ભલભલી વાનગીઓનું ગુજરાતીકરણ !

આપણે ગુજરાતીઓ એક તો ખાવાના બડા શોખીન છીએ ! પરંતુ એ સાથે આપણે ભલભલી ગુજરાત બહારની વાનગીઓને ‘વટલાવી’ નાંખીએ છીએ ! જુઓ…

*** 

સૌથી પહેલાં તો આપણે એ વાનગીનાં નામની જ પથારી ફેરવી નાંખીએ છીએ !

જેમકે ‘પિત્ઝા’ ભલે ઇટાલિયન વાનગી હોય, પણ ગુજરાતમાં આવે એટલે ‘પિઝા’ થઈ જાય !

દક્ષિણ ભારતમાં ચોખાના પુડાને ‘ડોસા’ અથવા ‘ડોસ્સાઈ’ કહે છે. પણ ગુજરાતમાં આવ્યા ત્યારથી એમને મારીમારીને બનાવી દીધા… ‘ઢોંસા’ !

એ જ રીતે ‘સાંબાર’ને આપણે આભારપૂર્વક આ’ભાર’ આપીને ‘સાંભાર’ બનાવી નાંખ્યો !

‘મેદુવડા’ની ઉપર જ્યાં લગી આપણે અનુસ્વારની ઘંટડીના લટકાવીએ ત્યાં સુધી એનો સ્વાદ જ ના આવે ને ? એટલે બનાવ્યા.. ‘મેંદુ’વડા !

બંગાળમાં એને ‘ગોલગપ્પા’ કહેતા હતા. મુંબઈવાળાએ એનું નામ ‘પુરી પકોડી’ પાડ્યું પણ આપણે એની ઉપર પાણી જ રેડી દીધું… ‘પાણીપુરી’ !

અચ્છા, તમને ખબર છે, ‘શાક’ અને ‘સબ્જી’માં શું ફરક છે ? અરે ભઈ, જે પંજાબી હોય એને જ ‘સબ્જી’ કહેવાય. બાકી બધાં તો ભૈશાબ… ‘શાક’ !

એ જ રીતે ગુજરાતી હોય તો ‘દાળ ભાત’ અને પંજાબી હોય તો ‘દાલ-રાઈસ’ !

દક્ષિણ ભારતના ‘ઉત્તપમ’ને આપણે પપ્પા સમાન ગણીને બનાવી દીધા ‘ઉત્તપ્પા’ !

અને હજી તો ગુજરાતીઓને સાઉથના ‘રસમ્‌’નો ચસકો નથી લાગ્યો… કારણ કે હાલ પુરતું તો ‘રસમ’ એટલે લગ્નમાં કરવામાં આવતી કોઈ ‘વિધિ’ !

*** 

નામ બગાડ્યા પછી આપણે તમામ વાનગીઓને ગુજરાતી સ્વાદનો ટચ આપીને વટલાવી નાંખીએ છીએ. જેમકે…

સાંભારને ગળ્યો કરી નાંખ્યો, ઢોંસા ઉપર ચીજ નાંખવા માંડ્યા, ઓરીજીનલ પિત્ઝાની થાળી જેવડી સાઈઝ ઘટાડીને ભાખરી જેવડી બનાવી નાંખી, દરેક પંજાબી સબ્જીમાં કાજુ ભભરાવવા માંડ્યા...

અને યુરોપની સેન્ડવીચ ?

એમાં તો ચટણી, આલુ-મટર, પનીર-ટીક્કા, ચોકલેટ અને હવે તો આઈસ્ક્રીમ પણ નાંખી રહ્યા છીએ !

બસ, ચાઈનીઝ ‘મોમો’ને હવે ‘મામા’ બનાવવાના બાકી છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments