ભ્રમ ભાંગવાની ઉંમરો... !

‘સાંઠે બુદ્ધિ નાઠી…’ આ કહેવતનો અર્થ એ છે કે છેક ૬૦ વરસની ઉંમરે આપણો ભ્રમ ભાંગે છે કે આપણામાં ‘બુદ્ધિ’ હતી!

આવી બીજી પણ ઉંમરો છે… નોંધી રાખો !

*** 

૧૫ વરસની ઉંમરે…
આપણો ભ્રમ ભાંગે છે કે હવે આપણે ‘નાના’ પણ નથી રહ્યા ને કોઈ આપણને ‘મોટા’ પણ નથી ગણતું !

*** 

૨૫ વરસની ઉંમરે…
જ્યારે નોકરીમાં ટીચાતા હોઈએ ત્યારે ભાન થાય છે કે કોલેજમાં જે લાખોની ફી આપીને ભણ્યા હતા એમાંનું કંઈ કામ આવતું નથી !

*** 

૩૫ વરસની ઉંમરે…
ભાન થાય છે કે મા-બાપે આપણાં મેરેજમાં જે ૨૦-૨૫ લાખનો ધુમાડો કરી નાંખ્યો હતો. એ પૈસા જો આપણને હાથોહાથ આપી દીધા હોત તો કેટલા કામમાં આવ્યા હોત ?

*** 

૪૫ વરસની ઉંમરે..
ભાન થાય છે કે આપણે ‘જવાન’ રહ્યા નથી ! છતાં સત્તર જાતનાં ફાંફાં મારતા હોઈશું ! વાળ ડાઈ કરશું, જિમમાં જઈને બોડી ‘મેન્ટેન’ કરવાના ધતિંગો કરીશું, રંગીન કપડાં પહેરીને જુનાં રોમેન્ટિક ગાયનો પર રીલ્સ બનાવતા ફરીશું… છતાં ‘કબૂલ’ તો નહીં જ કરીએ કે હવે ‘જવાની’ જઈ રહી છે !

*** 

૫૫ વરસની ઉંમરે…
ભાન થાય છે કે સાલી, જ્યારે મોજમજા કરવાની ઉંમર હતી ત્યારે ગધ્ધાવૈતરું કરતા રહ્યા… અને હવે મોજમજા કરવાનું મન તો થાય છે પણ સંતાનોને હજી ‘ઠેકાણે પાડવાનાં’ છે !

*** 

૬૫ વરસની ઉંમરે…
રિયલાઈઝ થાય છે કે મોજમજા કરવા માટે ટાઈમ અને પૈસો બંને છે, પણ બોસ, હાથપગમાં હવે જોર જ નથી રહ્યું !

*** 

૭૫ વરસની ઉંમરે…
‘પરમ જ્ઞાન’ લાધે છે કે આખરે ‘જિંદગી’ શી રીતે જીવવી જોઈએ ! પરંતુ તમારું એ પરમ જ્ઞાન સાંભળવા માટે કોઈને નવરાશ જ નથી.. બોલો.

*** 

૮૫ વરસની ઉંમરે…
આખી જિંદગી સુધી પાળેલા તમામ ભ્રમ ભાંગી જાય છે ! બસ, બે ચીજોમાં ‘થોડો’ ભરોસો પડવા લાગે છે… એક મેડિકલ સાયન્સ અને બીજા, ભગવાન !

***

- મન્નુ શેખચલ્લી

Comments