તબક્કામાં….
તમારા માર્ગમાં ૪-૫ મહિલાઓ તથા યુવતીઓ સ્કુટી લઈને ફરતી હશે ! સાવધાન…
(નજર હટી… દુર્ઘટના ઘટી !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment