નાથુ 'મીંઢા'એ ઘડિયાળ ચોરેલી કે ?

‘હાહરીની… ઘલિયાડ (ઘડિયાળ) ગેઈ કાં ? અમ્મણાં તો બારી ઉપર મુકેલી ઉતી ! મેં જરીક મોઢું ધોવા ગિયો, ને પાછો આવીને જોઉં તો ઘલિયાડ નીં મલે !’

આખો કિસ્સો ચોરીનો અને એ પણ હોસ્ટેલમાં થયેલી ચોરીનો. સુરતની એન્જિનિયરીંગ કોલેજની અમારી હોસ્ટેલમાં છેક વડોદરાથી વાપી સુધીના સ્ટુડન્ટો આવીને રહેતા હતા. એમાંનો આ ‘ઘલિયાડ’નો માલિક હતો હરીશ.

આ હરીશના બાપાનાં નવસારીમાં હીરા ઘસવાના કારખાનાં ચાલે, એટલે સુરતી બોલીમાં કહેવાય તેમ ‘એની પાંહે પૈહુ જ પૈહુ !’ (પૈસો જ પૈસો)

ઉપરથી જે ઇમ્પોર્ટેડ ‘ઘલિયાડ’ ગાયબ થઈ ગયેલી તે ખાસ દૂબઈથી મંગાવેલી. સોનેરી કલરની એ ‘રોલેક્સ’ ઘડિયાળ, સુરતી બોલીમાં કહીએ તો છેક આથેથી ‘પપલ્યા’ કરે ! (ચમકતી હોય)

‘હહરીના ચોર આપડામાંનો જ કોઈ ઓહે… બાકી બા’રથી કોઈ આવીને ચોરવાની હિંમટ નીં કરે, જો !’

હરીશના ખાસ દોસ્ત ‘રંછોડ’ યાને કે રણછોડની વાત જરાય ખોટી નહીં, કેમકે જો ચોર ચોરી કરતાં પકડાયો તો હોસ્ટેલમાં રહેતા સવાસોથી વધારે છોકરાઓના હાથનો માર ખાઈ-ખાઈને અધમૂવો થઈ જાય !

‘મટલબ કે એની બેનને… આપણી હોસ્ટેલમાંથી જ કોઈ હાથ મારી ગિયું !’

અને હાથ પણ કેવો સફાઈથી મારેલો ? હરીશે તે દિવસે રૂમમાં દાઢી પતાવી, પછી તે હોસ્ટેલના કોમન બાથરૂમમાં દાઢીના સામાન સાથે મોં ધોવા માટે ગયો હતો…

પણ પાછો આવીને જુએ છે તો ઘડિયાળ ગાયબ !

‘એ પિરા, મારી ઘલિયાડ જોઈ કે ?’ એમ પૂછતાં પૂછતાં હરીશ અને રણછોડ હોસ્ટેલમાં ફરી વળ્યા. મોટાભાગના છોકરા તો જવાબમાં ‘મને નીં ખબર, ભાઈ !’  ‘મેં તો નીં જોઈ’ એવો જવાબ આપે, પણ એક સ્ટુડન્ટ એવો હતો જેને સવાલ પૂછવાની પણ હિંમત ના થાય !

એ હતો નાથુ ‘મીંઢો’ ! એક તો શરીરે ખડતલ, બાવડાં મજબૂત, ખરબચડા ગાલ, અણીદાર નાક, ધારદાર આંખો અને હંમેશાં ચપોચપ બીડાયેલા હોય તેવા પાતળા હોઠ. આ નાથુની આખી પર્સનાલીટી જ એવી હતી કે કોઈ એની સાથે લપ્પન-છપ્પન તો શું, ‘કેમ છે, મજામાં ?’ એવું પૂછવાની પણ હિંમત ન કરે !

નાથુ મીંઢાને ઘડિયાળનું પૂછ્યા વિના એની પાસેથી પસાર તો થઈ ગયા પણ હરીશ અને રણછોડના મનમાં પાકી શંકા કે ‘એ હહરીના મીંઢાએ જ ઘલિયાડ ચોરી લાગે !’

પણ એને પૂછે કોણ ? બિલાડીના ગળે ઘંટ બાંધવા જેવી જ વાત હતી ને ? કેમકે આ નાથુ મીંઢાના અગાઉના અનુભવો બહુ વિચિત્ર હતા.

વરસાદની મોસમમાં એકવાર હોસ્ટેલના દસ-બાર છોકરાઓએ ‘ધૂન્દ’ પિકચર જોવા જવાનું નક્કી કર્યું. એ પણ છેલ્લા શૉમાં. બધા સાઈકલો લઈને નીકળી રહ્યા હતા ત્યાં જ સામેથી આવે રહેલા નાથુએ કહ્યુ ‘જલ્દી કરજો, શૉ સાડા નવને બદલે નવનો છે… હું ત્યાંથી જ આઈવો.’

છોકરાઓ મારતી સાઈકલે ડબલ સવારીમા થિયેટર તરફ ધસી ગયા. રસ્તામાં પાણી ભરાયેલું હતું છતાં ઉતાવળ હતી એટલે એમણે સ્પીડ ઘટાડી નહીં… અને પાણીની નીચે મોટા મોટા ખાડામાં ચાર સાઈકલો ધડાધડ કરતી પડી ગઈ ! 

કોઈના ઘુંટણ છોલાયાં, કોઈનું માથું ટીચાયું, કપડાં તો બધાનાં ગંદા થઈ ગયા ! પછી ધીમે રહીને પાછળ જુએ છે તો ત્યાં ‘મીંઢો’ આવીને આખો તમાશો જોતો ઊભો છે !

છેક એ વખતે બધાને ભાન થયું કે ‘આ હહરીનો નાથુ, આ જ રસ્તેથી આઈવો ઉતો, તો એણે કીધું કેમ નીં, કે અહીં પાણીમાં ખાડા છે ?’

આવો સ્વભાવ હતો નાથુ ‘મીંઢા’નો !

એ તો ઠીક, જ્યારે બીજી વખત (બપોરના શૉમાં) ‘ધૂન્દ’ જોવાનો પ્રોગ્રામ બન્યો ત્યારે એ છેક ટિકીટબારી સુધી જોડેજોડ આવ્યો… અને જેવી ટિકીટ લેવાની થઈ ત્યારે કહે છે : ‘મેં તો નીં જોવાનો !’

ચાલો સમજ્યા, પણ ટિકીટો લેવાઈ ગઈ પછી નાથુ ‘મીંઢો’ ધીમે રહીને કહે છે : ‘પિકચર હારુ છે… એમાં ડેનીનો ખૂની નવીન નિશ્ચલ છે !’

આવે વખતે નાથુને બેએએ… તમાચા મારવાનું મન તો થાય ! પણ હિંમત કોણ કરે ? બસ, આ જ સિચ્યુએશન હરીશની ઘડિયાળમાં આવીને ઊભી હતી. કેમકે એ ઘડિયાળની પાછળ એક ‘સ્ટોરી’ પણ હતી…

નાથુ અને હરીશ હોસ્ટેલમાં તો એક જ રૂમમાં ત્રણ ત્રણ વરસથી સાથે રહેતા હતા. એક દિવસ નાથુ પોતાના કબાટમાંથી કંઈ કાઢવા જતો હતો એવામાં અંદરથી થોડા ફોટા લપસીને બહાર ફેલાઈ ગયા !

હરીશ એ ફોટા જોઈને ચોંકી ગયો. ‘એલા નાથુ ? તું પન્નેલો છે ?’
કેમકે એ ફોટામાં નાથુ વરરાજા તરીકે હતો અને કોઈ ગામડાની છોકરીને વરમાળા પહેરાવી રહ્યો હતો ! એ સિવાય પણ લગ્નના બીજા ફોટા હતા !

‘હહરીના…’ હરીશથી બોલાઈ ગયું. ‘આટ આટલા વરહથી મારી હાથે રે’ય તો હારા, મને બી નીં કીધું ?’

‘કેવાનું કંઈ કામ ?’ આ હતો નાથુ મીંઢાનો જવાબ !

છતાં હરીશથી રહેવાયુ નહીં. એણે કહ્યું ‘તો પછી પેલી ગીતલીની હાથે -’

મામલો એમ હતો કે કોલેજમાં ગીતા નામની એક છોકરી સાથે નાથુનું ‘સેટિંગ’ હતું ! જેની હરીશ સિવાય કોઈને ખબર નહોતી. ઉપરથી નાથુ એટલો મીંઢો અને ભેદી તો ખરો જ, કે એ કોલેજમાં તો ગીતા સાથે ઝાઝી વાતચીત કરતો દેખાય નહીં !

‘ખબરદાર જો ગીતલીને તેં કંઈ કીધું છે તો !’ નાથુએ ફોટા પાછા મુકતાં પહેલાં હરીશની સામે જે રીતે આંખો ‘ચીંધરી’ (અણીદાર) કરી તે જોઈને હરીશના મોઢે બીજુ તાળું લાગી ગયેલું !

જોકે હરીશને ગીતા માટે બીજી પણ એક દાઝ હતી. વાત એમ હતી કે ગીતાને કોલેજના પ્રિન્સિપાલ સાહેબની દીકરી સાથે ખાસ બહેનપણાં હતાં. એ દીકરી ભલે બીજી કોલેજમાં ભણતી હોય, પણ એકવાર થર્ડ યરની ફાઈનલ એક્ઝામનું સૌથી અઘરું પેપર તેણે ‘ફોડીને’ ગીતાને આપેલું !

સીધી વાત છે, ગીતાએ એ આખું પેપર નાથુને પકડાવી દીધું હતું. હવે આ માણસની ‘મીંઢી’ ચાલ તો જુઓ…

એક્ઝામની આગલી રાતે નાથુ આવીને હરીશને કહે છે ‘આ ક્વેશ્ચનનો આન્સર હું થાય ? મને હમજાવ.’

હરીશે આખો જવાબ સમજાવ્યો પછી નાથુ કહે છે ‘એમ નીં, મને લખીને આપ.’

બસ, આ જ રીતે એણે વારાફરતી તમામ સવાલોના જવાબો  હરીશ પાસેથી છૂટા છૂટા પાનામાં લખાવી લીધા ! બીજા દિવસે હરીશ એક્ઝામ હોલમાં જુએ છે કે ‘હહરીનું આ તો સેઈમ પેપર ! એની બેનને નાથુએ મને તો કે’વું જોઈએ કે નીં ?’

પણ નાથું ‘મીંઢો’ કોનું નામ !  બીજો કોઈ હોય તો પોતાના ડઝન દોસ્તારોને પેપર આપી દે, પણ નાથુ ? ભૂલી જાઓ..

હરીશ આ વાતે મનમાં બરોબરનો કચવાયેલો. પછી નવી ટર્મમાં જ્યારે ઇન્ટરનલ એક્ઝામ આવી ત્યારે હરીશે ક્લાસમાંથી નીકળતાં તેણે ગીતાને ટોણો માર્યો કે ‘તારી પાંહે પેપર આવે તો અમને હો આપજે !’

આ વાત ગીતાએ નાથુને કરી. 'પેલો રોલેક્સ ઘલિયાડવારો તારો પૈહાવારો દોસ્તાર છે કે નીં, તે મારી પાંહે પેપર માગતો ઉતો !'

બસ, આ વાત નાથુ મીંઢાના દિમાગમાં ચોંટી ગઈ હશે ! ખાસ તો પેલી ‘ઘલિયાડવારો દોસ્તાર’ એવા શબ્દોથી એને ચચરાટ થયો હશે… એવું હરીશને લાગતું હતું : ‘તો જ લાગ જોઈને મારી ઘલિયાડ ચોરી લીધી કેનીં ?’

આખી હોસ્ટેલમાં સૌને ડાઉટ હતો કે હરીશની ‘રોલેક્સ’ આ નાથુએ જ ચોરી હશે. અંદરોઅંદર ચાલતી આ ચર્ચા છેક હોસ્ટેલના વોર્ડન પાસે પહોંચી !

વોર્ડને નાથુને બોલાવીને વારંવાર પૂછ્યું ‘તેં એ ઘડિયાલને જોયેલી કે ? જો ભૂલથી બી લેઈ લીધી ઓય તો આપી દેનીં ભાઈ ? આપડે કંઈ કાર્યવાહી નીં કરહું…’

પણ નાથુ મીંઢો અદબ વાળીને હોઠ બીડીને ફક્ત એક જ વાક્ય બોલ્યો : ‘ના કીધું ને એકવાર ?’ બસ.

આખી વાતમાં છેલ્લે છેલ્લે એક ભેદી ટર્ન આવ્યો ! 

હરીશનો દોસ્તાર રંછોડ ઉર્ફે રણછોડ બોલ્યો કે ‘મારો એક મામો છે… તે માટલામાં જોઈને કે’ઈ આપતો છે કે કઈ ચીજ કાં છે !’

‘માટલામાં ?’ હરીશને નવાઈ લાગી.

પણ રણછોડે તો  જોરદાર દાખલા આપ્યા. ‘એકવાર અમારા ગામમાંથી એક બલિયો (બળદ) ચોરાઈ ગેલો… મારા મામાએ માટલામાં જોઈને કે’ઈ આપેલું કે તે ફલાણા ફલાણા ગામની નદી પાંહે ઝાડ નીચે બેઠેલો છે ! તે ચોરાયેલો નીં મલે, પણ તેના માલિકે તેને બો’ મારેલો એટલે રીહાઈને ચાલી ગયેલો છે !’

રણછોડે તો ઈન્ટરનેશનલ કનેક્શન કાઢીને કહ્યું ‘છેક બર્મિંગહામથી ખોવાઈ ગયેલા નેકલેસ માટે ફોન આવેલો ! તે બર્મિંગહામમાં  એક કારમાં જ પડી ગેલો છે, તેમ મારા મામાએ માટલામાં જોઈને કે’ઈ આપેલું !’

હરીશે રણછોડ પર ભરોસો મુકીને ગામડે એસીટીડી ફોન લગાડવા કીધું… કલાક રહીને જવાબ આવ્યો કે ‘હોસ્ટેલની બહાર જ્યાં ઝાડી-ઝાંખરા છે, તાં જ પડેલી છે ઘલિયાડ !’

હવે જુઓ તમાશો ! આખી હોસ્ટેલ એ ઝાડી ઝાંખરામાં શોધાશોધ કરી રહી છે ! પેલો નાથુ ઊભો ઊભો શાંતિથી તમાશો જોઈ રહ્યો છે ! આના કારણે સૌની શંકા ઔર વધતી જાય છે…

પણ નાથુ 'મીંઢા' ને પૂછવાની હિંમત કોણ કરે ? 

આખરે અંધારુ થવા આવ્યું અને ઘડિયાળ ન જ મળી ત્યારે બધા પાછા વળવા લાગ્યા. એવા વખતે નાથુએ પાછળથી આવીને પેલા રણછોડને કચકચાવીને એક લાફો માર્યો ! અને કીધું :
‘અ'વે પૂછ તારા મામાને ! આ લાફો દેખાયો કે માટલામાં ?’
રણછોડને એ લાફો સવાર સુધી ચચરતો રહ્યો. અને હરીશને તો ચોરીનો ડાઉટ વરસો લગી ચચરતો હતો. 

બે વરસ પછી જ્યારે હરીશનાં મેરેજ થયાં ત્યારે નાથુ ખાસ એટેન્ડ કરવા માટે આવેલો. તે વખતે હરીશને લાગ્યું કે નાથુ જે સોનેરી ઘડિયાળ પહેરીને આવેલો તે કદાચ એની જ હતી !

પણ એવું પૂછાય કેમ કરીને ?

આવો હતો નાથુ 'મીંઢો'...

*** 
(કથાબીજ : કે. એમ. મકવાણા - અમદાવાદ)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો 
E-mail : mannu41955@gmail.com

Comments

  1. કથાનું સરસ નિરુપણ,बडो मजो आयो बाबा,बडो मजो आयो। (सिंधी उवाच), प्रभू
    खेरियत??

    ReplyDelete

Post a Comment