હવે ‘લગ્ન-વિષયક’ જાહેરખબરમાં બહુ મોટા ફેરફારો આવવાના છે ! કેમકે લગ્નનો ‘વિષય’ જ હવે નવા સિલેબસમાં આવી ગયો છે !
આવનારા સમયમાં કેવી જાXખ આવતી હશે ? જુઓ…
***
વેલ-ટ્રેઇન્ડ હસબન્ડ જોઈએ છે…
દરેક વાતે ‘સોરી’ કહે, સવાર-સાંજ ‘આઈ લવ યુ’ કહે, વિક-એન્ડમાં ફરવા લઈ જાય, શોપિંગમાં સાથે આવે, દર વરસે ફોરેન ટ્રીપ કરાવે અને સાથે સાથે વોશિંગ મશીન, કુકીંગ રેન્જ જેવાં ઘરેલું સાધનો વાપરતાં આવડતાં હોય તેવો હસબન્ડ જોઈએ છે. (પગાર કેટલો લેશે તે અરજીમાં જણાવવાનું જરૂરી છે.)
***
હોમ-મેકર પતિ જોઈએ છે…
પાંચ આંકડાનો પગાર મેળવતો હોય, ‘વર્ક-ફ્રોમ હોમ’ કરતો હોય છતાં ઘરની સાફ-સફાઈ, રસોઈ તથા નાના-મોટાં રીપેરિંગ કામની તાલીમ જેમણે લોક-ડાઉન દરમ્યાન ‘પોતાના પપ્પા’ પાસે લીધી હોય તેને પ્રથમ પસંદગી. (હાથમાં સાવરણી સાથેનો ફોટો મોકલવો.)
***
રેડી-મેઈડ હસબન્ડ મળશે…
શું આપ એંદી, રોલાબાજ, ફાલતુ, સ્ટાઈલમારુ અને ટણીબાજ યુવાનોની મેરેજ-પ્રપોઝલોથી કંટાળી ગયા છો ?
તો અમારો સંપર્ક કરો… અમારે ત્યાં કુકીંગ, ક્લિનીંગ, કિચન મેનેજમેન્ટ, હોમ ડેકોરેશન તથા પોલાઈટ મેનર્સનો કોર્સ કરેલા ‘રેડી-ટુ-યુઝ’ હસબન્ડોની આખી રેન્જ મળશે.
ખાસ નોંધ : ત્રણ મહિનાના ‘ટ્રાયલ પિરીયડ’ માટે પણ યુવાનો મળશે.
***
સોશિયલ મીડિયા મેરેજ કન્સલ્ટન્સી :
માત્ર કુંડળી મેચ કરવાથી શું મળશે ? જીવનસાથીની પસંદગી પહેલાં તેનું સોશિયલ મિડીયા એકાઉન્ટ જોવું જરૂરી છે. અમારી એજન્સી તમારા જીવનસાથીની એક્સ ગર્લફ્રેન્ડ, એક્સ લફરાં તથા તેના મોબાઈલની ઝીણામાં ઝીણી વિગતો શોધીને તેનું સચોટ એનાલિસીસ કરી આપે છે. એક વાર પધારીને ખાતરી કરો.
ખાસ ઓફર : યુવતીઓના આખેઆખા મોબાઈલની હિસ્ટ્રી ‘ક્લિન’ કરીને નવેસરથી જરૂરીયાત મુજબની ‘નવી હિસ્ટ્રી’ ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment