કોણે વિચાર્યું હશે... ?!

આજથી ૩૦ વરસ પહેલાં આપણને કલ્પના પણ નહોતી કે એક દિવસ આપણે અહીંથી કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં બેઠેલાં સગાંઓ જોડે એકબીજાનો ફેસ દેખાય એ રીતે ફોનમાં વાત કરતાં હોઈશું ! (એ પણ સાવ સસ્તામાં !) 

પણ હલો, એ સિવાય બીજી પણ ઘણી વાતો છે જે તમે પણ નહીં વિચારી હોય ! જેમકે…

*** 

કોણે વિચાર્યું હશે કે…
લોકો કૂતરાંને ઘરમાં રાખતા હશે અને ગાયો ગંદા રોડ પર રખડતી હશે !

*** 

અને કોણે વિચાર્યું હશે કે…
સારા ઘરની, પૈસાદાર ઘરની મહિલાઓ જાહેરમાં એમનાં કૂતરાંની ‘પોટી’ જાતે, પોતાના હાથ વડે ઉપાડતી હશે ?!

*** 

કોણે વિચાર્યું હશે કે…
યંગ લોકો મંદિરમાં પાંચ મિનિટ પસાર કરતાં હશે પણ એ જ લોકો ટોઈલેટમાં પચ્ચીસ મિનિટ સુધી મોબાઈલ મચડતાં બેસી રહેતાં હશે !

*** 

અને કોણે વિચાર્યું હશે કે…
મંદિરોમાં ચંપલ એલાઉડ નહીં હોય, પણ ટોઈલેટમાં ગયેલો પેલો મોબાઈલ એલાઉડ હશે !

*** 

કોણે વિચાર્યું હશે કે…
લગ્ન પહેલાં છોકરીઓ ‘છોકરાનું ઘર’ જોવા જતી હશે !

*** 

એ તો ઠીક, પણ કોણે વિચાર્યું હશે…

કે છોકરી ‘છોકરી’ જોડે લગ્ન કરશે ! અને છોકરો ‘છોકરા’ જોડે પરણી જતો હશે ! અથવા… પરણવા માટે છોકરો ‘છોકરી’ બની જતો હશે કે છોકરી ‘છોકરો’ બની જતી હશે !

(ક્યા કયા દેખના પડ રહા હૈ ?)

*** 

અને કોણે વિચાર્યું હશે..
કે લગ્ન પછી ‘હનીમૂન’ પર જવાની વાતે બિચારો વરરાજા ફફડી જતો હશે !

*** 

જોકે ફિશન ડિઝાઈનરોએ જરૂર વિચારેલું કે…
મહિલાઓ પુરુષોનાં કપડાં પહેરતી હશે અને પુરુષો વાળની અંબોડીવાળીને કાનમાં કડી પહેરતા હશે !

*** 

પણ સાહેબો, શું તમે કદી પણ એવુ વિચારેલું કે…
સ્ત્રીઓ પુરુષોના અવાજમાં ફની રીલ્સ બનાવતી હશે ?! 
(છતાં, તમને આ સાવ ‘નોર્મલ’ લાગે છે ને ? બોલો.)

***

- મન્નુ શેખચલ્લી

Comments